રીપોર્ટ@જામનગર: ચવાણામાં ગરોળી નીકળતા હોબાળો, ફૂડશાખાએ દુકાન બંધ કરાવી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જામનગર શહેરમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અંગે વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના જાણીતા સુરેશ ફરસાણના ચવાણાના પેકેટમાંથી ગરોળી નીકળતા ગ્રાહકોમાં ભારે રોષ ફેલાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, એક ગ્રાહકે સુરેશ ફરસાણમાંથી ચવાણાનું પેકેટ ખરીદ્યું હતું. અડધું પેકેટ ખાધા બાદ અંદર ગરોળી જોવા મળતા ગ્રાહકને આઘાત લાગ્યો હતો. ગ્રાહકે તાત્કાલિક મહાનગરપાલિકાની ફૂડ શાખાનો સંપર્ક કર્યો હતો.
ફરિયાદ મળતા જ ફૂડ શાખાની ટીમે દુકાન ખાતે દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન સ્વચ્છતા અને ખાદ્યપદાર્થોના સંગ્રહમાં ગંભીર બેદરકારી જોવા મળી હતી. જેના કારણે તંત્ર દ્વારા દુકાન સંચાલકને *તાત્કાલિક અસરથી દુકાન 3 દિવસ સુધી બંધ રાખવાની નોટિસ* આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા *13 ઓક્ટોબરે પણ દુકાનને રૂ. 5,000 નો દંડ* ફટકારવામાં આવ્યો હતો. છતાં સ્થિતિમાં સુધારો ન થયો હોવાનું સામે આવ્યું છે.હાલ ફૂડ શાખા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

