રિપોર્ટ@ગુજરાત: મહેસાણા શહેરને રાજ્ય સરકારે બજેટમાં મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઉત્તર ગુજરાતના મુખ્ય શહેર ગણાતા મહેસાણા શહેરનો વિકાસ હવે આવનારા વર્ષોમાં વિકાસની ઉંચાઈઓ આંબશે. મહેસાણા શહેરમાં અત્યાર સુધી નગર પાલિકા અસ્તિત્વમાં છે. જ્યારે હવે રાજ્ય સરકારે બજેટમાં મહાનગરપાલિકા તરીકેનો દરજ્જો જાહેર કર્યો છે. મહેસાણા શહેરને હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળતા વિકાસની ગતિ પૂરજોશમાં દોડવા લાગશે. મહેસાણા શહેરમાં આસપાસના ત્રણેક કિલોમીટર વિસ્તારમાં આવતા સોળેક ગામનો સમાવેશ કરવામાં આવી શકે છે. આમ મહેસાણા શહેરનો વિસ્તાર વધુ મોટો થશે.
મહેસાણાની વસ્તી હાલમાં ત્રણ લાખ કરતા વધારે છે, જે હવે નવા ગામ વિસ્તાર ઉમેરાતા ચાર લાખને પાર કરી જશે. મહેસાણામાં હવે મહાનગરપાલિકાના દરજ્જા મુજબ ગ્રાન્ટ મળશે. જેનાથી વિકાસમાં વધારો થશે. રોડરિસરફેશ થી લઈને પ્રાથમિક સુવિધાઓ માટેની ગ્રાન્ટમાં પણ વધારો થશે. પાણી અને ગટર વ્યવસ્થા સહિતની પ્રાથમિક સુવિધાઓમાં પણ વધારો થશે. મહાનગરપાલિકા થતા હવે અધિકારીઓ અને કર્મચારીઓની સંખ્યામાં વધારો થશે.