રિપોર્ટ@ગુજરાત: મંત્રીઓ ચિંતામાં, દલિત સમાજની રાજ્યવ્યાપી આંદોલન કરવાની ચીમકી

શિક્ષણ મંત્રી પણ ફૂડ પેકેટ આપવા ગયા એ સમયે લોકોએ સહાય લેવાની મનાઈ કરી દીધી પરંતુ એમને આગળ જવા માટે રસ્તો પણ બતાવી દીધો 
 
રિપોર્ટ@ગુજરાત: મંત્રીઓ ચિંતામાં, દલિત સમાજની રાજ્યવ્યાપી આંદોલન કરવાની ચીમકી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં વિરોધની આવર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં વડોદરાના રહેવાસીઓ ભારે વરસાદ અને પૂરના કારણે રોષે ભરાયા છે. વડોદરામાં જે રીતે વરસાદી માઝા થઈ અને બાદમાં પાણી ભરાવાના દૃશ્યો સર્જાયા. આ ઉપરાંત ડેમમાંથી પાણી પણ છોડવામાં આવતા વડોદરા શહેરીજનોના ઘરો સુધી પાણી આવી ગયા. પાણીની આ સ્થિતિ બાદ વડોદરાવાસીઓ નો પિત્તો ગયો કે લોકો વિરોધ પણ કરવા લાગ્યા. વિરોધ એટલી હદે થવા લાગ્યો કે સ્થાનિક ધારાસભ્યોનો પણ હુરિયો બોલાવવામાં આવ્યા. વધારામાં પૂરું ખૂટતું હતું તો ગત રોજ શિક્ષણ મંત્રી પણ ફૂડ પેકેટ આપવા ગયા એ સમયે લોકોએ સહાય લેવાની તો મનાઈ કરી દીધી પરંતુ એમને આગળ જવા માટે રસ્તો પણ બતાવી દીધો હતો. આ પ્રકારના દ્રશ્યો થી સૌ કોઈ નવાઈ તો પામી જ રહ્યા છે પણ સાથે સાથે અન્ય મંત્રીઓ પણ આ દ્રશ્યો બાદ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે આ વિરોધને તો રોકવા જ જોઈએ, લોકોને સાચવવા પડશે નહિ તો આગામી સમયમાં ગુજરાત ગુમાવવાની વારી આવી શકે છે.


વડોદરા શહેરી વિસ્તારમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં દબાણ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ ઉપરાંત કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પણ નામજોગ આક્ષેપ કરી સરકારની ઢીલી નીતિ હોવાનો આક્ષેપ લગાવ્યો છે. જો કે આ અંગે જળ સંપત્તિ વિભાગ પણ અસમંજસમાં એટલા માટે છે કેમ કે નદી કિનારાના વિસ્તારમાં જ્યારે પણ બાંધકામ કરવાનું હોય ત્યારે સરકારની મંજૂરી લેવાની થતી હોય છે. જો કે વિશ્વામિત્રી નદી કાંઠા વિસ્તાર વડોદરા કોર્પોરેશનની હદમાં આવતો હોવાથી તમામ મંજૂરી આપવાની જવાબદારી સ્થાનિક મનપાની આવે છે ત્યારે મનપાની મંજૂરી બાદ જ આ તમામ બાંધકામ થયા છે કે કેમ ? એ પ્રશ્ન તો છે જ પણ સાથે સાથે જો મનપાની હદમાં આ બાંધકામ નથી તો એવા સંજોગોમાં આખરે આ દબાણ થયા કેવી રીતે આ તપાસનો વિષય બની ગયો છે. આ જ કારણોસર જળ સંપત્તિ વિભાગના અધિકારીઓની સરકારમાંથી તપાસ કરવા માટેના હુકમ કરવામાં આવ્યા છે. આ અંગે આજે સાંજે એક બેઠક પણ યોજાઈ હતી.


સચિવાલયમાં સોમવારના દિવસે મુલાકાતીઓને મળવાનો સમય મંત્રીઓ આપતા હોય છે. દરેક મંત્રીની ચેમ્બર બહાર પણ બોર્ડમાં સ્પષ્ટ લખ્યું છે કે મુલાકાતીઓને મળવા માટે સોમવારનો સમય ફાળવવામાં આવ્યો છે તેમ છતાં પણ આ મુલાકાતીઓને તો સોમવારના દિવસે માત્ર રાહ જ જોવી પડે છે. મંત્રી આવે અને મુલાકાતીઓ પણ આવે પરંતુ થાય એમ કે વિભાગની પેન્ડીંગ ફાઈલ લઈને વિભાગીય અધિકારી આવે અને ફાઈલ પર સહી કરવાના બહાના હેઠળ મુલાકાતીઓની ખાસ્સી મિનિટો છીનવી લેતા હોય છે.


આજ રોજ મુખ્યમંત્રી ને એક પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે રાજ્ય સરકાર દલિતોની ચર્ચા કરવામાં રાજકીય અસ્પૃશ્યતા પાળી રહી છે. દલિત સમાજનું એક સંગઠન આજે સચિવાલય ખાતે આવ્યું હતું. આ સંગઠને માંગ કરી હતી કે ગુજરાત ને અસ્પૃશ્યતા મુક્ત જાહેર કરી જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે, પાટીદાર આંદોલનના 255 ફોજદારી પાછા ખેંચી લેવામાં આવ્યા પણ દલિતો સામેના કેસો પાછા ખેંચવામાં ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે, સફાઈ કામ માટે આધુનિક મશીન વસાવવા, અનુસૂચિત જાતિની લોન ની સહાય માં વધારો કરવો, સ્કોલરશીપ કે ફ્રી-શીપ કાર્ડ- આવક મર્યાદા, ફાળવેલી જમીનોને કબજા સોંપણી, નવી જમીન ફાળવણી જેમાં વિધવા અને વાલ્મિકી બહેનોને પ્રાથમિકતા સહિત 10 અલગ અલગ મુદ્દા ની રજુઆત કરી હતી.આ સાથે જ સંગઠન દ્વારા ચિમકી પણ ઉચ્ચારી છે કે જો આગામી 23 સપ્ટેમ્બર,2024(સંકલ્પ દિવસ) સુધીમાં કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો દલિત સમાજના લોકો રાજ્યવ્યાપી આંદોલન કરશે.


વડોદરામાં વિશ્વામિત્રી નદી અને ડેમ ના પાણી ઘરમાં ઘૂસી ગયા છે ત્યારે હવે સરકાર વિશ્વામિત્રી પરિયોજના બાબતે બેઠક કરવામાં આવી રહી છે. પરંતુ જાણવા મળતી માહિતી પ્રમાણે આજથી 16 વર્ષ અગાઉ એટલે કે વર્ષ 2008 અગાઉ શહેરી વિકાસ વિભાગના એક અધિકારીએ વડોદરા શહેર માંથી નીકળતી વિશ્વામિત્રી નદીના પાણીને મહીસાગર નદીમાં ડાયવર્ટ કરવી જોઈએ. જો કે આ પ્રોજેક્ટના અમલ માટે જે તે સમયે 70 કરોડ કરતાં વધારે રકમ નો ખર્ચ થતો હોવાથી સરકારે એ પ્રોજેક્ટ પડતો મૂક્યો હતો. જો કે હવે સરકારે 1200 કરોડ રૂપિયાના વિશ્વામિત્રી રી ડેવલપમેન્ટ પ્રોજેક્ટની જાહેરાત કરી એ જ પ્રોજેક્ટ જો 16 વર્ષ અગાઉ અમલી બનાવી દીધો હોત તો વડોદરા શહેરની પ્રજાને આટલા વર્ષો સુધી વરસાદી પાણીથી હેરાન થતા બચાવી શક્યા હોત.