રિપોર્ટ@ગુજરાત: ઠંડા પવનોને કારણે ઠંડીનો પારો ગગડ્યો, વડોદરા 14.0 ડિગ્રી અને નલિયા 14.2 ડિગ્રી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઉત્તરના ઠંડા પવનોને કારણે ઠંડીનો પારો ગગડ્યો હોવાનું હવામાન વિભાગ જણાવી રહ્યો છે. વાદળો દૂર થતાં, ભેજનું પ્રમાણ ઘટતાં અને સૂકા પવનો ફૂંકાતાં ઠંડીનો પારો ગગડ્યો છે. શહેરમાં સોમવારે પણ ઠંડીનો પારો 15 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે. નોંધનીય છે કે, વડોદરા 14.0 ડિગ્રી અને નલિયા 14.2 ડિગ્રી રહ્યું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 12 નવેમ્બર સુધી વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં હવામાન સામાન્ય રીતે સૂકું રહેવાની આગાહી છે. જ્યારે ન્યૂનતમ તાપમાનમાં આગામી 3 દિવસ સુધી 2થી 3 ડિગ્રીનો ક્રમશઃ ઘટાડો થવાની શક્યતા છે.
જેમાં પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વની થતાં ઠંડીનો અનુભવ થશે. ઉત્તર તરફથી પવન આવતાં તાપમાન ઘટવાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના આંકડા અનુસાર, શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 30.6 ડિગ્રી અને લઘુતમ તાપમાનનો પારો 14 ડિગ્રી નોંધાયો હતો. ભેજનું પ્રમાણ સવારે 79 ટકા અને સાંજે 34 ટકા નોંધાયું હતું. નોર્થની દિશાથી 4 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા.
હિમાલય ક્ષેત્રમાં બરફ વર્ષા શરૂ થઈ છે. આ બરફ વર્ષાને કારણે ઉત્તર પૂર્વના બર્ફીલા પવનો મેદાની વિસ્તારો થકી વડોદરામાં ફૂંકાઇ રહ્યા છે. વડોદરામાં 9 નવેમ્બરના રોજ વહેલી સવારે લઘુતમ તાપમાનનો પારો 14 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે આગામી 7 દિવસ ઠંડીનું પ્રમાણ યથાવત્ રહેવાની સંભાવના છે.

