રિપોર્ટ@ગુજરાત: ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની મુશ્કેલીઓમાં વધારો, ક્ષત્રિય સમાજ બાદ દલિત સમાજ નારાજ

ગુજરાત ભાજપમાં કકળાટ

 
 રિપોર્ટ@ગુજરાત: ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની મુશ્કેલીઓમાં વધારો, ક્ષત્રિય સમાજ બાદ દલિત સમાજ નારાજ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હવે થોડાજ સમયમાં ચૂંટણી  છે. ત્યારે કેટલાક એવા કારણોના લુધે ભાજપની મુશ્કેલીઓ વધી રહી છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ક્ષત્રિય સમાજ બાદ હવે દલિત સમાજ તેમનાથી ખફા છે. રૂપાલા સામે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવા વંથલીના સામાજિક કાર્યકર અજય કુમાર નાનજીભાઈ વાણવીએ વંથલી પોલીસ સ્ટેશનનાં પીએસઆઇને ઉદેશી લેખિત ફરિયાદ અરજી આપી છે.

અરજીમાં જણાવ્યું હતું કે, 29 માર્ચના રોજ ગોંડલ ખાતે યોજાયેલ ક્ષત્રિય સમાજનો માફી માગવાના કાર્યક્રમમાં રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલાએ તેમના વક્તવ્ય દરમિયાન ‘જે તે કાર્યક્રમ ( કે જે સમાજમાં કાર્યક્રમ હતો) તેના કોઈ કામનો ન હતો અમે તો આમ જ ત્યાં પહોંચી ગયા હતા’ તેવું બોલ્યા હતા. અમ તેઓએ દલિતોનું અપમાન કર્યું છે. રૂપાલાએ કહ્યું હતું કે, ‘જાહેર જીવનમાં ક્યારેય તેમની જીભ લપસી નથી’ આ પણ નર્યું જુઠાણું છે. દલિતોના કાર્યક્રમને ફાલતુ કહીને દલિતોનું અપમાન કર્યું હોય જેથી તેના વિરુદ્ધ એટ્રોસિટી એક્ટરની અલગ અલગ કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવે એવી રજૂઆત કરી અને ફરિયાદ અરજીની નકલ પોલીસ અધિક્ષકને પણ મોકલી હોવાનું જણાવ્યું હતું.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટેના ઉમેદવારોની જાહેરાત થતાં જ 26માંથી ઓછામાં ઓછી નવ બેઠકો પર નાના-મોટાં કકળાટ શરૂ થઇ ગયા છે. રૂપાલાના નિવેદનથી થયેલો ભડકો હજુ ઠરતો નથી અને તેની ય પહેલાં વડોદરા અને સાબરકાંઠામાં જાહેર થયેલા ઉમેદવારો બદલાયા છતાં હજુ સ્થિતિ ઠેરની ઠેર છે. ભાજપ પોતાને પાર્ટી વિથ ડિફરન્સ એટલે કે અદકેરો પક્ષ ગણાવે છે, પણ હાલ તેની સ્થિતિ પાર્ટી વિથ સો મેની ડિફરન્સીસ એટલે કે વિસંગતતાઓ અને અસંતોષથી ભરેલો પક્ષ થઇ ગયો છે. આ સ્થિતિની પાછળનું મૂળ કારણ છે પાર્ટીના નેતાઓનો ઓવર કોન્ફિડન્સ અને જૂના કાર્યકર્તાઓ તરફે સેવાતું દુર્લક્ષ.

આઠ બેઠકો પર બળવા જેવી સ્થિતિ હોવા છતાં શીર્ષસ્થ નેતૃત્વએ તેને લઇને કોઇ એક્શન પ્લાન ન બનાવ્યો હોય તેવી સ્થિતિ છે. છેલ્લા પંદર દિવસથી આ વિવાદો ચાલુ થયા હોવા છતાં નારાજગી કે વિદ્રોહને શાંત પાડવા માટે ગુજરાતના સિનિયર નેતાઓએ સીધી રીતે કોઇ પ્રયત્ન કર્યો હોય, બેઠક કરી હોય તેવું બન્યું નથી. છેક હવે છેલ્લા બે દિવસથી બીજી હરોળના અમુક નેતાઓને રસ્તો કરવા માટે મોકલાઇ રહ્યા છે, પણ તેનાં પરિણામો જોઇએ તેવાં મળ્યાં નથી.

આ સ્થિતિ સતત રહેશે તો ભાજપના ઉમેદવારોને જીતવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડે. છેલ્લી બે ટર્મથી 26 બેઠકો જીતી રહેલો ભાજપ આ વખતે ફરીથી આ જ ઉપલબ્ધિની હેટ્રિક કરવા સાથે દરેક બેઠક પર પાંચ લાખથી વધુ સરસાઇનું સ્વપ્ન સેવે છે, તેમાં ક્યાંક વિઘ્ન આવી શકે. આ બધો કકળાટ હાલ મોટા ભાગના કિસ્સામાં ભાજપના લોકો વચ્ચેની હૂંસાતૂંસીને કારણે જ છે. મતદાતાઓ હજુ સુધી આ મામલે કોઇ પ્રતિક્રિયા દર્શાવી રહ્યા નથી. તેઓનું મૌન ભાજપ માટે અકળ સાબિત થઇ શકે.