રિપોર્ટ@ગુજરાત: બેકાબૂ કાર ચાલકે લારી-રીક્ષાને અડફેટે લીધા, 2 લોકો ઇજાગ્રસ્ત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ફરી એકવાર અસ્કમાતની ભયાનક ઘટના સામે આવી છે. જસદણ તાલુકાના આટકોટ ચોકડી પાસે ગત રાત્રિના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જસદણ તરફથી આવી રહેલી એક સ્વીફ્ટ કાર બેકાબૂ બની હતી, જેના કારણે નજીકમાં ઉભેલી સોડાની રીક્ષા અને પાણીપુરીની લારીને ટક્કર વાગી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
પ્રાથમિક માહિતી અનુસાર, આ સ્વીફ્ટ કારમાં ચાર લોકો સવાર હતા. આટકોટ પોલીસ ચેક પોસ્ટ નજીક આવેલા વળાંક પર કારની ઝડપ વધુ હોવાથી ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ બનેલી કારે સાઈડમાં ઉભેલી રીક્ષા અને લારીને અડફેટે લીધા હતા, જેના કારણે તેમને ભારે નુકસાન થયું હતું. એક જાહેરખબરનું બોર્ડ પણ તૂટી ગયું હતું.
અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બે લોકોને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ આટકોટ પોલીસનો કાફલો પણ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સદનસીબે, રાત્રિનો સમય હોવાથી લોકોની અવરજવર ઓછી હતી, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. પોલીસે કાર ચાલક અને અન્ય સવાર લોકોની પૂછપરછ કરીને અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે.

