રિપોર્ટ@ગુજરાત: ભગવાન રામલલ્લાના મંદિરના ગર્ભગૃહમાં સુવર્ણ જડિત દરવાજા લગાવવામાં આવ્યા

1000 વર્ષ સુધી નહીં થાય ખરાબ

 
રિપોર્ટ@ગુજરાત: ભગવાન રામલલ્લાના મંદિરના ગર્ભગૃહમાં સુવર્ણ જડિત દરવાજા લગાવવામાં આવ્યા 

અટલ  સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ભગવાન રામલલ્લાના મંદિરની ભવ્યતાનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. મંદિરના ગર્ભગૃહમાં સુવર્ણ જડિત દરવાજા લગાવવામાં આવ્યા છે. આ દરવાજાને બનાવનારા કારીગર હૈદરાબાદના અનુરાધા ટિમ્બર ઈન્ટરનેશનલ કંપનીમાંથી આવ્યા છે. આ કંપનીના માલિક શરદ બાબૂએ ટીવી9 સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું કે ખુબ જ ઓછા સમયમાં અમે લોકોએ આ કામને પૂર્ણ કર્યુ છે.

શરદ બાબૂએ જણાવ્યું કે આ દરવાજાને નાગર શૈલીમાં બનાવવામાં આવ્યા છે. તેમને કહ્યું કે મોટા મંદિરોના દરવાજા બનાવવાનો તેમને મોટો અનુભવ છે. તેના આધાર પર તેમના કારીગરોએ ખુબ જ બારીકીથી લાકડા પર કલાકૃતિઓને આકાર આપ્યો છે.

તેમને વધુમાં જણાવ્યું કે રામમંદિરમાં લગાવવા માટે 14 સુવર્ણ જડિત દરવાજા સોમવારે રામનગરી પહોંચી ગયા. જેને મંદિર પરિસરમાં સીસીટીવી કેમેરા અને કડક સુરક્ષામાં રાખવામાં આવ્યા છે. આ દરવાજાઓને 15 જાન્યુઆરીએ લગાવવાનું કામ શરૂ થશે. તેમને કહ્યું કે તમામ કામ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા પૂર્ણ કરવામાં આવશે.

મંદિરમાં લગાવવામાં આવનારા દરવાજાઓ માટે લાકડુ મહારાષ્ટ્રથી લાવવામાં આવ્યુ હતું. તેના માટે ખાસ પ્રકારનું સાગ મગાવવામાં આવ્યુ. શરદે દાવો કર્યો કે દરવાજા એવા બનાવવામાં આવ્યા છે કે આગામી 1000 વર્ષ સુધી તે ખરાબ નહીં થાય.

કન્યાકુમારીથી આવ્યા કારીગર

શરદ બાબૂએ જણાવ્યું કે છેલ્લા 6 મહિનાથી દિવસ-રાત કામ ચાલી રહ્યુ છે. લગભગ 60 કારીગર આ કામમાં લાગેલા છે. શિફ્ટ મુજબ કામ થઈ રહ્યું છે. ઓછા સમયમાં આ મોટુ કામ કરવુ એક મોટો પડકાર હતો. તેમને કહ્યું કે ભગવાન રામની વિશેષ કૃપા છે, જેનાથી આ કામ સમય મુજબ પૂર્ણ થઈ રહ્યું છે.