રિપોર્ટ@સુરત: કારખાના પરથી પરત ઘરે જઈ રહેલા રત્નકલાકારની હત્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હીરાના કારખાના પરથી પરત ઘરે જઈ રહેલા 40 વર્ષીય સુરેશ ચિત્રોડા નામના રત્નકલાકારને બાઈક પર આવેલા બે શખસ ચપ્પુના ઘા મારી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં સુરેશને ગંભીર ઈજા પહોંચતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. યુવકની હત્યા કોણે અને શા માટે કરી એ પોલીસ તપાસ બાદ સામે આવી શકે છે.
મળતી માહિતી પ્રમાણે, મૂળ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના 40 વર્ષીય સુરેશભાઈ પ્રેમજીભાઈ ચિત્રોડા સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પત્ની અને બે દીકરા છે. એક દસ વર્ષનો દીકરો છે અને એક આઠ વર્ષનો દીકરો છે. સુરેશભાઈ કાપોદ્રા વિસ્તારમાં આવેલા સ્નેહમુદ્રા ખાતે એક હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
છેલ્લાં ઘણાં વર્ષોથી સુરેશભાઈ રત્નકલાકાર તરીકે કામ કરી રહ્યા હતા. સવારે ટિફિન લઈને કામ પર જતા અને રાત્રે કામ પરથી પરત ઘરે આવતા હતા. તેમનાં માતા-પિતાનાં નાનપણમાં જ અવસાન થઈ ચૂક્યાં હતાં, જેથી પરિવારમાં પણ સર્વેસર્વા સુરેશભાઈ જ હતા. ગતરોજ સવારે સુરેશભાઈ ટિફિન લઈને કામ પર ગયા હતા. દિવાળી વેકેશન પડવાનું હોવાથી ગત રાત્રે તેમને ઘરે પહોંચતાં મોડું થયું હતું.
સુરેશભાઈ બાઈક પર ટિફિન લટકાવીને ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન કાપોદ્રાના હિંમતનગર ખાતેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક પર આવેલા બે શખસે તેમને રોક્યા હતા. દરમિયાન જાહેરમાં રોડ પર લોકોની અવરજવર વચ્ચે સુરેશભાઈને બે ઈસમો પૈકી એકે ચપ્પુના બે જેટલા ઘા મારી દીધા હતા, જેથી સુરેશભાઈ 10 ફૂટ દૂર જઈને ઢળી પડ્યા હતા. આ સાથે બંને ઈસમો ફરાર થઈ ગયા હતા.
સુરેશભાઈને બે જેટલા ચપ્પુના ઘા વાગવાને કારણે લોહી વહી જવાથી થોડી મિનિટોમાં જ મોત નીપજ્યું હતું. જાહેર રોડ પર આ રીતની હત્યા થવાના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને ઘટના અંગેની જાણ થતાં કાપોદ્રા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતાં કાપોદ્રા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ. બી. અસુરા, ડીસીપી આલોકકુમાર, ડીસીપી રાઘવ જૈન અને બે એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
સુરેશભાઈ અંગે તેના સંબંધીઓએ ઓળખ કરી હતી. ત્યાર બાદ મૃતદેહને પોસ્ટમોટમ અર્થે સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સુરેશભાઈનાં પરિવારજનોને તેમના મોત અંગે રાત્રે જાણ કરવામાં આવી ન હતી. સુરેશભાઈનાં પત્ની દ્વારા જ્યારે પૂછવામાં આવ્યું તો તેમને જણાવ્યું હતું કે સુરેશભાઈને થોડું વાગ્યું છે, જેથી તેમને હોસ્પિટલ લઈ ગયા છે. ટેન્શનની કોઈ વાત નથી. હાલ સવારે તેમનાં પરિવારજનોને સુરેશભાઈના મોત અંગે જાણ કરવામાં આવી છે.
સુરેશભાઈના મોતના પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું છે. બે દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે અને સમગ્ર પરિવારે તેમનો આધારસ્તંભ ગુમાવતાં શોક છવાઈ ગયો છે. પરિવારમાં કમાનાર કહો કે આધાર કહો તો એ સુરેશભાઈ હતા. હાલ તો આ મામલે કાપોદ્રા પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી છે. આ સાથે જ એફએસએલ દ્વારા પણ નમૂના લેવામાં આવ્યા છે. આસપાસના સીસીટીવીની પણ તપાસ ચાલી રહી છે.