રિપોર્ટ@ગુજરાત: વધારે દેવું થવાથી અને વ્યાજખોરોના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આપઘાત કર્યો

યુવકે ઝેરી દવા પી આપઘાત કર્યો 
 
દવા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હાલમાં આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાના બનાવો સામે આવતા હોય છે.  અઢી કરોડ કરતા વધારેનું દેવું થવાની સાથે સાથે વ્યાજખોરોના ત્રાસથી વરાછાની ઓમ ડાયમંડ કંપનીના 39 વર્ષીય માલિક હિતેશ બાબુ દેવાણીએ પોતાની જ ઓફિસમાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. જોકે, આ ઘટનામાં વરાછા પોલીસને સ્યૂસાઇડ નોટમાં મળી આવી છે. જેમાં પિયુષ સહિતના હીરા વેપારી અને વ્યાજખોરોના નામ મળ્યા હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

હિતેશ બાબુ દેવાણી મૂળ ભાવનગર ગારિયાધાર તાલુકાના મેસણકા ગામના વતની અને હાલમાં કતારગામ કથા રોડ સ્થિત ધ કેન્ડલવુડમાં રહેતા હતા. ગુરૂવારે હિતેશ ઘરે જમવા ન આવતા જ તેમની પત્નીએ તેમને ફોન કર્યો હતો. પણ હિતેશે ફોન ઉંચક્યો નહતો. જેથી બનેવી વિશાલ કંપની પર પહોંચતા હિતેશ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. જેથી વિશાલે 108 બોલાવીને હિતેશને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

વરાછા પોલીસને ઘટનાસ્થળે એક સ્યૂસાઇડ નોટ મળી હતી. જેમાં હિતેશે અઢી કરોડથી વધારેનું દેવું થઇ ગયા હોવાનું લખ્યું હતું, જેમાં પિયુષ સહિતના સહિતના હીરા વેપારીના નામોનો ઉલ્લેખ છે. તેમજ વ્યાજખોરોના નામનો પણ ઉલ્લેખ છે. ઉપરાંત પિયુષ નામના હીરા વેપારીએ દોઢ કરોડના હીરાનો માલ સવા લાખ રૂપિયામાં અને અન્ય એક વેપારીએ એક કરોડનો માલ લાખ રૂપિયામાં પડાવી લીધો હોવાનો ઉલ્લેખ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કતારગામમાં રહેતા હિતેશ દેવાણીના પરિવારમાં પત્ની સાથે પાંચ વર્ષીય પુત્ર ઓમ અને પાંચ વર્ષિય પુત્રી શ્રી છે. વરાછામાં હીરા તૈયાર કરતી ઓમ ડાયમંડ કંપની 35 વર્ષ પહેલા હિતેશભાઇના પિતાએ શરૂ કરી હતી.