રિપોર્ટ@ગુજરાત: મહાકાય અજગરને વન વિભાગની રેસ્કયૂ ટીમ દ્વારા સલામત બહાર કાઢ્યો

 90 ફૂટ ઊંડા કૂવામાં અજગર પડી ગયો 
 
 રિપોર્ટ@ગુજરાત: મહાકાય અજગરને વન વિભાગની રેસ્કયૂ ટીમ દ્વારા સલામત બહાર કાઢ્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

તાલાલા તાલુકાના ગાભા ગામે 90 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયેલા 15 ફૂટ લાંબા મહાકાય અજગરને વન વિભાગની રેસ્કયૂ ટીમ દ્વારા સલામત રેસ્ક્યૂ કરી જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો. આ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર, તાલાલા તાલુકાના ગાભા ગામે ગતમોડી રાત્રે પરબતભાઈ સામતભાઈ વાઘની માલિકીની જમીનમાં આવેલા GHCL કંપનીની માઇન્સના કૂવામાં એક અજગર પડી ગયો હતો. આ અંગેની જાણ પરબતભાઈ સામતભાઈને થતાં તેમણે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી, જેથી તાલાલા રેન્જ ફોરેસ્ટર ખેર તેમજ વનપાલ પ્રવીણભાઈ વાળા, ગાર્ડ એસ.બી.પરમાર તેમજ સ્નેક સ્કેચર ઉમરભાઈ સહિતની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એ બાદ વન વિભાગની ટીમ દ્વારા અંદાજે 90 ફૂટ ઊંડા કૂવામાંથી 15 ફૂટ લાંબા મહાકાય અજગરનું દિલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. રેસ્કયૂ કર્યા બાદ આ મહાકાય અજગરને જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે મુક્ત કરી દેવામાં આવ્યો હતો.


સામાન્ય સંજોગોમાં આવા મહાકાય અજગરો ગીચ જંગલ વિસ્તારમાં જોવા મળતા હોય છે, પરંતુ ખોરાકની શોધમાં અજગરો જંગલ બહાર નીકળી આવે છે અને ક્યારેક આવા અકસ્માતનો પણ ભોગ બનતા હોય છે. આ ઘટનામાં પણ કંઈક આવું બન્યું છે. જંગલ વિસ્તારમાંથી આ અજગર શિકારની શોધમાં બહાર નીકળી આવ્યો હોય અને રાત્રિ દરમિયાન આ કૂવામાં ખાબક્યો હોય એવું અનુમાન છે.


સવારે 11 વાગ્યાની આસપાસ વાડી-માલિકને આ અંગેની જાણ થતાં તેમણે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. અંદાજે 12:30 વાગ્યાના સુમારે વન વિભાગની ટીમ દ્વારા આ અજગરને રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં સ્નેક સ્કેચર ઉમરભાઈ કૂવામાં ઊતરે છે. તેઓ એક લાંબા દોરડા સાથે લિફ્ટ જેવું બનાવી કૂવામાં ઊતરે છે, જેના દ્વારા આ અજગરને રેસ્ક્યૂ કરવામાં આવે છે. અતિજોખમી રીતે કહી શકાય એવી રીતે આ સમગ્ર રેસ્ક્યૂ પ્રક્રિયા કરવામાં આવે છે. વન વિભાગ દ્વારા આવા વન્યજીવોને રેસ્ક્યૂ કર્યા બાદ જંગલ વિસ્તારમાં સલામત રીતે છોડી મૂકવામાં આવે છે.