રિપોર્ટ@ગુજરાત: ભક્તોએ અંબાજી મંદિરની દાનપેટી છલકાવી, 400 ગ્રામ સોના સહિત 1.10 કરોડનું ગુપ્તદાન
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જગતજનની અંબાનું મંદિર વિશ્વભરમાં વિખ્યાત છે. ત્યારે દરરોજ હજારોની સંખ્યામાં માઈ ભક્તો મા અંબાના મંદિરે પહોંચી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. હાલમાં દિવાળી વેકેશનને કારણે ભક્તોનું ઘોડાપૂર અંબાજી મંદિર ખાતે ઉમટી પડ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તો દૂર-દૂરથી મા જગતજનની અંબાના દર્શન અને માતાજીના ચરણોમાં શીશ નમાવવા માટે અંબાજી પહોંચ્યા હતા. ભક્તોએ મંદિરના ભંડાર છલકાવી દીધા હતા અને હાથ ખોલીને દાન કર્યુ હતું. જેમાં સવા કરોડનું દાન કરાયું હતું. જેમાં 400 ગ્રામ સોના સહિત ₹1.10 કરોડનું દાનપેટીમાં ગુપ્તદાન કરાયું હતું.
અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર કૌશિક મોદીએ જણાવ્યું હતું કે દિવાળી પર્વની રજાઓ દરમિયાન અંબાજી મંદિર ખાતે આરાસુરી અંબાજી શક્તિપીઠ ખાતે ભક્તોનો ભારે પ્રવાહ જોવા મળ્યો છે. લગભગ આજ દિન સુધી દિવાળીની રજાઓથી આજ દિન સુધી લગભગ આઠેક લાખ લોકોએ માના ચરણોમાં શીશ ઝુકાવીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે અને માનવ મહેરામણ ઊમટી પડ્યો છે, આ ભક્તોએ માનાં દર્શન કર્યાં અને અંબાજી મંદિરના ભંડાર-દાનપેટીને છલકાવી દીધાં છે. લગભગ સવા કરોડ જેટલું માતબર દાન ભક્તોના તરફથી મળ્યું છે. એ પૈકી એક કરોડ એક લાખ જેટલું દાન ભંડારામાં ગુપ્તદાન તરીકે, દાનપેટી ભંડારામાં નાખવામાં આવેલું છે ભક્તો તરફથી અને 25 લાખ રૂપિયા પાવતી દ્વારા દાન સ્વરૂપે ટેમ્પલ ઓફિસ ખાતે આપવામાં આવ્યા છે. એમ સવા કરોડ જેટલું દાન આપણને મંદિર ટ્રસ્ટને પ્રાપ્ત થયું છે.
દિવાળી પર્વને લઈને અત્યારસુધીમાં લગભગ આઠ લાખથી વધુ માઈ ભક્તોએ માઁ જગતજનની અંબાનાં દર્શનનો લાભ લીધો છે. આટલી મોટી સંખ્યામાં આવતા ભક્તો માઁ જગતજનની અંબાનાં દર્શન કરીને યથાશક્તિ માતાજીના મંદિરમાં દાન પણ આપતા હોય છે.
આ દિવાળી પર્વને કારણે માઁ જગતજનની અંબાનો દાન ભંડાર ભક્તોએ છલકાવી દીધો છે. દિવાળી પર્વની શરૂઆતથી લઈને અત્યારસુધીમાં ₹1.25 કરોડનું દાન અંબાજી મંદિર ખાતે આવ્યું છે. આ દાનમાં ₹1.1 કરોડ જેટલું ગુપ્ત દાન પેટીમાંથી મળ્યું છે, જ્યારે ₹25 લાખ જેટલું દાન પાવતી સ્વરૂપે ભક્તો દ્વારા ટેમ્પલ ઇન્સ્પેક્ટરની ઓફિસ ખાતે આપવામાં આવ્યું છે. આમ, દિવાળી વેકેશનથી લઈને હાલ સુધીમાં અંબાજી મંદિરને કુલ ₹1.25 કરોડનું દાન મળ્યું છે.
રોકડ દાન ઉપરાંત ભંડારામાં ગુપ્ત દાન તરીકે 400 ગ્રામ જેટલું સોનું (ગોલ્ડ) પણ મળ્યું છે. દિવાળી પર્વ અને વેકેશનને કારણે મોટી સંખ્યામાં આવેલા ભક્તોએ માઁ જગતજનની અંબાના દાન ભંડારો છલકાવી દીધો છે.
આટલી મોટી સંખ્યામાં આવતા ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અનેક વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હતી. ભક્તો માટે માતાજીનાં દર્શન શાંતિ અને સરળતાથી થાય એ માટે અનેક લાઈનો ગોઠવવામાં આવી હતી. સુરક્ષા અને સલામતીને લઈને સુરક્ષાકર્મીઓની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હતો, જેથી ભક્તોને કોઈ તકલીફ ન પડે અને તેઓ શાંતિથી દર્શનનો લાભ લઈ શકે. વધેલી ભીડને જોઈને ભક્તો માઁ જગતજનની અંબાનો પ્રસાદ મોહનથાળ સરળતાથી લઈ શકે એ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રસાદના વધારાના કાઉન્ટર પણ શરૂ કરી દેવામાં આવ્યાં હતાં.
મોદીએ ઉમેર્યું હતું કે આ સિવાય લગભગ 400 ગ્રામ જેટલું ગોલ્ડ એટલે કે સોનાની લગડીઓ રૂપે દાન પ્રાપ્ત થયું છે. એ પણ ભંડારમાં ગુપ્તદાન તરીકે પ્રાપ્ત થયું છે. તો આમ, આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટમાં ભક્તોનો ખૂબ ધસારો દિવાળી વેકેશનમાં જોવા મળ્યો છે અને ટ્રસ્ટ દ્વારા પણ સુંદર વ્યવસ્થા તેમના માટે કરવામાં આવી હતી. પોલીસ વિભાગ સાથે રાખી સુરક્ષા અને સલામતીની વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટની વ્યવસ્થાઓ પણ સુચારુ રૂપે કરવામાં આવેલી હતી. ભીડ હોય એટલે થોડીક ભીડ થાય એટલે દર્શનમાં થોડી તકલીફ પડે, પણ છતાં ઓછામાં ઓછી તકલીફ પડે એવો પ્રયત્ન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો.

