રિપોર્ટ@નવસારી: અકસ્માતમાં ઘાયલ થયેલા દીપડાએ રહેણાક વિસ્તારમાં ઘૂસી આતંક મચાવ્યો

વનવિભાગની ટીમે આખી દોડધામ કરી હતી પરંતુ, ઘાયલ દીપડાનું રેસ્ક્યૂ કરવામાં નિષ્ફળતા મળી હતી.
 
રિપોર્ટ@નવસારી: અકસ્માતમાં ઘાયલ થયેલા દીપડાએ રહેણાક વિસ્તારમાં ઘૂસી આતંક મચાવ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં પશુઓના હુમલાની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે.  નવસારીના બારડોલી રોડ પર આવેલા નસીલપોર ગામ પાસે બે દિવસ પહેલાં અકસ્માતમાં ઘાયલ થયેલા દીપડાએ રહેણાક વિસ્તારમાં ઘૂસી આતંક મચાવ્યો હતો. જે તે સમયે વનવિભાગની ટીમે આખી રાત દોડધામ કરી હતી પરંતુ, ઘાયલ દીપડાનું રેસ્ક્યૂ કરવામાં નિષ્ફળતા મળી હતી. બે દિવસ પહેલાં બનેલી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જે સીસીટીવી હાલ સામે આવ્યા છે. જેમાં એક ઘર નજીક દીપડો પાંચથી છ લોકોની પાછળ કૂતરાની માફક દોડી હુમલાનો પ્રયાસ કરતો જોવા મળી રહ્યો છે. દીપડાના આતંકના આ સીસીટીવી વાઈરલ થતા આ વિસ્તારના સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.

નવસારીના બારડોલી રોડ પર નસીલપોર ગામ પાસે બે દિવસ પહેલાં રાત્રિના સમયે રસ્તો ક્રોસ કરતા સમયે દીપડો કોઈ વાહન સાથે અથડાતા ઘાયલ થયો હતો. ઘાયલ થયેલા દીપડાને જોવા કેટલાક લોકો પણ રસ્તા પર એકત્ર થયા હતા અને વીડિયો બનાવતા હતા. તો બીજી તરફ ઘાયલ થયેલો દીપડો વધુ ઘાતક બન્યો હતો અને રહેણાક વિ્સ્તારમાં ઘૂસી આવ્યો હતો.

ગામમાં જ રહેતા જીનલબહેન પટેલે જણાવ્યું હતું કે, હું હોસ્પિટલથી ઘરે આવી રહી હતી ત્યારે હું રસ્તામાં ઊભી રહી હતી. મેં ફોન કર્યો તો ત્યારે ઘર આસપાસ ન હતો. જેથી મેં ઘરે જવાનો પ્રયાસ કર્યો તો મારા પર અચાનક હુમલો કર્યો. પરંતુ, નજીકમાં રહેતા લોકોએ મને પોતાના ઘરમાં ખેંચી લીધી હતી. હુમલા સમયે હું પડી જતા મારા પગમાં ફ્રેકચર થયું છે.

ઘાયલ થયેલો દીપડો રસ્તા પર હતો ત્યારે જ લોકો ત્યાં નજીકમાં જોવા માટે ઊભા હતા. પરંતુ, અચાનક જ દીપડાએ સ્વસ્થતા કેળવી લોકોની પાછળ દોટ મૂકતા લોકો જીવ બચાવવા ભાગ્યા હતા. દીપડાથી જીવ બચાવવા ભાગી રહેલા લોકો ઘરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયા હતા. લોકો પર રોકેટગતિએ હુમલાનો પ્રયાસ કરનાર દીપડો મોપેડ સાથે અથડાયા બાદ ત્યાંથી નાસી જતા સદનસીબે જાનહાનિ ટળી હતી.

નસીલપોર વિસ્તારમાં દીપડાના હુમલાની ઘટનાની જાણ થતા વનવિભાગની ટીમ રાતના સમયે જ ગામમાં પહોંચી હતી અને ઘાયલ થયેલા દીપડાનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. વનવિભાગની ટીમે દીપડાને પાંજરે પૂરવા માટે ટ્રાન્ક્વિલાઈઝર ગન સહિત તમામ તૈયારીઓ સાથે પહોંચી હતી. પરંતુ, ચાલાક દીપડો ઘાયલ હોવા છતાં હાથ લાગ્યો ન હતો અને શેરડીનાં ખેતરમાં નાસી છૂટ્યો હતો.