રિપોર્ટ@ગુજરાત: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટેક્સટાઈલ માર્કેટની મુલાકાત લીધી

શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી 822 દુકાનમાંથી 700 જેટલી દુકાનો તો ખાક થઈ ગઈ હતી
 
હર્ષ સંઘવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટેક્સટાઈલ માર્કેટની મુલાકાત લીધી હતી. 26 ફેબ્રુઆરીના રોજ લાગેલી આગ 27 ફેબ્રુઆરીના બપોરના 3 વાગ્યે માંડ કાબૂમાં આવી હતી. આમ, 32 કલાકમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી 822 દુકાનમાંથી 700 જેટલી દુકાનો તો ખાક થઈ ગઈ હતી. જેને કારણે 850 કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.

ત્યારે આજે સવારે મોટાભાગના વેપારીઓ માર્કેટ પર પહોંચ્યા હતા અને પોતાની દુકાનોમાં કેટલું નુકસાન થયું છે એ જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ રાત્રે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આગમાં ભસ્મીભૂત થયેલી શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટની મુલાકાત લીધી હતી. આ સાથે મેયર, પોલીસ કમિશનર તેમજ ધારાસભ્યો પણ શિવશક્તિ માર્કેટ પહોંચ્યા હતા.

માર્કેટની પરિસ્થિતિનો અધિકારીઓ સાથે વાતચીત કરીને ચિતાર મેળવ્યો હતો. હર્ષ સંઘવીએ માર્કેટની પરિસ્થિતિ જોયા પછી વેપારીઓ સાથે વાત કરી અધિકારીઓને તાત્કાલિક સર્વે કરવા સૂચના આપી.