રિપોર્ટ@ગુજરાત: રાજ્ય સરકારે વડોદરા માટે પૂર રાહત પેકેજની જાહેર કરી

લારીને 5, 40 સ્ક્વેર ફૂટથી મોટી દુકાનને 40 હજાર, 5 લાખથી વધુ માસિક ટર્નઓવર ધરાવતા સંચાલકોને 5 લાખની સહાય

 
તારાજી@જામનગર: ભારે વરસાદથી અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ, મકાનો પાણીમાં ગરકાવ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં થોડા દિવસ પહેલા ભારે વરસાદના કારણે વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. વડોદરામાં ભારે વરસાદ બાદ આવેલા પૂરને લઇને પૂર રાહત પેકેજ જાહેર કરાયું છે. જેમાં લારી-સંચાલકને 5 હજાર, 40 સ્ક્વેર ફૂટ દુકાનધારકોને 20 હજાર, 40 સ્ક્વેર ફૂટથી મોટી દુકાનધારકોને 40 હજાર, 5 લાખથી વધુ માસિક ટર્નઓવર ધરાવતા સંચાલકોને 5 લાખની મર્યાદામાં સહાય આપવાનો નિર્ણય લેવાયો છે. આ સહાય મેળવવા 31 ઓક્ટોબર સુધી અરજી કરવાની રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠકમાં પેકેજ આપવાની જાહેરાત કરાઈ હતી. આ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે અન્ય જિલ્લામાં કેન્દ્રની ટીમ સર્વે કરે છે અને એ સર્વે બાદ એસડીઆરએફના નિયમોને આધીન સહાય કરવામાં આવશે. પૂર આફતગ્રસ્ત વિસ્તારમાં સહાય માટે તમામ મંત્રી અને મુખ્યમંત્રીએ પોતાના એક પગાર મુખ્યમંત્રી રાહત નિધિમાં આપવાનો નિર્ણય કર્યો છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે વરસાદને કારણે ઠેર-ઠેર રસ્તામાં ખાડા પડવાની સંખ્યા વધી છે, જેને ઝડપી પૂરવાની ઝુંબેશ શરૂ કરી છે. 15 સપ્ટેમ્બર સુધીમાં તમામ ખાડાનું મેટલ પેચવર્ક પૂરું કરવામાં આવશે. આ ઉપરાંત ડામર પેચવર્ક પણ કરવામાં આવશે. ઓક્ટોબર માસથી જ્યાં રોડ તૂટ્યા છે ત્યાં રી-કાર્પેટિંગ કરવામાં આવશે. ગુજરાતનું રોડ નેટવર્ક કુલ 1,30,686 કિમીનું છે અને જ્યાં નુકસાન થયું છે એમાં 4172 કિમી છે. આ પૈકી 2429 કિમીમાં મેટલ પેચવર્ક પૂરું કર્યું છે. બાકીની 1743 કિમીની કામગીરીમાં કાચા મેટલ પેચવર્ક કરવામાં આવશે. 81 ડામર પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા છે.

17 સપ્ટેમ્બરથી 31 સપ્ટેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સેવા સેતુની ઝુંબેશનું આયોજન કરાશે. જેમાં 55 સેવાનો લાભ લાભાર્થીઓને એક જ સ્થળ પર આપવાનું આયોજન થયું છે. 2.89 કરોડ લોકોને 9 તબક્કામાં સેવાનો લાભ મળ્યો છે. સ્વચ્છ ભારત મિશનને 14 સપ્ટેમ્બરે 10 વર્ષ પૂરાં થશે, ત્યારે 14 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા થીમના કાર્યક્રમનું આયોજન કર્યું છે. નદીના વહેણમાં ઊગી નીકળતી વનસ્પતિને કારણે પાણીના વહેણમાં જે તકલીફ થાય છે એના માટે રાજ્ય સરકારે કમિટી બનાવી છે. આ તમામ વોકળા, નદી સાફ કરવાનું આગામી સમયમાં આયોજન છે.

પ્રધાનમંત્રી ગુજરાત મુલાકાતે આવશે ત્યારે તારીખ 16ના રોજ મહાત્મા મંદિર ખાતે રિન્યૂએબલ એનર્જી મીટમાં હાજર રહેવાના છે. આ મીટ અગાઉ બે વખત થઈ ચૂકી છે. દેશ માટે ખૂબ મહત્ત્વની આ મીટ હવે ગુજરાતના આંગણે યોજાશે, જેમાં જર્મની, ડેન્માર્ક તથા વિવિધ રાષ્ટ્રના ડેલિગેશન જોડાશે. અલગ અલગ રાજ્યના મુખ્યમંત્રી તથા ઊર્જામંત્રી પણ હાજર રહેશે. સોલર, વિન્ડ અને પરંપરાગત સૌર ઉત્પાદન માટેની ઝુંબેશ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી, જેમાં આજે ભારત સફળતા મેળવી રહ્યું છે. એ જ દિવસે સેક્ટર 1 ખાતેથી મેટ્રો ટ્રેનના બીજા તબક્કાનો શુભારંભ કરશે અને મેટ્રોમાં સફર પણ કરશે. એ જ દિવસે સાંજે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 9 હજાર કરોડના વિવિધ પ્રકલ્પનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

અમિત ચાવડાના નેતાઓને કારણે વડોદરામાં આવેલા પૂરના આક્ષેપ અંગે ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વડોદરામાં નદીમાં ડીપનિંગ કરવાનું કામ ચાલુ છે તથા નદીમાં જો દબાણ થયું છે તો એ દૂર કરવા માટેની પણ સૂચના મુખ્યમંત્રીએ આપી છે. ચોમાસું ચાલુ છે તેમ છતાં સર્વે પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. સર્વે ચાલુ જ છે. સેન્ટ્રલમાંથી આવેલી બે ટીમ વરસાદથી અસરગ્રસ્ત તમામ વિસ્તારનો સર્વે કરશે. રાજ્ય સરકારનો પણ સર્વે ચાલુ છે. જે રસ્તામાં ખાડા પડ્યા છે એમાં એની સમયમર્યાદા પૂરી થઈ નથી એવા કોન્ટ્રેક્ટર પાસેથી જ સરકાર કામ કરાવવાની છે.

ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે કચ્છમાં 17 મૃત્યુ નોંધાયા છે. આ પૈકી 4થી 5નાં મોત અન્ય કારણોસર કે હાર્ટને કારણે મૃત્યુ થયાં હોવાનું નોંધાયું છે. કુલ 12નાં મોત ફીવરને કારણે થયાં છે. એટલે સેમ્પલ લઈને તપાસ માટે પુણે મોકલ્યાં છે. લોકલ, રાજકોટ ખાતે પરીક્ષણ કર્યું છે. રાજકોટથી ફાલ્સીફેરમ, ન્યુમોનિયાના કેસ મળ્યા છે. એટલે અમે એ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે ન્યુમોનિયાને કારણે તેમજ સારવાર મોડી થવાને કારણે મોત થયાં છે. હાલ ત્યાં સીએચસીમાં વ્યવસ્થા, ભુજ હોસ્પિટલમાં 100 બેડ વ્યવસ્થા, બાઈપેપ તથા વેન્ટિલેટર વ્યવસ્થા કરી છે. તમામ દર્દીઓને ટ્રેસ કર્યા બાદ કોન્ટેક્ટ ટ્રેસિંગ કરીને એ તમામનાં પણ સેમ્પલ લઇને તપાસ માટે મોકલ્યાં છે. અબડાસાનાં 7 ગામમાં અસર છે, બીજી જગ્યાએ અસર જોવા મળી નથી.