રિપોર્ટ@ગુજરાત: ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ટૂંક સમયમાં ધોરણ 10 અને 12ની પરિક્ષા આવી રહી છે. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. દર વર્ષ કરતા આ વર્ષે પરીક્ષાઓ 15 દિવસ વહેલી શરૂ થશે. ધોરણ 10ની અને 12ની સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી યોજાશે.
જ્યારે ધોરણ 12ની સામાન્ય પ્રવાહ અને ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહની પરીક્ષા 13 માર્ચ સુધી યોજાશે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સમય સવારના 10 થી બપોરે 1.15 સુધીનો રહેશે. જ્યારે ધોરણ 12નો સમય બપોરે 3થી સાંજના 6.15 સુધીનો રહેશે. ધોરણ 10ના વોકેશનલ કોર્સ સિવાયના તમામ વિષયોના પ્રશ્નોપત્રો 80 ગુણના રહેશે. સાથે જ ગુજકેટ 2025ની પરીક્ષાની તારીખ પણ જાહેર કરાઈ છે.
રાજ્યમાં ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ A, ગ્રુપ B અને ગ્રુપ A-Bના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા 23 માર્ચ 2025ના રવિવારના રોજ યોજવામાં આવશે. આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર મૂકવામાં આવ્યો છે.