રિપોર્ટ@ગુજરાત: વરસાદના કારણે ખાડા પડી જતાં વહેલી સવારથી 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો

વાહનચાલકો છેલ્લા 4 દિવસથી પરેશાન

 
રિપોર્ટ@ગુજરાત: વરસાદના કારણે ખાડા પડી જતાં વહેલી સવારથી 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ચોમાસાની ઋતુ ચાલુ છે. જેના કારણે ગણા રસ્તાઓ  તૂટી ગયા છે. વડોદરા શહેર નજીકથી પસાર થતા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર જાંબુવા બ્રિજના રોડ પર ખાડા પડી જતા આજે (9 ઓગસ્ટ) વહેલી સવારથી પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. છેલ્લા ચાર દિવસથી રોજ સવારે અને સાંજે આ પ્રકારનો ટ્રાફિક જામ સર્જાય છે, જેને કારણે વાહનચાલકો પરેશાન છે. આ સાથે જ આસપાસની સોસાયટીના લોકોને પણ ટ્રાફિકના કારણે અવરજવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. રોજેરોજના માથાના દુખાવા સમાન ટ્રાફિકની સમસ્યાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


વડોદરા પાસે નેશનલ હાઇવે પર સવાર-સવારમાં પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાતા મોટી સંખ્યામાં વાહનચાલકો અટવાયા હતા. જાંબુવા બ્રિજથી કપુરાઇ બ્રિજ સુધી ટ્રાફિકજામ થતા લોકો કલાકો સુધી ફસાઇ ગયા હતા. અહીં દર વખતે ચોમાસામાં વાહનચાલકો પરેશાન થાય છે અને ટ્રાફિકજામમાં ફસાઈ જાય છે. કોઈને હોસ્પિટલ તો કોઈને મહત્ત્વનું કામ હોવાથી લોકો નીકળતા હોય છે, પરંતુ ટ્રાફિકજામના કારણે કોઈ સમયસર પહોંચી શકતું નથી. અમદાવાદથી સુરત તરફ જઈ રહેલા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. વાહનોની વણજાર લાગતા લોકો પરેશાન થઈ જતા આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.


જાંબુવા બ્રિજની બાજુમાં જ સોસાયટીઓ અને સ્કૂલો આવેલી છે. જેથી સોસાયટીઓના રહીશો સોસાયટીની બહાર નીકળી શકતા નથી અને નીકળે તો ટ્રાફિકજામમાં અટવાઈ જાય છે. આ ઉપરાંત બાળકોને સ્કૂલે પહોંચવામાં પણ મોડું થઈ જાય છે. જાંબુવા બ્રિજ પાસે આવેલી આર્યન રેસિડેન્સીના રહીશો તો ટ્રાફિકજામની સમસ્યથી ખૂબ જ ત્રસ્ત થઈ ગયા છે અને તંત્ર દ્વારા રોડની કામગીરી કરીને આ સમસ્યા દૂર કરવામાં આવે તેમ ઇચ્છી રહ્યા છે.


આ અંગે સ્થાનિક અજયભાઈ પંચાલે જણાવ્યું હતું કે, ટ્રાફિકજામની સમસ્યા છેલ્લાં ચાર વર્ષથી છે. ચોમાસાના સમયમાં બ્રિજ ઉપર ખાડા પડી જતા આ સમસ્યા સર્જાય છે. મેં આ મામલે નેશનલ હાઈવે ઓથોરિટીમાં પણ પત્રો લખેલા છે અને મને સામેથી જવાબ મળ્યો છે કે, ભરૂચથી વડોદરા તરફ સાંકડા 4થી 5 બ્રિજ પહોળા કરવાની ભલામણ કરેલી છે. એ લોકો કહે છે કે, ટેન્ડર આપી દેવાયાં છે, પરંતુ આ બ્રિજનું કામ ક્યારે શરૂ થશે?


તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અહીં રોજ ટ્રાફિકજામ થાય છે. અમે ટ્રાફિક શાખામાં ફોન કરીએ છીએ, પરંતુ તેમની ગાડીઓ જલદી આવતી નથી. જેથી ટ્રાફિક મેનેજ થતો નથી અને નોકરી-ધંધા પર જતા લોકો પરેશાન થાય છે. કારણ કે, આ બ્રિજ શહેરને જોડે છે અને શહેરમાંથી પોર તરફ ઘણા લોકો નોકરી-ધંધા પર જતા હોય છે. તેથી તેમની માંગ છે કે, આ બ્રિજની કામગીરી જલદી કરવામાં આવે. ઘણી વખત તો પોર સુધી ટ્રાફિકજામ થઈ જતો હોય છે. અમારી માંગણી છે કે, આ બ્રિજની કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવે અને ત્યારબાદ ઝડપથી પૂર્ણ કરવામાં આવે.


અન્ય એક સ્થાનિકે જણાવ્યું હતું કે, અહીં ટ્રાફિકજામ થઇ જતાં અમે સોસાયટીમાંથી નીકળી શકતા નથી. ઘરેથી બહાર નીકળી ગયા હોઇએ તો ફરી સોસાયટીમાં જઇ શકતા નથી. કારણ કે, ટ્રાફિકજામના કારણે સોસાયટીનો રસ્તો બંધ થઇ જાય છે. આ મામલે યોગ્ય કામગીરી કરવી જોઇએ. અમે હેરાન-પરેશાન થઇ ગયા છીએ.