રિપોર્ટ@ગુજરાત: વરસાદથી તાપી નદીમાં નવા નીર આવ્યા, જાણો વધુ વિગતે
તાપી નદીના જળસ્તરમાં વધારો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. છેલ્લા 3 દિવસથી સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે પણ સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે. કાળા ડિબાંગ વાદળો સાથે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. તાપી નદીમાં નવા નીર આવતા સુરતનો વિયર કમ કોઝ વે પણ ઓવરફ્લોની નજીક છે. જેથી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.
તાપી નદીમાં નવા નીર આવતા બંને કાંઠે વહેતા પાણીના દ્રશ્યો દેખાય રહ્યા છે. કોઝ-વેનાં નયનરમ્ય દૃશ્યો જોવા મળ્યા છે. બીજી તરફ સવારથી જ એકધારો વરસાદ વરસી રહ્યો છે. કોઝ-વેની સપાટી વહેલી સવારે 6 મીટર સુધી પહોંચી જતા તંત્ર દ્વારા તત્કાળ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
તાપી નદીના જળસ્તરમાં વધારો થતા વાહન વ્યવહાર માટે કોઝ-વે અગમચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો છે. આજથી સિઝનમાં પહેલી વખત કોઝ-વે બંધ કરાયો છે. પાણીનું સ્તર નીચું આવ્યા બાદ જ કોઝ-વે શરૂ કરાશે.