રિપોર્ટ@ગુજરાત: લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જશે

રૂપાલાની ઉમેદવારીને લઈને ભાજપ ભીંસમાં
 
 રિપોર્ટ@ગુજરાત: લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જશે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચૂંટણી નજીકમાં છે. ત્યારે તૈયારીઓ જોરોથી ચાલી  રહી છે. રાજ્યમાં કેટલીક જગ્યાઓ ઉપર વિરોધ જોવા મળી રહ્યો છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી તેમ રાજકીય પાર્ટીઓ પૂરજોશમાં તૈયારીમાં લાગી ગઈ છે. ત્યારે ગુજરાતમાં રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 11.30 વાગ્યે દિલ્હી જવા રવાના થશે. દિલ્હીમાં બપોરે 3 વાગ્યે ભાજપના ચૂંટણી ઢંઢેરા અંગે બેઠક યોજાનાર છે. બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થવાની પણ સંભાવના છે. હજુ 4 દિવસ પહેલાં જ ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દિલ્હી ગયા હતા.


ગુજરાતમાં રાજપૂત સમાજ પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી નારાજ છે અને ભાજપના નેતાઓ સાથેની મંત્રણા પણ પડી ભાંગતા હવે તેમની ટિકિટ કાપવી તેનાથી નમતું જોખવા ક્ષત્રિયો તૈયાર નથી. આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં પોતાના મંત્રીમંડળની બેઠક બોલાવી ચૂંટણી બાદ ફરી ભાજપ સરકાર બને તો તેના 100 દિવસમાં કરવાની કામગીરી પર ચર્ચા કરી, તેમાં કેન્દ્રીય મંત્રી હોવાના નાતે રૂપાલા પણ દિલ્હી ગયા હતા. આ તરફ રાજપૂતોની સમજાવટ માટે ગયેલા ભાજપના નેતાઓએ પણ આખરી ફેંસલો દિલ્હીમાં બેસેલું ભાજપનું મોવડી મંડળ કરશે તેવું નિવેદન આપી ચૂક્યું છે.


સરકાર બન્યા પછીના 100 દિવસની કામગીરીના એજન્ડા તૈયાર કરવા માટે હવે પછીના મંત્રીમંડળના સંભવિત સભ્યો હાજર રહે તે સ્વાભાવિક છે. રૂપાલાની ઉમેદવારીને લઈને ભાજપ ભીંસમાં મુકાયું છે, ત્યારે સરકારના ભવિષ્યના આયોજન માટે રૂપાલાનું આ બેઠકમાં હાજર રહેવું સૂચક છે. ગુજરાતમાંથી સાંસદ તરીકે ચૂંટાયેલા ગૃહમંત્રી અમિત શાહ અને વિદેશ મંત્રી એસ જયશંકર તેમજ આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ ચર્ચા કરવા ગુજરાતથી દિલ્હી ગયા છે.


રાજ્યોની અંદર આચારસંહિતા લાગ્યા બાદ કેબિનેટની બેઠક મળતી હોતી નથી. જોકે હાલની કેન્દ્ર સરકાર દ્વારા કેબિનેટ બેઠક બોલાવવામાં આવી છે. જોકે, આ બેઠકમાં નવી સરકાર બને તો સરકારના 100 દિવસના કામનો એજન્ડા શું હશે તે વિશે ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ રાજ્યમાં ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે રૂપાલા દિલ્હી પહોંચતાં અનેક અટકળો ચાલી હતી, પણ ખરેખર તેઓ કેબિનેટ બેઠકમાં નવી સરકાર બને તો 100 દિવસની કામગીરી અંગે ચર્ચા કરવા ગયા હતા.