રિપોર્ટ@ગુજરાત: ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે આચારસંહિતા ભંગની 2 ફરિયાદમાં તપાસ કરાઈ

 કમિશનરને કલેક્ટરે રિપોર્ટ મોકલ્યો

 
 રિપોર્ટ@ગુજરાત: ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે આચારસંહિતા ભંગની 2 ફરિયાદમાં તપાસ કરાઈ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચૂંટણી નજીકમાં છે . રાજ્યમાં કેટલીક જગ્યાએ વિવાદ જોવા મળી રહ્યો છે.  રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે આચારસંહિતા ભંગની 2 ફરિયાદમાં તપાસ પૂર્ણ થઈ જતાં તેનો રિપોર્ટ ગઇકાલે જ કલેક્ટરને સોંપી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ આજે કલેક્ટર દ્વારા તપાસ રિપોર્ટ રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરને મોકલી દેવામાં આવ્યો છે. હવે આ મુદ્દે રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા કયા પ્રકારના પગલાં ભરવામાં આવશે તે ટૂંક સમયમાં સામે આવશે.


આજે કલેક્ટર પ્રભવ જોષીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ક્ષત્રિય સમાજ અંગેના રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ કરેલું નિવેદન, ઉપરાંત શહેરના કાલાવડ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિરમાં યોજાયેલી ભાજપની તાલીમ અંગે થયેલી ફરિયાદ બાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેનો રિપોર્ટ મળ્યા બાદ આ રિપોર્ટ રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરને સોંપી દેવામાં આવ્યો છે. રાજ્યના મુખ્‍ય ચૂંટણી અધીકારી પી. ભારતીને તપાસ અહેવાલ મોકલી દેવામાં આવ્યો છે. રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા કયા પ્રકારના પગલાં લેવામાં આવે છે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે.


તાજેતરમાં રાજકોટના પરસાણાનગરમાં ક્ષત્રિયો અંગે કરેલા નિવેદનનો વીડિયો વાઈરલ થતાં ચોતરફ ઘેરા પડઘા પડ્યા છે. તેમના નિવેદન બાદ વિવાદ થતા ગોંડલમાં જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં મળેલા સંમેલનમાં રૂપાલાએ માફી પણ માંગી હતી પરંતુ તેમ છતાં તેમાં સમાધાન ન થતાં કરણી સેના તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવા માટેની માગણી કરવામાં આવી રહી છે.


પુરુષોત્તમ રૂપાલાના નિવેદનનો વીડિયો વાઈરલ થયા બાદ રૂપાલા સામે ચૂંટણી પંચ દ્વારા તપાસ માટેનો આદેશ આપવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ કલેક્ટર દ્વારા પ્રાંત અધિકારી તેમજ નોડલ ઓફિસરને તપાસ સોંપવામાં આવી હતી. આ ઉપરાંત કાલાવડ રોડ ઉપરના સ્વામિનારાયણ મંદિરમાં ભાજપના લોકસભાના ઉમેદવાર રૂપાલાની તરફેણમાં સભા યોજાઈ હતી. જે મુદ્દે પણ કોંગ્રેસની ફરિયાદ બાદ વહીવટી તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેનો રિપોર્ટ પણ કલેક્ટર દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનરને સોંપી દેવામાં આવ્યો છે.


પરસોતમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન પર નજર કરીએ તો વાલ્મિકી સમાજનાં એક જાહેર કાર્યક્રમમાં ગત તા. 23 માર્ચના જાહેર કાર્યક્રમમાં કહ્યું હતું કે, ભારત દેશમાં જયારે અંગ્રેજો હતા, ત્યારે તેમણે દમન ગુજારેલું હતું અને મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા હતા, પરંતુ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો કે ન તો વ્યવહાર કર્યા. 1000 વર્ષ પછી રામ પણ તેના કારણે આવ્યા છે. તેઓ તલવારો આગળ પણ ન્હોતા ઝૂક્યા. ન તો એ ભયથી તૂટ્યા કે ન તો ભૂખથી તૂટ્યા. અડીખમ રહ્યા એ સનાતન ધર્મના આ વારસદારો છે જેનું મને ગૌરવ છે. જોકે રૂપાલાના આ નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો.


પરષોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજની માફી માંગતો વીડિયો જાહેર કર્યો. બાદમાં ગોંડલમાં જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં મળેલા ક્ષત્રિય સમાજના સંમેલનમાં રૂપાલાએ જાહેરમાં બે હાથ જોડી માફી માગી હતી, પરંતુ તે બાદ પણ હજુ વિરોધ યથાવત છે.


રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની તરફેણમાં શહેરના કાલાવડ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિરમાં ભાજપ દ્વારા તાલીમ સભા યોજાઈ હતી. જે અંગે કોંગ્રેસ દ્વારા સી-વિજીલન્સમાં ફરિયાદ કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ મંદિર ધાર્મિક સ્થળ છે, ત્યાં સભા કે તાલીમ યોજી શકાય નહીં. જે અંગે કોઈ મંજૂરી લેવામાં આવી નથી. જેથી આ બાબતની તપાસ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પ્રાંત અધિકારી નિશા ચૌધરીને સોંપવામાં આવી હતી. જે અંગેનો રિપોર્ટ પણ ગઈકાલે જ કલેક્ટરને સોંપી દેવામાં આવ્યો હતો.