રિપોર્ટ@ગુજરાત: ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’; દિવાળી વેકેશનમાં પ્રવાસીઓનો ધસારો

સફેદ રણનો વિશિષ્ટ નજારો, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને શાંતિનો અનુભવ પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે.
 
રિપોર્ટ@ગુજરાત: ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ની; દિવાળી વેકેશનમાં પ્રવાસીઓનો ધસારો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

કચ્છના પ્રવાસન અને યાત્રાધામોમાં પ્રવાસીઓનો મહેરામણ ઉમટશે. ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ની થીમ સાથે પ્રખ્યાત બનેલો આ જિલ્લો દિવાળી વેકેશન માટે પ્રવાસીઓનું ‘મોસ્ટ ફેવરિટ ડેસ્ટિનેશન’ બની ગયો છે. સફેદ રણનો વિશિષ્ટ નજારો, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને શાંતિનો અનુભવ પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે.

Image

આ વખતે રણોત્સવનો પ્રારંભ પણ દિવાળીના સમયગાળામાં જ થતો હોવાથી પ્રવાસીઓની સંખ્યામાં મોટો વધારો થવાની સંભાવના છે. ધોરડો ખાતે આવેલ સફેદ રણ અદ્ભુત માહોલ સર્જે છે. લોકો શહેરના ઘોંઘાટથી દૂર, રણની શાંતિ અને સંસ્કૃતિનો અનુભવ કરવા માટે ઉત્સુક છે.

રણોત્સવની ટેન્ટ સિટી અને વિવિધ રિસોર્ટ એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યા છે. રણોત્સવ ઉપરાંત, કચ્છના યાત્રાધામો જેવા કે માતાનો મઢ, નારાયણ સરોવર, અને કોટેશ્વર મહાદેવ મંદિરે પણ શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળશે.

આ મંદિરોનો પૌરાણિક ઇતિહાસ અને દરિયાકિનારાની નિકટતા વિશેષ આકર્ષણ ઊભું કરે છે. માત્ર સફેદ રણ જ નહીં, પણ જિલ્લાના ઐતિહાસિક સ્થળો જેવા કે ભુજમાં આવેલ આઈના મહેલ, પ્રાગ મહેલ, સ્મૃતિવન, તેમજ ધોળાવીરાના હડપ્પન સંસ્કૃતિના સ્થળની મુલાકાત લેવા પણ ઉત્સુક હોય છે. કાળો ડુંગરનો નયનરમ્ય સૂર્યોદય-સૂર્યાસ્ત અને માંડવીના રમણીય બીચ પણ આ વેકેશનમાં પ્રવાસીઓથી છલકાઈ જશે.

દિવાળી વેકેશનમાં કચ્છના સફેદ રણનું એક વિશેષ આકર્ષણ છે ‘રોડ ટુ હેવન’. સફેદ રણ તરફ જતો આ માર્ગ પ્રવાસીઓમાં ભારે લોકપ્રિય છે. જ્યારે દૂર દૂર સુધી માત્ર સફેદ ચાદર જેવું મીઠું પથરાયેલું હોય અને ક્ષિતિજ સુધી વિસ્તરતો રસ્તો દેખાય છે, ત્યારે તે દ્રશ્ય સ્વર્ગ તરફ જતો હોય તેવો અહેસાસ કરાવે છે. વહેલી સવારે સૂર્યોદય સમયે કે રાત્રે પૂર્ણ ચંદ્રની ચાંદનીમાં, આ રસ્તો ફોટોગ્રાફી માટે સ્વર્ગ સમાન છે. આ અદ્ભુત કુદરતી નજારાનો અનુભવ કરવા માટે ખાસ કરીને યુવાનો અને પ્રકૃતિપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. જોકે હાલ અહીં બેથી ત્રણ ફુટ પાણી ભરાયેલા છે.