રિપોર્ટ@પાંથાવાડા: ગામના અનેક યુવાનો સાથે નોકરીનો અકસ્માત, માર્કેટયાર્ડના સત્તાધીશો વિરુદ્ધ કાર્યવાહી ક્યારે?

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
પાંથાવાડા માર્કેટયાર્ડમાં છેલ્લા કેટલાક સમયથી એકહથ્થુ વહીવટીનો સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. આ ઘટસ્ફોટમાં ગામના અનેક યુવાનો સાથે રોજગારી એટલે કે નોકરીનો ચોંકાવનારો અકસ્માત છે. ગંજબજારના સત્તાધીશોએ અગાઉ કરેલી ભરતીમાં નિયમોને નેવે મૂક્યા હોવાનું પકડાયું છે ત્યારે અત્યાર સુધી તન મન ધનથી નોકરી કરતાં યુવાનોનું ભવિષ્ય ચિંતાજનક બન્યું છે. હવે આ ઘટના સર્જવાના મૂળિયાં જોઈએ તો કોઈને કોઈ ઈરાદાથી ગંજબજારના સત્તાધીશો સામે ગંભીર સવાલો ઉભા થયા છે. આટલું જ નહિ, જો નોકરીમાં લાગેલા યુવાનોને છૂટાં થવું પડે તો ગેરકાયદેસર રીતે નોકરી આપનાર ગંજના સત્તાધીશો વિરુદ્ધ કાર્યવાહી કોણ કરશે? માર્કેટયાર્ડના તત્કાલીન ચેરમેન સહિતના કેમ સરકારના અને સહકારના નિયમો ઘોળીને પી ગયા ? ગંજબજારમાં નોકરીમાં લાગેલા યુવાનોને કદાચ સ્વપ્ને પણ કલ્પના નહિ હોય કે, માર્કેટયાર્ડના સત્તાધીશોના વાંકે ગાંધીનગરથી હુકમ થશે. જાણીએ સમગ્ર અહેવાલ...
બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા માર્કેટયાર્ડના વહીવટી સામે એક નહિ અનેક સવાલો છે અને તેના અહેવાલો પણ વારંવાર આવી ચૂક્યા છતાં તપાસનો હુકમ થતો નથી. જોકે કેટલાક દિવસો પહેલાં જે હુકમ ગાંધીનગરથી થયો તે પણ ઓછો ચોંકાવનારો નથી. કેટલાક વર્ષો અગાઉ પાંથાવાડા માર્કેટયાર્ડના ચેરમેન સહિતના સત્તાધીશોએ વિવિધ હોદ્દા ઉપર અનેક યુવાનોની ભરતી કરી હતી. આ ભરતીમાં સહકારી નિયમોની ઐસીતૈસી કરવામાં આવી હોવાની ફરિયાદ થતાં તપાસ થઈ હતી. જેમાં ઘટસ્ફોટ થયો કે, સદર ભરતીમાં અનેક નિયમોની અવગણના થઈ હતી, પારદર્શકતા નહોતી, જોગવાઈઓનું પાલન પણ નહોતું કર્યું, આથી સદર ભરતીને રદ્દ કરી સમાવેશ થયેલા ચારથી પાંચ યુવાનોને છૂટાં કરવા હુકમ થયો છે. જોકે અહીં સૌથી મોટો સવાલ થાય છે કે, કોણે અને કેમ ગેરકાયદેસર રીતે ભરતી કરી ? તો જવાબ છે કે, જે તે વખતના ચેરમેન, સેક્રેટરી અને સંબંધિતોએ ભરતી કરી હતી. હવે નિયમો નેવે મૂકી ભરતી કેમ કરી તો એ સવાલ જાણવાં ગાંધીનગરથી તપાસ થાય તો જવાબદારો સામે આવી શકે છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, પાંથાવાડા ગામના ચારથી પાંચ યુવાનોનું સપનું સાકાર થયા બાદ ટૂંકા ગાળામાં ચકનાચૂર કરનારા સામે કાર્યવાહી કેમ નહિ? શું નિયમો નેવે મૂકી ભરતી કરીને રોજગાર ઈચ્છુકો સાથે છેતરપિંડી કરવાનું ષડયંત્ર હતું? શું પાંથાવાડા માર્કેટયાર્ડના સત્તાધીશોને નિયમોની સમજ નહોતી કે નિયમો તોડવા જ હતા ? આ તમામ સવાલો ચારથી પાંચ યુવાનોને તકલીફ પડે તેવા હુકમ બાદ જવાબદારો સામે ઉભા થાય છે. વાત આટલી નથી, ગેરકાયદેસર રીતે ભરતી કરનારા વિરુદ્ધ કાર્યવાહી કેમ નહિ તે સવાલ પણ જાગૃત નાગરિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.