રિપોર્ટ@સુરત: દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવારને લઈને વેકેશન પડતાની સાથે રેલવે સ્ટેશન પર લોકોની ભારે ભીડ

વેકેશન પડતા જ ઉધના રેલવે સ્ટેશન પર 15 હજારથી વધુ લોકોનું કીડિયારું ઉભરાયું, મુસાફરોને ટ્રેન સુધી પહોંચાડવા પોલીસ બંદોબસ્ત

 
રિપોર્ટ@સુરત: દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવારને લઈને વેકેશન પડતાની સાથે રેલવે સ્ટેશન પર લોકોની ભારે ભીડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

લોકો રોજગારી મેળવવા માટે આવતા હોય છે. તહેવારના સમયે આ તમામ લોકો પોતાના વતન જતા હોવાથી ટ્રેનોમાં મોટો ધસારો જોવા મળતો હોય છે. ત્યારે આગામી દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવારને લઈને વેકેશન પડતાની સાથે ઉધના રેલવે સ્ટેશન પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ વર્ષે સુરત રેલવે સ્ટેશન કરતાં ઉધના રેલવે સ્ટેશન પર વધારે ભીડ થઈ રહી છે. લોકો બાર-બાર કલાકથી અહીં આવી ગયા છે અને ટ્રેનમાં બેસવાની રાહ જોઈ રહ્યા છે. રેલવે તંત્રના અયોગ્ય આયોજનને લઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. રેલવે સ્ટેશન પરના જનસેલાબને જોઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને મુસાફરોને લાઈન બંધ ટ્રેનમાં બેસાડવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગત દિવાળીએ ટ્રેનમાં બેસવા માટે થયેલી ભાગદોડમાં એક યુવક મોતને ભેટ્યો હતો.

દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવાર નિમિત્તે સુરતમાં વસવાટ કરતા પરપ્રાંતિયો વતન તરફ પ્રયાણ કરતા હોય છે. ત્યારે હીરા અને કાપડ ઉદ્યોગ સાથે સ્કૂલોમાં વેકેશન પડતા પરપ્રાંતિયોએ ટ્રેન મારફતે વતન જવાનું શરૂ કરી દીધું છે. સુરત રેલવે સ્ટેશન ખાતે 3 પ્લેટફોર્મ જ કાર્યરત છે, જ્યારે ઉધના રેલ્વે સ્ટેશન ખાતે 6 પ્લેટફોર્મ કાર્યરત છે. સુરત રેલવે સ્ટેશન પર રિ-ડેવલોપમેન્ટની કામગીરી થતી હોવાથી દિવાળીની મોટાભાગની ટ્રેનો ઉધના સ્ટેશનથી દોડાવવામાં આવી રહી છે.

આજે રવિવારના રોજ ઉધના રેલવે સ્ટેશન ખાતે મુસાફરોની હજારોની સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે. યુપી-બિહાર સહિતના મુસાફરો જોવા મળી રહ્યાં છે. 12-12 કલાકથી મુસાફરો સ્ટેશન પર ટ્રેનની રાહ જોઇ રહ્યા છે. વતન જવા માટે મુસાફરોની બે કિમિથી વધુ લાંબી લાઈનો થઈ ગઈ હતી, જેથી પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. આ ભીડને કાબુમાં લેવા માટે પોલીસને પણ થોડો હળવો બળપ્રયોગ કરવો પડી રહ્યો છે.

સુરેન્દ્રકુમાર ગૌતમ નામના મુસાફરે જણાવ્યું હતું કે, શનિવારે ત્રણ વાગ્યાથી હું રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈને બેઠો છું. પરિવાર પણ સાથે છે. 24 કલાકમાં મારો સામાન પણ ગુમ થઈ ગયો છે, જે મળી રહ્યો નથી. સરકારને વિનંતી છે કે, ટ્રેનોની સંખ્યામાં વધારો કરવો જોઈએ. હાલ તો અહીં ખૂબ જ તકલીફ પડી રહી છે. અન્ય મુસાફર પીન્ટુકુમારે જણાવ્યું અહીં ખૂબ જ ખરાબ હાલત છે, મારે છપરા જવું છે હું ચાર પાંચ કલાકથી અહીં છું. લાખો મુસાફરો ઉધના રેલવે સ્ટેશન પહોંચી ગયા છે.

સ્ટેશન ડિરેક્ટર મુકેશકુમાર સિંગએ જણાવ્યું હતું કે, 10થી 12 હજારની ભીડ છે, બે ટ્રેન ચલાવી દેવામાં આવી છે. બે ટ્રેન પ્લેટફોર્મ પર ઉભી છે, જેમાં લાઈનમાં ટ્રેન સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. હજુ વધુ બે ટ્રેનની પણ જાહેરાત કરી દેવામાં આવી છે.

ઉધના રેલવે સ્ટેશન પર ભીડને ધ્યાનમાં રાખી મેડિકલ ટીમને 24 કલાક ઉપલબ્ધ કરવામાં આવી છે. ભારે ભીડને જોતા રેલવે તંત્ર તમામ પ્રકારની તૈયારીઓ કરી રહ્યું છે. આ વખતે ઉધના સ્ટેશન પર રેલવે દ્વારા મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ ખાસ તૈનાત કરવામાં આવશે. કારણ કે, ભારે ભીડમાં જો કોઈ મુસાફરને તબીબી સહાયની જરૂર પડે તો તેને તાત્કાલિક સારવાર મળી શકે છે. અથવા નજીકની હોસ્પિટલમાં મોકલી શકાય છે.

રેલવે દ્વારા ઉધના રેલવે સ્ટેશન પર નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે, જેનું મુખ્ય કામ દિવાળી અને છઠ્ઠ સુધી ચાલતી અનરિઝર્વ્ડ અને રિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનોમાં ભીડને તપાસવાનું છે. રોજના કેટલા મુસાફરો ભેગા થઈ રહ્યા છે અને કેટલી જનરલ ટિકિટો વેચાઈ રહી છે, આના પર નજર રાખવામાં આવશે. રિઝર્વ્ડ સિવાય ઘણી અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનો દિવસ દરમિયાન છોડવામાં આવશે, જેના કારણે દરેક ટ્રેન પકડવા માટે એક સમયે 5થી 10 હજાર મુસાફરો એકઠા થઇ રહ્યા છે.

દેશભરમાં દિવાળી અને છઠ્ઠ પર પોતાના ગામ જવા માટે રવાના થઇ રહ્યા છે. સુરતથી ત્રણથી ચાર લાખ મુસાફરો દિવાળી અને છઠ માટે યુપી-બિહાર ટ્રેન જવા રવાના થશે. મુસાફરોની સુરક્ષા માટે ઉધના આરપીએફના 70 જેટલા જવાનો છે. આ ઉપરાંત ઉધમપુરથી આશરે 90 વધારાના RPSF (રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સ) જવાનોને ઉધના અને સુરત બોલાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 40 રેલવે પોલીસ GRP જવાનોની ટીમ ઉધના સ્ટેશન પર તૈનાત છે. જ્યારે દરેક સ્થળે સીસીટીવી લગાવવામાં આવ્યા છે.