રિપોર્ટ@ગુજરાત: ગાંધીનગર જિલ્લા પંચાયતનું 111 કરોડનું બજેટ મંજૂર, વિકાસ કાર્યો માટે 56.37 કરોડની પુરાંત રખાઈ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગાંધીનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે પ્રમુખ શિલ્પાબેન જયેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં પ્રમુખ દ્વારા વર્ષ 2026-27 માટેનું રૂ. 111.85 કરોડનું સ્વભંડોળનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેને સભાએ સર્વાનુમતે મંજૂરી આપી છે. બજેટમાં રૂ. 55.48 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે, જ્યારે રૂ. 56.37 કરોડની માતબર પુરાંત રાખવામાં આવી છે. આ બજેટમાં ગ્રામીણ વિકાસ, શિક્ષણ અને આરોગ્ય જેવા પાયાના ક્ષેત્રોમાં ગત વર્ષની સરખામણીએ મોટો વધારો કરી વિકાસલક્ષી અભિગમ અપનાવવામાં આવ્યો છે.
આ વર્ષના બજેટમાં પશુપાલન ક્ષેત્રે એક નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લામાં પશુપાલન સાથે સંકળાયેલી વિધવા બહેનોને પશુઓના ખાણદાણની ખરીદી પર આર્થિક ટેકો આપવા માટે રૂ. 50 લાખની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત, ખેતીવાડી ક્ષેત્રના બજેટમાં ગત વર્ષના રૂ. 58.06 લાખ સામે આ વર્ષે સીધો 54.29 લાખનો વધારો કરી કુલ રૂ. 112.35 લાખની ફાળવણી કરાઈ છે.
આ ભંડોળનો ઉપયોગ ખેતીલક્ષી પ્રવૃત્તિઓ અને ખેડૂતના અકસ્માતે મૃત્યુના કિસ્સામાં પરિવારને મદદ કરવા માટે કરવામાં આવશે. સિંચાઈ અને ખેતીવાડીમાં પાણીની સુવિધા માટે ગ્રામ પંચાયતોને મદદરૂપ થવા વધુ રૂ. 543.06 લાખ ફાળવવામાં આવ્યા છે.
જ્યારે શિક્ષણ ક્ષેત્રે જિલ્લા પંચાયતે ઉદાર હાથે ફાળવણી કરી છે. ગત વર્ષના રૂ. 289.95 લાખના બજેટમાં રૂ. 130.75 લાખનો તોતિંગ વધારો કરીને વર્ષ 2026-27 માટે રૂ. 420.70 લાખ મંજૂર કરાયા છે. આ રકમનો ઉપયોગ શાળાઓને હાઈટેક અને ડિજિટલ બનાવવા, રમતગમત, કન્યા કેળવણી અને હાઈજીન પાછળ થશે. ખાસ કરીને પ્રમુખે અધ્યક્ષ સ્થાનેથી જિલ્લાની બાલવાટિકાઓમાં ભણતા 11 હજાર બાળકોને નિઃશુલ્ક સ્કૂલ યુનિફોર્મ આપવા માટે રૂ. 50 લાખની અલગ જોગવાઈ જાહેર કરી છે. આંગણવાડીઓના રિપેરિંગ અને નવા બાંધકામ માટે બાળવિકાસ ક્ષેત્રે પણ રૂ. 191.15 લાખ ફાળવાયા છે.
જિલ્લાના નાગરિકોના સ્વાસ્થ્યની સુખાકારી માટે આરોગ્ય બજેટમાં રૂ. 26.45 લાખનો વધારો કરી કુલ રૂ. 96.20 લાખની જોગવાઈ કરવામાં આવી છે. આ અંતર્ગત PHC કેન્દ્રોનું રિનોવેશન, સીસીટીવી કેમેરા લગાવવા, ફોગીંગ કામગીરી અને વિવિધ આરોગ્ય કેમ્પનું આયોજન થશે. ગામડાઓના માળખાગત વિકાસ અને સુધારાવાદી કાર્યો માટે પંચાયત અને વિકાસ ક્ષેત્રે રૂ. 2413.35 લાખ જેવી મોટી રકમ ફાળવવામાં આવી છે. જાહેર બાંધકામ ક્ષેત્રે નવા રસ્તાઓ, મકાનોની જાળવણી અને ફાયટરની ખરીદી માટે રૂ. 800.25 લાખ ખર્ચવામાં આવશે.
એક તરફ વિકાસના કાર્યોમાં વધારો કરાયો છે તો બીજી તરફ વહીવટી ખર્ચમાં કરકસરનો અભિગમ જોવા મળ્યો છે. સામાન્ય વહીવટના ખર્ચમાં ગત વર્ષની સરખામણીએ રૂ. 40 હજારનો ઘટાડો કરી તેને રૂ. 157.98 લાખ રાખવામાં આવ્યો છે. સમાજ કલ્યાણ ક્ષેત્રે અનુસૂચિત જાતિ, જનજાતિ અને બક્ષીપંચના વિસ્તારોમાં વિકાસ કામો વેગવંતા બનાવવા માટે ગત વર્ષ કરતા રૂ. 38 લાખનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે, જેનાથી છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાનું લક્ષ્ય છે.

