રિપોર્ટ@ગુજરાત: ચાંદીપુરા વાઇરસનાં સેમ્પલ ટેસ્ટિંગ અંગે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે એક મોટી જાહેરાત કરી
![રિપોર્ટ@ગુજરાત: ચાંદીપુરા વાઇરસનાં સેમ્પલ ટેસ્ટિંગ અંગે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે એક મોટી જાહેરાત કરી](https://atalsamachar.com/static/c1e/client/91782/uploaded/e39037a7d7fba94b06d9785663d1bf2f.jpg)
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ચાંદીપુરા વાઇરસે હાહાકાર મચાવ્યો છે. આ વાઈરસ કેટલાક માસુમ બાળકોનો ભોગ લઇ રહ્યો છે. અત્યાર સુધીમાં 15 બાળકોના મોત નીપજ્યા છે. રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસે ને દિવસે ઉછાળો આવી રહ્યો છે. હવે અમદાવાદ જેવાં મોટાં શહેરોમાં પણ જોવા મળી રહી છે.
ચાંદીપુરા વાઇરસનાં સેમ્પલ ટેસ્ટિંગ અંગે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે એક મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ચાંદીપુરા વાઇરસનાં સેમ્પલનું ટેસ્ટિંગ હવે GBRC(ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર)માં થશે. સેમ્પલને પુણે મોકલવાં નહીં પડે અને ગાંધીનગરમાં જ ટેસ્ટિંગ થઈ જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચાંદીપુરા વાઇરસની સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેનાં પગલાંની સમીક્ષા કરી હતી. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આયોજિત આ બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્યના મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે વીડિયો-કોન્ફરન્સ કરીને તેમના જિલ્લાની કામગીરીની વિગતો મેળવી હતી.
મુખ્યમંત્રીએ જિલ્લાઓમાં રોગ અટકાયત માટે મેલેથિયન પાઉડર દ્વારા ડસ્ટિંગ માટેની ડ્રાઈવ હાથ ધરવા તેમજ કોઈપણ તાવના કિસ્સામાં તરત જ સઘન સારવાર અપાય એ બાબત સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું હતું. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ રોગચાળા સામે રક્ષણ આપતા ઉપાયો આશાવર્કર બહેનો, આંગણવાડી કાર્યકર બહેનો, નર્સ બહેનો જેવા પાયાનાં કર્મીઓ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં હાથ ધરવા પણ સૂચન કર્યું હતું.