રિપોર્ટ@આણંદ: ચાલુ ટ્રેનમાં ચઢવા જતા આધેડ અચાનક નીચે પટકાયા અને મોત નીપજ્યું

પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી 
 
 રિપોર્ટ@આણંદ: ચાલુ ટ્રેનમાં ચઢવા જતા આધેડ અચાનક નીચે પટકાયા અને મોત નીપજ્યું 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં મોતના બનાવો ખુબજ વધી ગયા છે. કોઈને કોઈ રીતે લોકો મોતને ભેટી રહ્યા છે. આણંદ રેલવે સ્ટેશન પર પાણીની બોટલ લેવા ઉતરેલા આધેડ ચાલુ ટ્રેનમાં ચઢવા જતા પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસડાઈ પડ્યા હતા. જેમાં ગંભીર ઈજા થવાના કારણે તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે આણંદ રેલવે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ઈન્દોરમાં રહેતાં 56 વર્ષીય વિનોદ આનંદીલાલ શર્મા શાંતિ એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને ઇન્દોરથી અમદાવાદ આવવા માટે નીકળ્યાં હતાં. રવિવારે સવારે 7 વાગ્યાની આસપાસ ટ્રેન આણંદ આવી પહોંચી હતી. દરમિયાન, ટ્રેન પ્લેટફોર્મ ઉપર ઊભી રહી હતી એ સમયે વિનોદ શર્માને તરસ લાગતા તેઓ પાણીની બોટલ લેવા માટે પ્લેટફોર્મ પર ઉતર્યા હતાં.

જોકે, તેઓ બોટલ લઈને પરત આવે તે પહેલાં જ ટ્રેન ચાલુ થઈ ગઈ હતી અને તેની સ્પીડ પણ વધી ગઈ હતી. જેને પગલે તેઓ પાણીની બોટલ લઈને દોડીને ચાલુ ટ્રેનને ચઢવા ગયા હતા. તે દરમિયાન હાથમાંથી દરવાજાનો સળીયો છૂટી જતાં તેઓ પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચેની જગ્યામાં ફસડાઈ પડ્યા હતાં. જેમાં તેમને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઘટનાને લઈને આજુ-બાજુના મુસાફરો દોડી આવ્યાં હતાં અને તુરંત જ ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે આણંદ રેલવે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.