રિપોર્ટ@અમદાવાદ: બેવડી ઋતુનાં કારણે સ્વાઇનફ્લુ અને વાઇરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં બેવડી ઋતુના કારણે રોગચાળો ફાટી નિકળ્યો છે. બેવડી ઋતુનાં કારણે સ્વાઇનફ્લુ અને વાઇરલ ઇન્ફેક્શનના કેસમાં ધરખમ વધારો. અમદાવાદ શહેરમાં ગત સપ્તાહ દરમિયાન બેવડી ઋતુનો અનુભવ થયો હતો. જેમાં સપ્તાહની શરૂઆતના દિવસોમાં તાપમાનનો પારો ઊંચો ગયો હતો. બાદમાં એકાએક વરસાદ વરસતા અચાનક તાપમાનમાં 6 થી 7 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો હતો. જેને કારણે રોગચાળો વકર્યો છે. ખાસ કરીને સ્વાઇનફ્લુ અને વાઇરલ ઇન્ફેક્શનના કેસમાં ધરખમ વધારો થયો છે. આ ઉપરાંત ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરજન્ય રોગમાં પણ સતત વધારો થતો રહે છે અને ગત સપ્તાહ દરમિયાન પણ આ સ્થિતિનું નિર્માણ થયું હતું. જ્યાં મચ્છર અને રોગમાં અને ચિકનગુનિયાના કેસમાં વધારો નોંધાયો હતો.
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ગત સપ્તાહ દરમિયાન સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો નોંધાયો છે. એક સપ્તાહ દરમિયાન 64 દર્દીઓના લક્ષણ સાથે હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યા હતા. જેમાંથી 15 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત ગત સપ્તાહમાં બેવડી ઋતુના અનુભવને કારણે પણ અમદાવાદ શહેરમાં વાઇરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થયો હતો. જેને કારણે હોસ્પિટલમાં એક સપ્તાહ દરમિયાન વાઇરલ ઇન્ફેક્શનના 1,861 કેસ નોંધાયા હતા. હાલમાં જે ઋતુ ચાલી રહી છે તેને કારણે કમળો અને ટાઈફોડ જેવા રોગનો રાફડો ફાટ્યો છે. જે અંતર્ગત સપ્તાહ દરમિયાન વાઇરલ હિપેટાઇટિસના 11 અને ટાઈફોડના 7 કેસ નોંધાયા હતા. ઉપરાંત વરસાદ વરસતા ઝાડા-ઊલટીના 15 દર્દીએ હોસ્પિટલ ખાતે સારવાર લીધી હતી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાંથી ચોમાસાએ હજુ વિદાય લીધી નથી. પરંતુ અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ વરસી રહ્યો નથી. પરંતુ ગત સપ્તાહના અંતમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ વરસ્યો હતો. જેને કારણે મચ્છરોની ઉત્પત્તિમાં પણ વધારો થયો છે. આથી અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો છે. તેવામાં ગત સપ્તાહ દરમિયાન સોલા સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 429 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 77 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત મેલેરિયાના 747માંથી 11 રિપોર્ટ પોઝિટિવ અને ચિકનગુનિયાના 63માંથી 11 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.