રિપોર્ટ@જામનગર: 'રૂપાલા હાય હાય' અને ટિકિટ રદ કરોના સૂત્રો શરૂ થતાં જ પોલીસે અટકાયત કરી

એક જ માંગ 'રૂપાલાની ટિકિટ રદ કરો'
 
રિપોર્ટ@જામનગર: 'રૂપાલા હાય હાય' અને ટિકિટ રદ કરોના સૂત્રો શરૂ થતાં જ પોલીસે અટકાયત કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં હાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે. ઉમેદવાઓ જોરોથી પ્રચાર કરી રહ્યા છે. હવે ચૂંટણીના થોડાજ દિવસો બાકી રહ્યા છે. ભાજપના ઉમેદવાર રૂપાલાએ કરેલી ટિપ્પણી મુદ્દે ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે જામનગરમાં પણ સતત બે દિવસથી ભાજપના કાર્યક્રમમાં ક્ષત્રિયાણીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. નિલકમલ સોસાયટી વિસ્તારમાં ભાજપ દ્વારા મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્ષત્રિયાણીઓ પહોંચી ગઈ હતી અને રૂપાલાની ટિકિટ રદ કરોની માંગ સાથે 'રૂપાલા હાય હાય'ના નારા લગાવતા દોડધામ મચી ગઈ હતી. આ સમયે હાજર રહેલા મહિલા પોલીસ દ્વારા ક્ષત્રિયાણીઓને દૂર કરવાના પ્રયત્ન કરતાં પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આખરે કેટલીક મહિલાઓની અટકાયત કરાતાં મામલો શાંત પડ્યો હતો.


જામનગરના નીલકમલ સોસાયટી વિસ્તારમાં બે દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા મોદીનો પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જયાં સ્થાનિક ક્ષત્રિય મહિલાઓએ રૂપાલા હાય હાયના નારા લગાવી, કાર્યક્રમમાં વિક્ષેપ ઉભો કર્યો હતો, જેનું પુનરાવર્તન ગઈકાલે રાત્રે વુલનમિલની ચાલી વિસ્તારમાં જોવા મળ્યું હતું. જ્યાં ભાજપ આયોજિત મોદી પરિવાર સભામાં કાર્યક્રમનો પ્રારંભ થતાંની સાથે જ સ્થાનિક વિસ્તારમાં વસવાટ કરતી ક્ષત્રિયાણીઓ પહોંચી ગઈ હતી, અને કેટલીક ખુરશી ઉપર કબજો જમાવી બેસવાનો પ્રયત્ન કર્યો હતો. તેમજ રૂપાલા હાય હાય અને ટિકિટ રદ કરોના સૂત્રો પોકારવાનું શરૂ કર્યું હતું.


આ વેળાએ મહિલા પોલીસ સહિતનો બંદોબસ્ત ગોઠવાયો હતો, અને મહિલા પોલીસની મોટી ટીમ હાજર હતી. જેમણે ક્ષત્રિય મહિલાઓને ત્યાંથી દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમયે ક્ષત્રિય મહિલાઓ અને મહિલા પોલીસ વચ્ચે જોરદાર ઘર્ષણ થયું હતું. જે બાદ આ ઘર્ષણ ઉગ્ર બન્યું હતું. કેટલીક ખેંચતાણ પણ જોવા મળી હતી. આખરે અમુક મહિલાઓની અટકાયત કરી લઈ પોલીસ જીપમાં બેસાડીને લઈ જવાયા હતા. અન્ય ક્ષત્રિય મહિલાઓ એક પછી એક ત્યાંથી ધીમેધીમે નીકળી ગઈ હતી, અને મામલો થાળે પડ્યો હતો.


આ સમયે પણ સ્થાનિક ભાજપના હોદેદારો કાર્યકરો તેમજ મંચ પર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ભારે અસમંજસમાં મુકાયા હતા. ભાજપને પ્રચાર કરવો કે સભા યોજવામાં રીતસરનો વિક્ષેપ જોવા મળી રહ્યો છે. જામનગર શહેરમાં ક્ષત્રીયાણીઓના દેખાવને લઈને ખાસ કરીને મહિલા પોલીસને ભારે કવાયત કરવી પડી રહી છે.


ઉલ્લેખનીય છે કે, જામનગરના વોર્ડ નંબર 5માં બે દિવસ પહેલા યોજાયેલા ભાજપના એક કાર્યક્રમાં ક્ષત્રિય મહિલાઓ પહોંચી રૂપાલા હાય હાયના નારાઓ લગાવી વિરોધ નોંધાવ્યો હતો. ઉપસ્થિત પોલીસ જવાનોએ સૂત્રોચ્ચાર કરી રહેલી મહિલાઓને કાર્યક્રમ સ્થળ પરથી દૂર કરી હતી. ક્ષત્રિયાણીઓએ હોબાળો મચાવતાં ભારે હલચલ થઈ ગઈ હતી. સ્ટેજ પર બેઠેલાં ભાજપના પૂર્વ મંત્રી, પૂર્વ મેયર સહિતના હોદ્દેદારો અસમંજસમાં મુકાયા હતા.


વાતાવરણ તંગ બનતા પોલીસ ટુકડીએ સમય સૂચકતા વાપરી તમામ રાજપૂત બહેનોને ત્યાંથી દૂર કર્યા હતા. જેથી મામલો શાંત થયો હતો. જામનગરના નીલકમલ સોસાયટી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મોદીનો પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદી, પૂર્વ મેંયર અમીબેન પરીખ, પૂર્વ મેયર બીનાબેન કોઠારી, પૂર્વ શહેર પ્રમુખ હસમુખ હિંડોચા,શાસક જૂથના નેતા આશિષ જોશી, ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક હોદેદારો શહેર મહામંત્રી વગેરે સ્ટેજ પર બેઠા હતા અને કેટલાક ભાજપના સમર્થકોની હાજરીમાં કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. તેની થોડી ક્ષણોમાં જ કેટલાક સ્થાનિક ક્ષત્રિય મહિલાઓ પોતાના બાળકો વગેરે સાથે મંચ પર ધસી આવ્યાં હતા અને રૂપાલા હાયના નારા લગાવ્યા હતા. રૂપાલાની ટિકિટ રદ કરો જેવી માંગણી કરી કાર્યક્રમમાં ખલેલ પહોંચાડી હતી. જ્યારે સ્ટેજ પર પાછળના ભાગમાં ખાલી રહેલી બે- ત્રણ ખુરશીઓ પણ ઉચકીને ફેંકી હતી.