રિપોર્ટ@ગુજરાત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમૃત મુહૂર્તંમાં નર્મદાનાં નીરનાં વધામણાં કરવામાં આવશે.

ગુજરાતની જીવાદોરી ગણાતો સરદાર સરોવર ડેમ છેલ્લા કેટલા સમયથી છલકાવાની પરિસ્થિતિમાં હતો.
 
એલર્ટ@ગુજરાત: વોર્નિંગ સ્ટેજમાં સરદાર સરોવર ડેમ, 61 ગામોને એલર્ટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં સારો વરસાદ નોધાયો છે. કેટલીક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ હતી.  ગુજરાતની જીવાદોરી ગણાતો સરદાર સરોવર ડેમ છેલ્લા કેટલા સમયથી છલકાવાની પરિસ્થિતિમાં હતો. ત્યારે આજે ડેમ પોતાની મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચ્યો છે. સિઝનમાં પહેલીવાર ડેમ છલોછલ ભરાતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 12.39 વાગે અમૃત મુહૂર્તંમાં નર્મદાનાં નીરનાં વધામણાં કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ ચોમાસાની સિઝનમાં ડેમના દરવાજા 33 અલગ અલગ દિવસો પર ખોલીને કુલ 77 લાખ 39 હજાર 786 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું.

સરદાર સરોવર ડેમ પૂર્ણ સપાટી 138.68 મીટર સુધી છલોછલો ભરાયો છે. ડેમમાં હાલ 82,408 ક્યૂસેક પાણીની આવક છે. ડેમમાંથી હાલ 5 હજાર ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી મુખ્ય કેનાલમાં 4364 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ટર્બાઇન મારફતે 40,930 ક્યૂસેક પાણીની જાવક છે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 11:45 વાગે કેવડિયા હેલિપેડ પર આવશે અને ત્યાંથી નર્મદા ડેમ પર પહોંચીને 12.39 વાગે અમૃત મુહૂર્તંમાં બ્રાહ્મણો દ્વારા મંત્ર ઉચ્ચારણો સાથે નર્મદા નદીનાં નીરને ચૂંદડી, શ્રીફળ, કંકુ, ચોખા અર્પણ કરીને પૂજા કરશે. નર્મદા નીરનાં વધામણાં કરશે અને નર્મદા માતાની આરતી ઉતારશે. જેની તૈયારીઓ તંત્ર દ્વારા આરંભી દેવાઈ છે.

નર્મદા ડેમમાં 121.92 મીટરની સપાટી પછી 30 દરવાજા લગાવવામાં આવ્યા છે. જેમાં 23 દરવાજા સપાટીને મેન્ટન કરવા જ્યારે 7 દરવાજા ઇમર્જન્સી રખાયા છે. દરવાજાઓ સાથે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર પર પહોંચી છે. ત્યારે ડેમમાં 4.73 મિલિયન એકર ફૂટ એટલે કે 5.76 લાખ કરોડ લિટર પાણીનો ડેમમાં સંગ્રહ થશે. આ પાણી રાજ્યમાં એક વર્ષ માટે પીવાના તથા સિંચાઈના પાણીની જરૂરિયાતને પૂર્ણ કરી શકશે.

ગુજરાતની જીવાદોરી ગણાતા નર્મદા ડેમના પાયા નંખાયાને આજે 62 વર્ષ પૂર્ણ થયાં છે. 5મી એપ્રિલ 1961ના રોજ પૂર્વ વડાપ્રધાન સ્વ. જવાહરલાલ નહેરુએ કેવડિયા ખાતે નર્મદા ડેમનો પાયો નાખ્યો હતો. આજે 62 વર્ષ બાદ નર્મદા ડેમ એની 138.68 મીટરની પૂર્ણ સપાટી સુધી બંધાઇ ચૂક્યો છે તથા ડેમની બાજુમાં વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા બની ચૂકી છે. સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાના હૃદયમાંથી નર્મદા ડેમનો અદભુત નજારો માણી શકાય છે. નર્મદા ડેમ આજે 18.45 લાખ હેક્ટર જમીનને સિંચાઇનું પાણી તથા ગુજરાતનાં 11,951 ગામો અને 199 શહેરને પીવાનું પાણી પૂરું પાડવા માટે સક્ષમ બન્યો છે, જ્યારે રાજસ્થાનનાં 1336 ગામડાં અને 3 શહેરને પાણી પૂરું પાડે છે.

નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતું હોઇ નદીકાંઠાના કિનારે આવેલાં ગામના લોકો નદીકિનારે ન જાય તેની સૂચના આપવામાં આવી છે. વધુમાં કોઈપણ નુકસાનની ઘટના બને તો તાત્કાલિક જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલરૂમમાં જાણ કરવા પણ જણાવ્યું છે.