રિપોર્ટ@ગુજરાત: ACP ભરત પટેલે જમીન મેટરમાં 3 કરોડ માગ્યાનો આક્ષેપ, પોલીસ અધિકારીને તપાસમાંથી હટાવાયા

ACP ભરત પટેલે ફરિયાદી પાસેથી રૂ. 20 લાખ લીધા હોવાનો આરોપ લગાવ્યો હતો.

 
રિપોર્ટ@ગુજરાત: ACP ભરત પટેલે 3 કરોડ માગ્યાનો આક્ષેપ, પોલીસ અધિકારીને તપાસમાંથી હટાવાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

 કેટલાક અધિકારીઓ પર લાંચ માગવાના આક્ષેપો લગવામાં આવતા હોય છે. અમદાવાદના વેપારીએ અમેરિકામાં રહેતા ગુજરાતી પાસેથી નવરંગપુરામાં જમીન ખરીદી હતી. જોકે, તે કાયદાકીય પ્રક્રિયા અને વિવાદને પગલે આરોપીઓએ ફરિયાદીએ ડ્રાઈવર અને જમીનના ચોકીદારને માર માર્યાની ફરિયાદ કરી હતી. જેની તપાસ ક્રાઈમ બ્રાન્ચમાં ટ્રાન્સફર થતાં તપાસ ACP ભરત પટેલ કરતા હતા. આ મુદ્દે હાઈકોર્ટમાં ફરિયાદીએ અરજી કરી હતી. જેમાં ACP ભરત પટેલે ફરિયાદી પાસેથી રૂ. 20 લાખ લીધા હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથેસાથે જમીન મેટરમાં 3 કરોડ માગ્યાનો આક્ષેપ કર્યો હતો. જોકે, કોર્ટમાં ખુદ ACP હાજર રહ્યા હતા અને હાઈકોર્ટના નિર્દેશ બાદ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસે તેમની પાસેથી તપાસ આંચકીને મહિલા ACPને સોંપી સોંપી હતી.

અરજદારે ACBમાં કરેલી અરજી પ્રમાણે આક્ષેપ કર્યો હતો કે, ACP ભરત પટેલે તેમને જણાવ્યું હતું કે, તકરારવાળી જમીન 50 કરોડની છે, જેથી અરજદારે તેને 3 કરોડ રૂપિયા આપવા પડશે.આ ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં ટ્રાન્સફર થઈ હતી. જેની તપાસ ACP ભરત પટેલ કરી રહ્યા હતા. આ ACP ભરત પટેલ સામે ફરિયાદીએ એડવોકેટ કિશોર પ્રજાપતિ મારફતે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજદારે જણાવ્યું હતું કે, આ કેસની અંદર પાછળથી એટ્રોસિટી એક્ટની કલમો પણ ઉમેરાઈ હતી. ફરિયાદ દાખલ કરે એક વર્ષ થયું હોવા છતાં તપાસ અધિકારીએ કોઈ તપાસ કરી નથી, આરોપીઓને પકડ્યા નથી કે ચાર્જશીટ પણ દાખલ કરી નથી. વળી તપાસ અધિકારી ACP ભરત પટેલે ફરિયાદી પાસેથી 20 લાખ રૂપિયા લઈ લીધા છે. તેમજ ફરિયાદ પાછી ખેંચવાની ધમકી આપીને 3 કરોડ રૂપિયાની માંગ કરી છે.

હાઇકોર્ટે અરજદારને પૂછ્યું હતું કે, તમારી પાસે લાંચ માંગી તો તમે ACBમાં ગયા હતા કે કેમ? અરજદારે જણાવ્યું હતું કે, તેમને ACP વિરુદ્ધ ACBમાં ફરિયાદ આપી હતી. ફરિયાદીના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. જેથી કોર્ટે વ્યંગ કર્યો હતો કે, કેસ બંધ થઈ ગયો હશે! કોર્ટ કાર્યવાહી દરમિયાન તપાસ અધિકારી ACP ભરત પટેલ કોર્ટમાં હાજર રહ્યા હતા. જેથી કોર્ટે ટકોર કરી હતી કે, તપાસ અધિકારીની કોર્ટમાં હાજરી જણાવે છે કે, આ કેસમાં તેમને રસ છે. જો કે, સરકારી વકીલે કહ્યું હતું કે, આ કેસમાં તેઓ તપાસ અધિકારી હોવાથી હાજર રહ્યા છે. હાઇકોર્ટે તપાસ અધિકારી બદલવા માટે સરકારી વકીલને નિર્દેશ આપ્યા હતા. સાથે જ હાઇકોર્ટે નોંધ્યું હતું કે, ફરિયાદી સામે ચાલીને ACBમાં ગયો છે, એટલે તેની ફરિયાદમાં વજૂદ લાગી રહ્યું છે. અરજદારના વકીલે જણાવ્યું હતું કે, તપાસ અધિકારીએ અરજદાર અને સાક્ષીઓને ધમકાવીને 3 કરોડ માંગ્યા હતા. તેમજ ACBમાં કરેલી ફરિયાદ પરત ખેંચવા ધમકી આપી હતી.

સવારે ચાલેલી આ કોર્ટ કાર્યવાહીમાં સરકારી વકીલે સમય માંગીને બપોરે જવાબ રજૂ કર્યો હતો કે, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસે તપાસ અધિકારી બદલીને તપાસ ACP ભરત પટેલની જગ્યાએ મહિલા સેલના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસને સોંપી છે. અરજદારની સમસ્યાનું નિરાકરણ આવતા અરજદારે અરજી પરત ખેંચી હતી.