રિપોર્ટ@ગુજરાત: નકલી SBI બેન્ક કૌભાંડનો પર્દાફાશ થયો, 3 લોકોએ ખોલી હતી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુન્હાઓ સાથે જોડાયેલા ઘણા પ્રકારના કેસ સામે આવે છે. ત્યારે તમિલનાડુમાં એક કેસ સામે આવ્યો છે, જેને જાણીને તમને વિશ્વાસ નહીં થાય. હા દેશમાં એક નકલી બેન્ક પકડાઈ છે. 3 વ્યક્તિએ સાથે મળીને ભારતીય સ્ટેટ બેન્કની બ્રાન્ચ ખોલી દીધી અને આ માત્ર 2-3 દિવસથી જ નહીં પણ છેલ્લા 3 મહિનાથી SBIની ફેક બ્રાન્ચ ખોલીને બેઠા હતા. જો કે તમિલનાડુ પોલીસે હવે આ લોકોની ધરપકડ કરી લીધી છે.
તમિલનાડુ પોલીસે જણાવ્યું કે આ એક અસામાન્ય ક્રાઈમમાં ભાગ લેવાના આરોપમાં પનરૂતિમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય લોકો છેલ્લા 3 મહિનાથી ભારતીય સ્ટેટ બેન્કની નકલી શાખા ચલાવી રહ્યા હતા. ધરપકડ કરેલા લોકોમાં એક પૂર્વ બેન્ક કર્મચારીનો દિકરો પણ સામેલ છે.
શું કરે છે ત્રણેય ગુનેગાર?
અહેવાલ મુજબ પોલીસે જણાવ્યું કે કમલ બાબુ ગુનાહિત પ્રવૃતિનો માસ્ટર માઈન્ડ હતો. બાબૂના માતા-પિતા બંને પૂર્વ બેન્ક કર્મચારી હતા. તેના પિતાનું 10 વર્ષ પહેલા જ અવસાન થયું હતું, જ્યારે તેની માતા બે વર્ષ પહેલા બેન્કમાંથી નિવૃત થઈ ચૂક્યા છે. ત્યારે એક વ્યક્તિ પનરૂતિમાં એક પ્રિન્ટિંગ પ્રેસ ચલાવે છે. ત્રીજો વ્યક્તિ રબર સ્ટેમ્પ છાપવાનું કામ કરતો હતો.
ત્રણેયમાંથી એક વ્યક્તિ પ્રિન્ટિંગ પ્રેસ ચલાવતો હતો, જ્યાંથી બેન્ક સાથે જોડાયેલા નકલી ચલાણ અને અન્ય દસ્તાવેજ છાપવામાં આવ્યા હતા. તેની સાથે જ રબર સ્ટેમ્પવાળી દુકાનથી બેન્કના સ્ટેમ્પ વગેરે તૈયાર કરીને લગાવવામાં આવતા હતા, જેથી લોકોને તે ફેક હોવાની જાણ ના થાય.
કેવી રીતે કૌભાંડનો થયો પર્દાફાશ?
નકલી શાખા ત્યારે શંકામાં આવી જ્યારે એક એસબીઆઈ ગ્રાહકે પનરૂતિમાં શાખાને જોઈ અને અસલી એસબીઆઈ શાખાના બ્રાન્ચ મેનેજરને તેની ફરિયાદ કરી. નવી શાખા વિશે જાણ્યા બાદ SBI ઝોનલ અધિકારી પણ ચોંકી ગયા. ત્યારબાદ કાર્યાલયે બેન્ક મેનેજરને તેની જાણકારી આપી.
જે જગ્યાએ પહેલાથી જ બે ભારતીય સ્ટેટ બેન્કની બ્રાન્ચ હતી તેમ છતાં ગુનેગારોએ વધુ એક બ્રાન્ચ ખોલી દીધી. મેનેજરને પણ માત્ર બે એસબીઆઈ બ્રાન્ચ વિશે જાણકારી હતી. નવી ત્રીજી શાખા તેમના કાગળ પર ક્યારેય નહતી. જ્યારે આ વાતની જાણકારી મોટા અધિકારીઓને થઈ તો તેની તપાસ કરવા માટે તે જગ્યાએ ગયા. જોવામાં તે SBI બ્રાન્ચની જેવી જ લાગતી હતી. ત્યારબાદ અધિકારીઓએ પોલીસને જાણકારી આપી, તે પછી આ ત્રણેયની ધરપકડ કરવામાં આવી. પોલીસના જણાવ્યા મુજબ બેન્કમાં કોઈ ટ્રાન્ઝેક્શન થયું નથી.