રિપોર્ટ@ગુજરાત: હાશ...રૂપાલાને મળી રાહત, આચારસંહિતા ભંગની ફરિયાદમાં ચૂંટણીપંચે આપી ક્લીનચિટ

આચારસંહિતા ભંગ થાય એવું સ્પષ્ટ થતું નથી
 
રિપોર્ટ@ગુજરાત: હાશ...રૂપાલાને મળી રાહત, આચારસંહિતા ભંગની ફરિયાદમાં ચૂંટણીપંચે આપી ક્લીનચિટ

અટલ સમાચાર દોટમાં કોમ, ડેસ્ક 

છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં વિરોધ ચાલી રહ્યો છે. રૂપલા સામે કરેલી ફરિયાદમાં નિર્ણય લેવાઈ ગયો છે.  રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા 3 મુદ્દાના આધારે તપાસ રિપોર્ટ આપવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ મુદ્દો એ હતો કે ક્ષત્રિય સમાજ અંગે જે નિવેદન આપ્યું એ વીડિયો અધૂરો હતો. બીજો મુદ્દો એ હતો કે વાલ્મીકિ સમાજનો ભજન કાર્યક્રમ હતો. કોઈ જ રાજકીય સભા ન હતી. જ્યારે ત્રીજો મુદ્દો એ હતો કે પુરુષોત્તમ રૂપાલાએ રાજા રજવાડાં અંગે નિવેદન આપ્યું હતું, પરંતુ તેમનો ધર્મ અને જ્ઞાતિ અલગ અલગ હોય છે એમાં રૂપાલાનો આશય ક્ષત્રિય સમાજની લાગણી દુભાવવાનો નહોતો, જેથી લોકસભા ચૂંટણીની આચારસંહિતા ભંગ થાય એવું સ્પષ્ટ થતું નથી. આ રીતે રૂપાલાને ક્લીનચિટ મળી હોવાનું જાણવા મળી રહ્યું છે.


પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન પર નજર કરીએ તો વાલ્મીકિ સમાજના એક જાહેર કાર્યક્રમમાં 23 માર્ચના રોજ કહ્યું હતું કે ભારત દેશમાં જ્યારે અંગ્રેજો હતા ત્યારે તેમણે દમન ગુજારેલું હતું. મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા હતા, પરંતુ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો કે ન તો વ્યવહાર કર્યા. 1000 વર્ષ પછી રામ પણ તેના કારણે આવ્યા છે. તેઓ તલવારો આગળ પણ નહોતા ઝૂક્યા, ન તો એ ભયથી તૂટ્યા કે ન તો ભૂખથી તૂટ્યા, અડીખમ રહ્યા એ સનાતન ધર્મના આ વારસદારો છે, જેનું મને ગૌરવ છે. જોકે રૂપાલાના આ નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો.


બાદમાં પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માગતો વીડિયો જાહેર કર્યો હતો. બાદમાં ગોંડલમાં જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં મળેલા ક્ષત્રિય સમાજના સંમેલનમાં રૂપાલાએ જાહેરમાં બે હાથ જોડી માફી માગી હતી, પરંતુ એ બાદ પણ હજુ વિરોધ યથાવત્ છે, જેથી આ બાબતની તપાસ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પ્રાંત અધિકારી નિશા ચૌધરીને સોંપવામાં આવી હતી. એ અંગેનો રિપોર્ટ પણ ગઈકાલે જ કલેક્ટરને સોંપી દેવામાં આવ્યો હતો.


દરમિયાન આજે કલેક્ટર પ્રભવ જોષીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદનનો વીડિયો અધૂરો છે. આ ઉપરાંત વાલ્મીકિ સમાજનો જે કાર્યક્રમ હતો એ રાજકીય નહોતો, પરંતુ શોકસભા જેવું હતું અને પુરુષોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું એમાં તેમનો આશય ક્ષત્રિય સમાજની લાગણી દુભાવવાનો નહોતો. આ પ્રકારનો રિપોર્ટ રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરને મોકલવામાં આવ્યો હતો.


રૂપાલાના નિવેદન અંગે ચૂંટણીપંચમાં ફરિયાદ થતાં ચૂંટણીપંચે રાજકોટ કલેક્ટરને તપાસના આદેશ કર્યા હતા. એના પરિણામે કલેક્ટર પ્રભવ જોષીએ આચારસંહિતાના નોડલ ઓફિસર સ્‍વપ્નિલ ખરેને તપાસ સોંપી હતી તેમજ રાજકોટ સિટી પ્રાંત-2 નિશા ચૌધરીના વિસ્‍તારમાં આ ઘટના બની હોઈ, તેમને પણ તપાસ સોંપાઇ હતી. પુરુષોતમ રૂપાલા વીડિયોમાં જે બોલ્યા હતા એ સંપૂર્ણ વીડિયો સહિતની બાબતો ચકાસવામાં આવી હતી.


આ તમામ તપાસ પૂર્ણ કરી રિપોર્ટ તૈયાર કરાયો હતો. રિપોર્ટમાં શું છે એ કોઈ વિગતો બહાર આવી નથી, પરંતુ કલેક્ટર દ્વારા આ રિપોર્ટનો સંપૂર્ણ અભ્‍યાસ કરાયા બાદ પોતાના નોટિંગ સાથે પંચને રિપોર્ટ મોકલી દેવાયો હતો. એ બાદ આ રિપોર્ટ રાજ્યના મુખ્‍ય ચૂંટણી અધિકારી પી. ભારતીને મોકલવામાં આવ્યો હતો. પી. ભારતી દ્વારા આ સમગ્ર અહેવાલ ચૂંટણીપંચને મોકલી દેવાયો હતો.