રિપોર્ટ@ગુજરાત: બાળકનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ સતર્ક
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના એક ગામના 7 વર્ષના બાળકનો શંકાસ્પદ HMPV વાઇરસનો રિપોર્ટ આવ્યા બાદ આરોગ્યતંત્રએ સેમ્પલ તપાસ માટે અમદાવાદ અને ગાંધીનગર મોકલી આપ્યાં હતાં, જેનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જોકે હાલ બાળક બેબીકેર હોસ્પિટલમાં વૅન્ટિલેટર પર છે. તો બીજી તરફ અમદાવાદના વસ્ત્રાપુરમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનો HMPV વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવતાં હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ગુજરાત સહિત ભારતનાં ચાર રાજ્યમાં આ વાઇરસના કેસ નોંધાયા છે. આ વાઇરસનાં તમામ દર્દી બાળક છે. HMPVની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાતનો આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે અને રાજ્યની અલગ અલગ હોસ્પિટલમાં જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આ અંગે મેડિકલ ઓફિસર ડૉ.સ્મૃતિ મહેતાએ જણાવ્યું હતું કે ત્રણ દિવસથી બાળક દાખલ છે. પ્રથમ દિવસે જ્યારે બાળક દાખલ થયું ત્યારે તેને શ્વાસ લેવામાં તકલીફ હતી. હાલમાં બાળક ICUમાં વૅન્ટિલેટર પર મશીન પર છે અને સરકારની ગાઈડ લાઈન મુજબ સારવાર કરવામાં આવી રહી છે. પરંતુ હાલમાં બાળકની પરિસ્થિતિ ક્રિટિકલ જ છે. એક્સ-રેમાં બાળકને ન્યુમોનિયા આવે જ છે.
ત્રણ દિવસ પહેલાં પ્રાંતિજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના એક ગામના ખેતરમાં મજૂરી કરતા શ્રમિક પરિવારના 7 વર્ષીય પુત્રને તાવ, શરદી, ઉધરસને લઈને હિંમતનગરની બેબીકેર હોસ્પિટલમાં નિદાન માટે લાવ્યા હતા, જ્યાં તબીબે નિદાનમાં એક્સરે કરતાં તેને ન્યુમોનિયાની અસર દેખાતા ખાનગી લેબોરેટરીમાં સેમ્પલ લેવડાવ્યાં હતાં, જેનો રિપોર્ટ ગઈકાલે સાંજે આવ્યો હતો, એમાં HMPV વાઇરસ આવ્યો હતો. એને લઈને જિલ્લા આરોગ્ય વિભાગને જાણ કરી હતી.
સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગે હોસ્પિટલ પહોંચી સેમ્પલ લઈને ગાંધીનગર અને અમદાવાદ મોકલી આપ્યાં હતાં. જેનો HMPV વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 7 વર્ષીય બાળક હાલમાં બેબીકેર હોસ્પિટલમાં છે, જેને ICUમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું છે, સારવાર ચાલુ છે, એવું હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત ઈમ્તિયાઝભાઈ મેમણે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે.
અમદાવાદ શહેરમાં HMPV વાઇરસનો વધુ એક કેસ નોંધાયો છે. વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા 80 વર્ષના વૃદ્ધને સારવાર અર્થે મેમનગરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 8 જાન્યુઆરીના રોજ વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. દર્દીને છેલ્લા કેટલાય સમયથી અસ્થમાની બીમારી હોવાનું જાણવા મળ્યું છે. તેમની વિદેશ કે અન્ય કોઇ સ્થળે ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી નથી. દર્દીનાં સેમ્પલને ચકાસવાની પ્રક્રિયા આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.
દર્દીનાં સેમ્પલ ગાંધીનગર લેબોરેટરીમાં મોકલાશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે HMPV પોઝિટિવ આવેલા દર્દીની હાલત હાલ સ્થિર છે. તેમના સેમ્પલને સિવિલ હોસ્પિટલમાં તેમજ જીનોમ સિકવન્સ માટે ગાંધીનગર લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે. અગાઉ ચાંદખેડામાં પોઝિટિવ આવેલા બે મહિનાના બાળકનાં સેમ્પલને પણ ગાંધીનગર લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યાં છે.