રીપોર્ટ@હિંમતનગર: લોભામણી રોકાણ સ્કિમોથી હજારો લોકો ભરડામાં, પાલ જેવા જિલ્લામાં કેટલા?

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
હમણાંથી સાબરકાંઠા જિલ્લામાં અને ખાસ કરીને હિંમતનગરમાં ટૂંકા ગાળામાં અઢળક નફાની સ્કીમોનુ માર્કેટ ઉંચકાઈ ગયું છે. શંકાસ્પદ અને લેભાગૂ બનતી લોભામણી સ્કીમોમાં રોકેટ ગતિએ રૂપિયા કમાવાની તકો બતાવી લાખોની રકમ એકઠી કરાવાય છે. શું આવી સ્કિમો જિલ્લા પોલીસ તંત્ર, જીએસટી, કોમર્શિયલ સહિતના પરવાને ચાલી રહી છે? આવી સ્કીમો ચલાવતાં પાલ જેવા સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં કેટલા તે સવાલ છે પરંતુ પાલ અને પાલ જેવાની વાતોમાં આવી હજારો લોકોની કરોડોની મૂડી આ લોભામણી રોકાણ સ્કિમોમા છે. જાણીએ તંત્રને ધ્યાને દોરતો અને મધ્યમવર્ગના રોકાણકારો ડૂબી ના જાય તે પહેલાંની ચેતવણીનો આ સ્પેશ્યલ રીપોર્ટ.
ઉત્તર ગુજરાતના કેટલાક સ્થળોએથી પગપેસારો કરી હિંમતનગર પ્રવેશી ગયેલો લોભામણી સ્કીમોનો રાફડો તમારી કલ્પના બહાર ફેલાઇ ગયો છે. બજારમાં મંદી લોકોમાં રૂપિયાની તંગી ભલે કહેવાતી હોય પરંતુ હિંમતનગરના પાલની પાસે બોગસ કંપનીઓની જાદુ કી છડી છે. આ છડીમાં નાનું મોટું રોકાણ કરો તો ઝડપથી ધનપતિ થવાની તકો બતાવશે. આ પાલે ભૂતકાળના એક મોટાગજાના રોકાણકારની પાસેથી અને બોગસ કંપનીઓના ઈસમો પાસેથી તાત્કાલિક ધનપતિ થવાની જાણકારી મેળવી હતી. આ માહિતીનો ઉપયોગ કરીને પાલે છેલ્લા કેટલાક સમયથી મધ્યમવર્ગને રોકાણકાર બનાવી હજારો લોકોને આકર્ષી કરોડોની રકમ બનાવી છે. હવે અહિં બોગસ શું અને લોકો તેમજ તંત્રએ ધ્યાને શું લેવું તે સમજીએ.
અલગ અલગ નામો હેઠળ પોતાને એક કંપની હોવાનું બતાવી કેટલાક ઈસમોથી ચાલતું ગૃપ શરૂઆતમાં ઓનલાઇન આકર્ષણ ઉભું કરે છે. આ પછી વિવિધ શહેરોમાં પાલ જેવા શોધી તાત્કાલિક ધનપતિ થવાની ઓફરો બતાવી એજન્ટ બનાવી રોકાણકારો ખેંચવા જણાવે છે. પાલ જેવા પોતાનાં ગૃપ કે ઓળખિતાઓને નાના રોકાણથી મહાકાય નફાની, વળતરની ઓફરો જણાવે છે. આ માટે કેટલાક લોકોની નામજોગ યાદી અને તેમણે કરેલી કમાણીની ઉભી કરેલી વિગતો જણાવે છે. આનાથી મધ્યમવર્ગના લોકો ભરડામાં આવીને પાલની વિવિધ સ્કીમોમાં લાખો કરોડોનું રોકાણ કરી ચૂક્યા છે. આવી સ્કીમો હેઠળ ઉત્તર ગુજરાતના અનેક જગ્યાએ બોગસ કંપનીઓ ઉઠી ગઈ, રોકાણ કરાવનાર છૂમંતર થયા, અનેક જગ્યાએ કેસો દાખલ થયા પરંતુ છેવટે મધ્યમ વર્ગને કોઈ કાયદો ના થયો અને ઉપરથી ડૂબ્યા. વાંચો નીચેના ફકરામાં તંત્ર શું ધ્યાને લઇ શકે.
સૌપ્રથમ તો આવી ઓફરો જે વ્યક્તિ કે કંપની તરફથી થાય છે તે નિયમોનુસાર રજીસ્ટર છે ?
જિલ્લા પોલીસ હેઠળ પરવાનગીથી નિયમોનુસાર ચાલે છે ?
મોટાં નફાને રિસ્ક સાથે ટાંકી જોખમ લો તો નફો મળે તેવું કહેવાય પરંતુ ડૂબે તો જવાબદારી કોની ?
જોખમી રોકાણ સામે શું રોકાણકારોને કોર્ટમાં કેવી રીતે જઈ શકાય તેની માહિતી અપાય છે ?
આ ધંધો વ્યાજનો નથી, શેરબજારનો નથી, મંડળી મારફતે એફડીનો નથી તો આ ધંધા ઉપર નિયંત્રણ કોનું?
આથી હવે આગામી ન્યૂઝ રીપોર્ટમાં આ ધંધાની પૂરી કહાનીનો અહેવાલ વાંચીશું