રિપોર્ટ@ગુજરાત: રિક્ષા ગેંગના હાથે ઘવાયેલા હોટલ મેનેજરનું મોત થયું, જાણો સમગ્ર બનાવ એકજ ક્લિકે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મોરબી રોડ પર શુક્રવારે રિક્ષા ગેંગના હાથે ઘવાયેલા હોટલ મેનેજર મનોજ જાટનું મોત થયું છે. જેથી બનાવ હત્યામાં પલટાયો છે. આરોપીઓએ પાકિટ સેરવી લીધા બાદ પેસેન્જરને જાણ થઈ જતા માથે રીક્ષા ચડાવી પાઈપથી માર માર્યો હતો.
મૃતકના સાથી જયપાલસિંહ જાટને ઇજા થઇ હતી. એલસીબી ઝોન-1ની ટીમે ગણતરીની કલાકમાં જ રીઢા આરોપી ભાવેશ ઉર્ફે ડાન્સર, જીજ્ઞેશ સિંધવ, સાગર વાઘેલા અને ઈરફાન બેલીમને દબોચી લીધા હતા. ચારેયને ગઈકાલે કોર્ટ સમક્ષ હાજર કરાતા મંગળવાર બપોર સુધીના રિમાન્ડ મંજૂર થયા હતા.
બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા જયપાલસિંહ વિરેન્દ્રસિંહ જાટ (ઉ.વ. 22, રહે. ધ રોયલ કાસ્ટલ પ્લાઝા હોટલ મોરબી રોડ બેડી ચોકડીની બાજુમાં રાજકોટ, મુળ વતન તોંચીગઢ થાના એગ્લાસ, અલીગઢ ઉતરપ્રદેશ)એ જણાવ્યું હતું કે, હું હોટલ ધ રોયલ કાસ્ટલ પ્લાઝામાં કામ કરું છું. ત્યાં રહું છે. છેલ્લા દોઢેક મહીનાથી હોટલમાં મેનેજર તરીકે નોકરી કરું છું.
મારી સાથે મનોજકુમાર ચંદ્રપાલસિંહ જાટ(ઉ.વ.32) જે જનરલ મેનેજર તરીકે નોકરી કરે છે. ગઈકાલે તા.23/02ના રાત્રીના આશરે નવેક વાગ્યાની આસપાસ હું અને મારો મિત્ર મનોજકુમાર કુવાડવા રોડ ડી-માર્ટની બાજુમાં આવેલ દુકાનેથી મોબાઈલ ખરીદી હોટલ જતા હતા. ગ્રીનલેન્ડ ચોકડીથી દશેક વાગ્યે એક ઓટો રીક્ષામાં બેઠા હતા. રીક્ષામાં પાછળની સીટમાં ત્રણ અજાણ્યા માણસો હતા
એક માણસ રીક્ષા ડ્રાઈવિંગ કરતો હતો. આગળ જઈ રીક્ષા ઉભી રાખેલ અને અમોને રીક્ષા ચાલકે કહેલ કે રીક્ષાની સીટ તુટેલી છે, રીપેર કરવી છે. તમે બંને અહીંયા ઉતરી જાવ. રીક્ષા ચાલી ગયા બાદ મનોજકુમારે મને કહેલ કે મારુ પાકિટ રીક્ષામાં પડી ગયેલ છે.
જેથી બીજી રીક્ષા આવતી હોય તેમાં બેસી પહેલી રિક્ષાનો પીછો કર્યો. પહેલી રીક્ષાને થોડે આગળ જઈને ઉભી રખાવેલ. પાકિટ અંગે કહેતા ચારેય આરોપીએ કહેલ કે, અમે પાકિટ ચોરી નથી કર્યું રિક્ષામાં પડી ગયું હતું. આ બાબતે બોલાચાલી થતા ચારેય જણા ભેગા મળીને મને અને મનોજકુમારને ઢીકાપાટુનો મુંઢ મારમારવા લાગેલા. અમે મોરબી રોડ તરફ ભાગવા લાગેલ ચારેય જણા રીક્ષા લઈને અમારી પાછળ આવેલ અને પ્રથમ મારી ઉપર રીક્ષા ચડાવી મને મારવાનો પ્રયત્ન કરેલ. અને પછી મનોજકુમાર ઉપર મારી નાખવાના ઈરાદે જીવલેણ હુમલો કરી રીક્ષાથી ટકકર મારેલ. રીક્ષા ત્યાં ઉભી નીચે ઉતરેલા આરોપીઓએ લોખંડની પાઈપ મનોજકુમારને માથાના ભાગે તથા શરીરે માર મારેલ. જે પછી મને અને મનોજકુમાર અર્ધબેભાન હોય, 108માં સારવાર માટે અમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બી.ડિવિઝન પોલીસે આઇપીસી 307, 323,114 વગેરે મુજબ ગુનો નોંધી વધુ તપાસ પીઆઈ એસ.એમ. જાડેજાએ હાથ ધરી હતી. આ પછી ડીસીપી ઝોન-1 શ્રી સજનસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન 1 ના પીએસઆઇ બી.વી.બોરીસાગર, હેડ કોન્સ્ટેબલ વિજેન્દ્રસિંહ ઝાલા, જીતુભા ઝાલા, ધર્મરાજસિંહ જાડેજા, કોન્સ્ટેબલ હિતેશભાઇ પરમાર, દીવ્યરાજસિંહ જાડેજા, સત્યજીતસિંહ જાડેજા, રવીરાજભાઇ પટગીર વગેરેએ ગણતરીની કલાકમાં જ આરોપી ભાવેશ ઉર્ફે ડાન્સર દિપકભાઇ મકવાણા (ઉ.વ.27 રહે.રામ ટાઉનશીપ, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે રાજકોટ), જીજ્ઞેશ મૈયાભાઇ સિંધવ (ઉ.વ.23, રહે. એકતા સો.સા, રાજકોટ), સાગર દિનેશભાઈ વાઘેલા (ઉ.વ.21 રહે.પચ્ચીસ વારીયા ક્વાટર્સ, જામનગર રોડ રાજકોટ) અને ઇરફાન મેહબુબભાઇ બેલીમ (ઉ.વ.21 રહે. ભગવતીપરા, આશાબાપીર દરગાહ પાસે રાજકોટ)ને ઝડપી લીધા હતા.
આરોપી ભાવેશ સામે અગાઉ પણ રિક્ષામાં ખિસ્સા કાપ્યાના ગુના છે. તેની વિરુદ્ધ જુદા જુદા 6 ગુના છે. એક વખતે પાસા પણ થયા છે. સાગર વાઘેલા સામે દારૂ સંબંધિત સહિતના 6 ગુના છે. તે પણ પાસા હેઠળ જેલમાં જઈ આવ્યો છે. જીજ્ઞેશ સિંધવ સામે હત્યાનો ગુનો છે. મનોજ જાટનું આજ રોજ સારવારમાં મોત થતા ગુનામાં હત્યાની કલમો ઉમેરવા તજવીજ કરાઈ છે.