રિપોર્ટ@વડોદરા: મ્યુનિસિપલ કમિશનર ઓફિસમાં ઉગ્ર બોલાચાલીથી વાતાવરણ ગરમાયું

આ ઘટનાએ કોર્પોરેશનમાં ચકચાર જગાવી મુકી હતી.
 
રિપોર્ટ@વડોદરા: મ્યુનિસિપલ કમિશનર ઓફિસમાં ઉગ્ર બોલાચાલીથી વાતાવરણ ગરમાયું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર વિરોધની કેટલીક ઘટનાઓ જોવા મળતી હોય છે. વડોદરા મહાનગર સેવાસદનના મ્યુનિસિપલ કમિશનર અને કર્મચારી આગેવાન વચ્ચે આજે ઉગ્ર ચાલી થઈ હતી. મ્યુનિસિપલ કમિશનર ઓફિસમાં ઉગ્ર બોલાચાલીથી વાતાવરણ ગરમાયું. કર્મચારી આગેવાન કર્મચારીઓના પ્રશ્નોને લઈને રજૂઆત કરવા માટે ગયા હતા. તે દરમિયાન આ ઘટના બની હતી. આ ઘટનામાં કર્મચારી આગેવાન પોતાની મર્યાદા ભૂલી જતા કમિશનર પોતાનો આક્રોશ રોકી શક્યા ન હતા. પરિણામે મામલો ઉગ્ર બની ગયો હતો. આ ઘટનાએ કોર્પોરેશનમાં ચકચાર જગાવી મુકી હતી.


મળેલી માહિતી પ્રમાણે વડોદરા કોર્પોરેશનના વ્હીકલ પુલમાં કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈને કર્મચારી આગેવાન અશ્વિન સોલંકી કર્મચારીઓને લઈને મ્યુનિસિપલ કમિશનરને મળવા માટે ગયા હતા. મ્યુનિસિપલ કમિશનરે દિવાળી સુધીમાં પ્રશ્ન હલ કરવાનું જણાવતા કર્મચારી આગેવાન એકાએક રોષે ભરાયા હતા અને મ્યુનિસિપલ કમિશનર સાથે ઉંચા અવાજે બોલવાનું શરૂ કર્યું હતું.


મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાથી કર્મચારી આગેવાનનુ વર્તન સહન ન થતા તેઓ પોતાનો આક્રોશ કાબુમાં રાખી શક્યા ન હતા અને કર્મચારી આગેવાન સાથે સામાન્ય વ્યક્તિની જેમ ચર્ચામાં ઉતરી પડ્યા હતા. જોતજોતામાં બંને વચ્ચે થયેલી ઉગ્ર ચર્ચાને પગલે કમિશનરની ચેમ્બરમાં સન્નાટો છવાઈ ગયો હતો.


મળેલી માહિતી પ્રમાણે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને કર્મચારી આગેવાન વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી સમયે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રી, સ્થાયી સમિતિના સભ્યો બંદીશ શાહ, હેમિષા ઠક્કર સહિતના પદાધિકારીઓ પણ ઉપસ્થિત હતા. મામલો ઉગ્ર બનતા સ્થાયી સમિતિના સભ્યો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. જોકે, સ્થાયી અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રી, સભ્ય બંદીશ શાહે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.