રિપોર્ટ@સુરત: SMCની બેઠકમાં ભાજપ કોર્પોરેટરે હોટલ પર માલિકનું નામ લખવાની માંગ

તેઓએ જણાવ્યું છે કે, હોટલનું નામ શ્રીરામ હોય ને માલિક મોહંમદ હોય છે. આવું હવે ચલાવાશે નહીં.
 
રિપોર્ટ@સુરત: SMCની બેઠકમાં ભાજપ કોર્પોરેટરે હોટલ પર માલિકનું નામ લખવાની માંગ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હવે  થોડાજ દિવસ પછી નવરાત્રિનો તહેવાર ચાલુ થવા જઈ રહ્યો છે. મોટાભાગના ખેલૈયાઓ મોડી રાતે ગરબા રમીને પરત ફરતી વખતે હોટલ અને રેસ્ટોરન્ટમાં ખાણીપીણી માટે જતા હોય છે. રેસ્ટોરન્ટના માલિકો દ્વારા હોટલનું જે નામ રાખવામાં આવે છે તે કંઈક અલગ હોય છે અને મૂળ માલિક અલગ હોય છે. SMCની બેઠકમાં ભાજપ કોર્પોરેટરે હોટલ પર માલિકનું નામ લખવાની માગ કરી. એક રીતે કહેવા જઈએ તો હિન્દુઓને વિધર્મીઓ દ્વારા ગેરમાર્ગે દોરીને પોતાની હોટલો ચલાવવામાં આવી રહી છે. ગઈકાલે સુરત કોર્પોરેશનમાં મળેલી સામાન્ય સભામાં કોર્પોરેટર વિજય ચોમાલે હોટલ પર માલિકનું નામ લખવાની માગ કરી છે. તેઓએ જણાવ્યું છે કે, હોટલનું નામ શ્રીરામ હોય ને માલિક મોહંમદ હોય છે. આવું હવે ચલાવાશે નહીં.

ભાજપના કોર્પોરેટર વિજય ચોમાલે જણાવ્યું હતું કે, સુરત કોર્પોરેશનમાં સામાન્ય સભા મળી હતી. મારો વિષય એ છે કે, તહેવારોમાં બધા લોકો બહારનું ભોજન પસંદ કરે છે. આ સુરતીઓની વિશેષતા છે. એટલે સુરતીઓ સાથે કોઈ ઠગાઈ ન થાય. 3 ઓક્ટોબરથી નવરાત્રિનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. બધાને શુદ્ધ ભોજન મળે, કોઈને પણ ભેળસેળવાળું ભોજન ન મળે. મારું માનવું છે કે, હોટલ પર નામ લખેલું હોય છે આશીર્વાદ પણ માલિકનું નામ હોય છે યુનુસ, હોટલનું નામ લખ્યું હોય છે શ્રીરામ ભોજનાલય અને માલિક મોહંમદ. આ ન હોવું જોઈએ. માલિકનું નામ છે તે પ્રમાણે હોટલનું નામાંકન થવું જોઈએ.

વધુમાં જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાની હદમાં આવી કોઈ હોટલ મળી આવે તો તેને દંડ કરો. કાનૂની કાર્યવાહી કરવામાં આવે. આ એક અપરાધ છે. હું મહાનગરપાલિકાને વિનંતી કરું છું કે, એક એક હોટલમાં ચેકિંગ કરે અને કોઈએ પણ ગરબડ કરી છે તો તેના પર કાર્યવાહી કરવામાં આવે. આનો આખો રિપોર્ટ તૈયાર કરી સુરતના મેયરને આપવામાં આવે તેવું મેં સામાન્ય સભામાં કહ્યું છે. હોટલ માલિક છે તે પોતાના નામ પર રાખે. તેની હોટલમાં કોઈ ભોજન લેશે કે નહીં લે એ એક અલગ વિષય છે.

વધુમાં જણાવ્યું હતું કે, હોટલનું નામ અલગ અને માલિક કોઈ અન્ય ધર્મનો હશે તો અમને એ સ્વીકાર નથી અને તેની તપાસ કરાવીશું. મારા શબ્દોમાં આ ગંભીર ગુનો છે. તમે તમારા નામ સાથે હોટલ ચલાવોને કોણ રોકે છે તમને ધંધો કરતા. તમે લોકો અને સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છો. આ ક્યારેય સ્વીકાર નથી. આટલા દિવસોથી ચાલે છે પણ હવે નહીં ચલાવવા દઈએ. ભારતીય જનતા પાર્ટી અને બધા કોર્પોરેટરો સાથે રહીને આ કાર્યવાહીને આગળ ધપાવીશું.

કોર્પોરેશનમાં મળેલી બેઠકમાં વિજય ચોમાલ દ્વારા ઉઠાવવામાં આવેલા યોગી મોડલને અપનાવવાની વાતને જાણે તમામ કોર્પોરેટરો મૌન રહીને સંમતિ આપતા હોય તેવું જણાય આવ્યું હતું. જ્યારે આ વાત કોર્પોરેશનમાં યોગી મોડલની નીકળી ત્યારે કોઈએ પણ એ વાત ખોટી છે કે આવું ન કરવું જોઈએ એવું કહ્યું નથી. ઘણાખરા કોર્પોરેટર તો એવું પણ બોલતા સંભળાયા હતા કે, સાચી વાત છે. જેને જ્યાં જમવા જવું હોય તે જઈ શકે. કોઈને ના નથી, કોની હોટલમાં જાય છે. પરંતુ નામ અલગ રાખે અને માલિક અલગ હોય એ બાબત ગંભીર છે અને આ જાણી જોઈને કરવામાં આવે છે.

શ્રાવણ માસ દરમિયાન યુપી સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. જેને લઈને ભારે વિવાદ થયો છે. યોગી આદિત્યનાથે યુપીની અંદર આદેશ આપ્યા હતા કે, જે પણ રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની લારીઓ છે તેના મૂળ માલિકના નામ પણ બોર્ડ ઉપર લખવામાં આવે. જેને લઈને દેશભરમાં વિવાદ ઉભો થયો હતો. ઘણા વિધર્મીઓ પોતાની દુકાનનું નામ એવી રીતે રાખે છે કે અન્ય ધર્મના લોકો ખાસ કરીને હિન્દુઓ તેમની દુકાને ખાણીપીણી માટે જતા હોય છે. જેઓ અજાણતા જ માત્ર દુકાનનું બોર્ડ જોઈને ત્યાં પહોંચી જાય છે. એમને એવું લાગે છે કે, આ હિન્દુઓની જ હોટલ કે લારી છે. પરંતુ હકિકત કઈ અલગ જ હોય છે.