રીપોર્ટ@જામનગર: શંકાસ્પદ ચોકલેટનો મોટો જથ્થો ઝડપાતા ચકચાર મચી, જાણો વિગતે

નશાખોરો એક પછી એક કિમિયા અપનાવી રહ્યા
 
 Report Jamnagar created a stir with the seizure of a large quantity of suspicious chocolates, know the details

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નશાખોરો એક પછી એક કિમિયા અપનાવી રહ્યા છે. હાલ જામનગરમાં શંકાસ્પદ ચોકલેટનો મોટો જથ્થો ઝડપાતા ચકચાર મચી છે. જામનગર SOGની ટીમે દિગ્વિજય પ્લોટમાં દરોડા પાડ્યા અને આ સમગ્ર મુદામાલ ઝડપી પાડ્યો. આ દરમિયાન પાન-મસાલાની બે દુકાનોમાંથી અંદાજે 21 હજાર નંગ શંકાસ્પદ નશાકારક ચોકલેટ ઝડપાઇ. જેની કિંમત 35 હજાર રૂપિયા જેટલી છે. પોલીસે વિવિધ ચોકલેટના સેમ્પલ લઇ તેને ચકાસણી માટે FSLમાં મોકલ્યા છે.

સૌથી મહત્વની વાત એ છે કે ભાંગ અને ગાંજાની આ ચોકલેટમાં વાસ નથી આવતી એટલે નશાખોર ઝડપાતા નથી. જેના કારણે આ પ્રકારની નશીલી ગોળીઓ અને ચોકલેટ વધુને વધુ લોકપ્રિય બની રહી છે. જામનગર શહેરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી શ્રમિક વિસ્તારોમાં સરાજાહેર શંકાસ્પદ નશાકારક ચોકલેટ વેચાઇ રહી છે. ત્યારે યુવાધનને ખોખલું કરતી આ નશાકારક વસ્તુઓ વેચતા ધંધાર્થીઓ પર કાર્યવાહી કરવા અને વેચાણ બંધ કરાવવા લોકોની માગ ઉઠી છે.

જામનગર SOGની ટીમ દ્રારા દિગ્વિજય પ્લોટ 58માં આવેલી ઉમંગ પાન એન્ડ કોલ્ડ્રીંક અને પાયલ પાન નામની દુકાનો માંથી શંકાસ્પદ ચોકલેટનો જથ્થો પકડી પાડ્યો. ગાંધીનગર FSLની લેબમાં જપ્ત કરાયેલ શંકાસ્પદ ચોકલેટના નમુના મોકલવામાં આવ્યા છે. જેનો રીપોર્ટ આવ્યા બાદ પોલીસ કાર્યવાહી કરશે. જપ્ત કરાયેલ ચોકલેટનુ ઉત્પાદન ઉત્તરપ્રદેશમાં થતુ હોવાનુ ખુલ્યુ છે. અને હાલ જાહેરમાં પાનની દુકાનમાં ચોકલેટનુ વેચાણ થાય છે. જેનો જથ્થાબંધનો ભાવ 2.50 રૂપિયા અને છુટક 5 રૂપિયામાં વેચાણ થતુ હતુ.

હાલ પોલીસે જથ્થો જપ્ત કરીને કાર્યવાહી શરૂ કરી છે. રીપોર્ટ આવ્યા બાદ રીપોર્ટના આધારે પગલા લેવાશે. તપાસમાં ચોકલેટમાં કોઈ પણ પ્રતિબંધિત નશીલા દ્રવ્યનુ પ્રમાણ હોવાનુ ખુલશે તો કડક પગલા લેવાશે. જો રીપોર્ટમાં આવા કોઈ નશીલા દ્રવ્યનુ મિશ્રણ ના હોય તો આ મુદે કોઈ કાર્યવાહી નહી થઈ શકે.