રિપોર્ટ@ગુજરાત: ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના પેપરમાં માર્ક્સ મુકવામાં ભૂલો કરનાર શિક્ષકોને 1.54 કરોડનો દંડ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાત બોર્ડ પરીક્ષા : પરીક્ષાના મૂલ્યાંકનમાં ભૂલો કરવા બદલ ગુજરાત બોર્ડે 9 હજારથી વધુ શિક્ષકોને રૂ. 1.54 કરોડનો દંડ ફટકાર્યો છે. ગુજરાતમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીના મૂલ્યાંકનમાં ભૂલો કરવા બદલ બે વર્ષમાં 9,218 શિક્ષકો પાસેથી રૂ. 1.54 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે. ગુજરાતના આ શિક્ષકો દ્વારા ધોરણ 10 અને 12 ની ઉત્તરવહીમાં કુલ માર્કસ રાખવામાં ભૂલ જોવા મળી હતી.
રાજ્યના શિક્ષણ મંત્રીએ વિધાનસભાને આ માહિતી આપી હતી. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા પૂછવામાં આવ્યું હતું કે, ધોરણ 10 અને 12ની ઉત્તરવહીના મૂલ્યાંકનમાં ભૂલ કરનારા શિક્ષકોની સંખ્યા કેટલી છે? તેcને કેટલો દંડ થયો? કેટલા શિક્ષકોએ દંડ ભર્યો? શિક્ષકોએ દંડ ન ભર્યો તો સરકારે શું પગલાં લીધાં?
વિધાનસભા પ્રશ્નકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના આ પ્રશ્નના જવાબમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે સ્વીકાર્યું કે, ઓછામાં ઓછા 9,218 શિક્ષકો – ધોરણ 10 ના 3,350 શિક્ષકો અને ધોરણ 12 ના 5,868 શિક્ષકોએ – વર્ષ 2022 અને 2023 માં બોર્ડની પરીક્ષામાં પુસ્તિકાઓના મૂલ્યાંકન દરમિયાન માર્કસની ગણતરીમાં ભૂલો કરવામાં આવી હતી. ગૃહમાં રજૂ કરાયેલ લેખિત જવાબ અનુસાર, રાજ્ય સરકારે આ શિક્ષકો પર 1.54 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. સરેરાશ, શિક્ષક દીઠ આશરે રૂ. 1,600 દંડ વસૂલવામાં આવ્યો હતો.
ધોરણ 10 ના 787 શિક્ષકો અને 12 ના 1870 મળી કુલ 2657 શિક્ષકોએ 50.97 લાખનો દંડ હજુ સુધી ભર્યો નથી. શિક્ષણ વિભાગ દ્વારા આ તમામ શિક્ષકોને નોટિસો પણ આપવામાં આવી છે અને ભવિષ્યમાં આવી ભૂલો ન થાય તે માટે સરકારે હવે ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કરવા વેરિફાયરની નિમણૂક કરી છે.
માર્ચ-2024 માં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ માટે ટોલ ફ્રી હેલ્પલાઇનની જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓને માર્ગદર્શન આપવા માટે એક ટોલ ફ્રી હેલ્પલાઈન જાહેર કરવામાં આવી છે. આ ટોલ ફ્રી નંબર 8 ફેબ્રુઆરીથી 26 માર્ચ 2024 સુધી કાર્યરત રહેશે. આ હેલ્પલાઈન પર નિષ્ણાત કાઉન્સેલરો અને મનોવૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. હેલ્પલાઈનનો સમય સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધીનો છે.