રિપોર્ટ@ગુજરાત: વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે છેલ્લે છેલ્લે બાજી મારીને કોંગ્રેસનો ગઢ છીનવ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે છેલ્લે છેલ્લે બાજી મારીને કોંગ્રેસનો ગઢ છીનવ્યો. ચૂંટણીનું પરિણામ જાહેર થયું. બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ આવી ગયું છે. કોંગ્રેસના ગુલાબસિંહને હરાવીને ભાજપના સ્વરૂપજી ઠાકોરે 2500થી વધુ મતથી જીત મેળવી છે. જોકે વાવના ઇતિહાસમાં પ્રથમવાર કોઇ ઉમેદવારે આટલી ઓછી લીડથી જીત મેળવી છે. બીજી તરફ ગુલાબસિંહની હારે બનાસકાંઠા જિલ્લામાં યોજાયેલી છેલ્લી ચાર પેટાચૂંટણીનો રાજકીય ઇતિહાસ યથાવત્ રાખ્યો છે. બનાસકાંઠામાં છેલ્લી ચાર પેટાચૂંટણીમાં લોકસભા સીટ જીતનાર પક્ષે વિધાનસભા ગુમાવી છે. આ વખતે કોંગ્રેસે લોકસભા તો જીતી, પરંતુ ખાલી થયેલી વાવ વિધાનસભા બેઠક ગુમાવી છે.
વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં આ વખતે ભાજપે છેલ્લે છેલ્લે બાજી મારીને કોંગ્રેસનો ગઢ છીનવી લીધો છે, જેનાં બે કારણ છે, પહેલું કારણ એ છે કે કોંગ્રેસમાં ટિકિટના દાવેદારોને અને ઠાકોર સમાજને ટિકિટ ન મળતાં પક્ષમાં આંતરિક વિખવાદ સ્પષ્ટ દેખાયો હતો. જ્યારે બીજું કારણ છે કે વર્ષ 2019, 2014 અને 2009માં યોજાયેલી છેલ્લી ત્રણ પેટાચૂંટણીનાં પરિણામોનો ઇતિહાસ જોઇએ તો જે પક્ષનો સાંસદ બને છે એ વિસ્તારની વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનાં પરિણામ વિપરીત આવ્યા હતા, જેમ કે આ વખતે 2024ની લોકસભાની ચૂંટણીમાં વાવના કૉંગ્રેસનાં ધારાસભ્ય ગેનીબેન લોકસભા જીત્યાં, પરંતુ ખાલી થયેલી વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસને આ બેઠક ગુમાવવી પડી છે. એ જ રીતે 2019ની લોકસભાની ચૂંટણીમાં થરાદના ભાજપના ધારાસભ્ય પરબત પટેલ લોકસભા જીત્યા હતા, ત્યારે થરાદ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે આ બેઠક ગુમાવી હતી. તો વર્ષ 2014માં ડીસાના ભાજપના ધારાસભ્ય લીલાધર વાઘેલા પાટણના સાંસદ બનતાં ડીસા વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે આ બેઠક ગુમાવી હતી. જ્યારે વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય સ્વ મુકેશ ગઢવી લોકસભા જીત્યા હતા, ત્યારે દાંતા વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસે આ બેઠક ગુમાવી હતી.
વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે રેખાબેન ચૌધરીને ટિકિટ આપી હતી, જ્યારે કોંગ્રેસે વાવનાં સિટિંગ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને મેદાને ઉતાર્યાં હતાં. આ ચૂંટણીમાં ભાજપના રેખાબેન ચૌધરીની કોંગ્રેસનાં ગેનીબેન ઠાકોર સામે હાર થઇ હતી, જેને લઇને વાવ વિધાનસભા ખાલી થઇ હતી, જ્યાં ફરીથી 13 નવેમ્બર 2024ના રોજ પેટાચૂંટણી યોજાઇ હતી.
વાવ વિધાનસભાની આ વખતની પેટચૂંટણીમાં ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી હતી, જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાને ઉતાર્યા હતા. આ વખતની વાવ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના બંને ઉમેદવાર વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં હારેલા હતા. આ ચૂંટણીમાં ભાજપના સ્વરૂપજી ઠાકોર સામે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને હારનો સામનો કરવો પડ્યો છે. આમ, 2024માં લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક કબજે કરનાર કોંગ્રેસેને વાવ વિધાનસભા બેઠક ગુમાવવી પડી છે.