રિપોર્ટ@ગુજરાત: વડાપ્રધાન મોદીએ ઉદઘાટન કર્યું હતું એ દ્વારકાના સિગ્નેચર બ્રિજમાં પોપડાં ઊખડ્યાં

દ્વારકાના સિગ્નેચર બ્રિજમાં પોપડાં ઊખડ્યાં
 
રિપોર્ટ@ગુજરાત: વડાપ્રધાન મોદીએ ઉદઘાટન કર્યું હતું એ દ્વારકાના સિગ્નેચર બ્રિજમાં પોપડાં ઊખડ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દ્વારકામાં થોડા સમય પહેલા વડાપ્રધાન મોદીએ સિગ્નેચર બ્રિજનું ઉદઘાટન કર્યું હતું. આ બ્રીજના પોપડા ઉખડાયા હતા.  દ્વારકાના સિગ્નેચર બ્રિજ (સુદર્શન બ્રિજ)નાં પાંચ મહિનામાં જ પોપડાં ઊખડી ગયાં છે. અંદાજે 978 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાં ત્રણ જગ્યાએ સળિયા દેખાઈ રહ્યા છે અને અમુક જગ્યાએ સાઈડની દીવાલમાં પ્લાસ્ટર ઊખડી ગયેલું જોવા મળ્યું છે. આ ઉપરાંત અમુક જગ્યાએ રેલિંગને પણ કાટ લાગી ગયો છે. આ અંગેની તસવીરો બહાર આવતાં જ હોબાળો મચી ગયો છે. કલેક્ટરથી લઈને સાંસદ સુધી દોડતા થઈ ગયા છે.

બેટ દ્વારકા ખાતે દર વર્ષે ભારતભરમાંથી લાખો લોકો દર્શનાર્થે આવતા હોય છે, ત્યારે લોકોની સુખાકારી માટે બનાવવામાં આવેલા સુદર્શન બ્રિજના ભ્રષ્ટાચારની પ્રથમ ચોમાસે મેઘરાજાએ પોલ ખોલી નાખી છે. બેટ દ્વારકા અને દ્વારકા પંથમાં છેલ્લા છ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે સુદર્શન બ્રિજમાં ત્રણ જગ્યાએ પોપડાં ઊખડી ગયાં છે. એટલું જ નહીં, લોખંડના સળિયા પણ ઊપસીને બહાર આવી ગયા છે. આ ઉપરાંત અમુક જગ્યાએ સાઈડની દીવાલમાં પ્લાસ્ટર ઊખડી ગયાનું જાણવા મળ્યું છે અને સુદર્શન બ્રિજની રેલિંગ પણ પહેલા જ વરસાદે કટાઈ ગઈ છે.

આ અંગે દિવ્ય ભાસ્કરે સૌપ્રથમ જામનગરનાં સાંસદ પૂનમ માડમ સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું, 'હું અત્યારે પાર્લમેન્ટ સેશનમાં છું, એમ છતાં કલેક્ટર સાથે સંપર્કમાં જ છું. મેં તેમના ધ્યાન પર આ બધું મૂકી દીધું છે.'

ત્યાર બાદ દિવ્ય ભાસ્કરે દ્વારકાના કલેક્ટર જી. ટી. પડ્યાનો સંપર્ક કર્યો હતો. તેમણે કહ્યું, 'સિગ્નેચર બ્રિજ પર કામ કરવાનું કહ્યું છે અને રિપોર્ટ પણ મગાવ્યો છે કે આ કેવી રીતે બન્યું? જે એજન્સી છે એ સેન્ટ્રલ ગવર્નમેન્ટ એજન્સી છે, એટલે એનો રિપોર્ટ હવે અમને મળશે. પ્રાથમિક માહિતી પ્રમાણે, 3 ખાડા હતા. આમ તો ખાડા ન કહેવાય, ઉપરથી પોપડી ઊખડી ગઈ હતી. આને કારણે બ્રિજ બંધ નહોતો રહ્યો. આ તો નાનું ડેમેજ છે. આવું કેમ થયું એની તો સેન્ટ્રલ એજન્સીને જ ખબર. એનો રિપોર્ટ આવશે એટલે અમે સેન્ટ્રલ ગવર્નમેન્ટમાં તેમની એજન્સીને મોકલીશું. એના પર તો એ લોકો જ એક્શન લઇ શકે ને, રાજ્ય સરકાર પગલાં ન લે.'

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આક્ષેપ કરતા કહ્યું હતું, આ ભાજપનું ગુજરાત મોડલ છે. આ લોકોએ દેવસ્થાનોમાં એટલી ભ્રષ્ટાચારની કામગીરી કરી છે કે ભગવાન ખુદ નારાજ છે. અયોધ્યામાં ભગવાન રામ નારાજ થયા છે, બદ્રીનાથમાં શિવજી નારાજ થયા છે. સોમનાથમાંથી ભાજપને વિદાય આપી દીધી અને હવે દ્વારકાનો વારો છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરે છે, ત્યાર બાદ પાંચ મહિનામાં એ બ્રિજ પર ખાડા પડી જાય છે. આ ઘટના બની એટલે લોકો પર ખતરો વધી ગયો છે, વાહનો પણ એ બ્રિજ પરથી પસાર થાય છે અને નીચે દરિયો છે. હવે ભાજપ પર કોઈને ભરોસો નથી. આ બ્રિજ મોરબી જેવો નહીં બને એની શું ગેરંટી? એટલે લોકોમાં પણ ફફડાટ છે. હું ED અને CBIને પણ વિનંતી કરું છું કે આવો અને તપાસ કરો.


નોંધનીય છે કે હરિયાણાની એસ.પી.સિંગલા કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડ કંપનીએ ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ બનાવ્યો હતો. આ જ કંપની બિહારના ભાગલપુરમાં જે બ્રિજ બનાવતી હતી તે બ્રિજ જૂન 2023માં ધરાશાયી થયો હતો. એ વખતે બિહારમાં પુલ તૂટવાના પગલે ગુજરાતના પુલોની ગુણવત્તા પર પણ સવાલો ઊઠ્યા હતા. એવી પણ માગ ઊઠી હતી કે સિગ્નેચર બ્રિજનું ઉદઘાટન થાય તે પહેલાં થર્ડપાર્ટી એક્સપર્ટ ટીમ પાસે ચકાસણી કરાવવી જોઈએ. આ જ એસ.પી.સિંગલા કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડ કંપની ડભોઇ-સિનોર-માલસર રોડ, નર્મદા નદી પુલ પણ બનાવી રહી છે.