રિપોર્ટ@ગુજરાત: કૃષ્ણ જન્મભૂમિ કેસ મથુરામાં ASIએ મોટો ખુલાસો કર્યો, જાણો વધુ વિગતે
કાનૂની લડાઈમાં મહત્વનો પુરાવો બની રહેશે
અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક
કૃષ્ણ જન્મભૂમિ કેસ મથુરામાં ASIએ મોટો ખુલાસો કર્યો છે. ASIએ એક RTIના જવાબમાં જણાવ્યું છે કે મુઘલ શાસક ઔરંગઝેબે મસ્જિદ બનાવવા માટે એક હિંદુ મંદિર તોડી પાડ્યું હતું. એએસઆઈએ જણાવ્યું કે આ મંદિર ભગવાન કૃષ્ણના પૌત્ર વ્રજનાભ દ્વારા બનાવવામાં આવ્યું હતું. ASI તરફથી મળેલા જવાબમાં કૃષ્ણજન્મભૂમિનું નામ સીધું નથી લેવામાં આવ્યું પરંતુ, કેશવદેવ મંદિરનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ મંદિરને ઔરંગઝેબના કાર્યકાળમાં તોડી પાડવામાં આવ્યું હતું.
તમને જણાવી દઈએ કે, મૈનપુરીના રહેવાસી અજય પ્રતાપ સિંહે આરટીઆઈ એટલે કે, માહિતીના અધિકાર દ્વારા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ) પાસે કેશવદેવ મંદિરની માહિતી માંગી હતી. એવું કહેવાય છે કે, કેશવદેવ મંદિર મુઘલ શાસન દરમિયાન તોડી પાડવામાં આવ્યું હતું. ASI એ મથુરા કૃષ્ણ જન્મભૂમિના 1920 ગેઝેટના ઐતિહાસિક રેકોર્ડના આધારે આ માહિતી આપી છે. ASI દ્વારા આ જવાબમાં ગેઝેટના કેટલાક અંશો પણ સામેલ કરવામાં આવ્યા છે.
શાહી ઈદગાહ મસ્જિદને લઈને ચાલી રહેલી કાયદાકીય લડાઈમાં આ રિપોર્ટને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. હિન્દુ પક્ષના વકીલ મહેન્દ્ર પ્રતાપ સિંહનું કહેવું છે કે, તેઓ અલ્હાબાદ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સમક્ષ આરટીઆઈ રિપોર્ટ રજૂ કરશે. તેમના તરફથી શાદી ઇદગાહ મસ્જિદના સર્વેની પણ માંગ કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે ઈતિહાસકારોનું માનવું છે કે, કેશવદેવ મંદિરનું નિર્માણ ભગવાન કૃષ્ણના પૌત્ર વ્રજનાભ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પછી ઘણા રાજાઓએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. રાજા માનસિંહે ઘણા મંદિરો બંધાવ્યા. જેમાં કેશવદેવ મંદિર પણ સામેલ હતું. ઉલ્લેખનીય છે કે, મથુરામાં આ વિવાદ 13.37 એકર જમીનના માલિકી હક્ક સાથે જોડાયેલો છે. શ્રી કૃષ્ણ જન્મસ્થાનભૂમિ પાસે 10.9 એકર જમીન છે, જ્યારે શાહી ઇદગાહ મસ્જિદ અઢી એકર જમીન ધરાવે છે. હિંદુ પક્ષ સમગ્ર જમીન પર દાવો કરે છે. તેમણે જમીનના માલિકી હક્ક અંગે કોર્ટમાં અરજી કરી છે. આ કેસની સુનાવણી હાઈકોર્ટમાં ચાલી રહી છે.