રિપોર્ટ@જૂનાગઢ: 6 યુવાન પગથિયાંવાળા માર્ગને બદલે શોર્ટકટ અપનાવીને સીધા ડુંગરના ઢોળાવ પર જીવના જોખમે ચઢ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગિરનાર પર્વત પર યુવાઓની જીવલેણ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં 6 યુવાન સુરક્ષિત પગથિયાંવાળા માર્ગને બદલે શોર્ટકટ અપનાવીને સીધા ડુંગરના ઢોળાવ પર જીવના જોખમે ચડતા જોવા મળ્યા. આ જોખમ કૃત્ય કરનાર કોઈનો પણ પગ લપસ્યો હોત તો મોત મળત. ઢોળાવવાળો અને લપસણો પહાડી માર્ગ અત્યંત જોખમી હોવા છતાં યુવાનોએ સોશિયલ મીડિયાની ઘેલછામાં આ સાહસ કર્યું હતું. થોડા દિવસો પહેલાં પણ આ જ પ્રકારનો શોર્ટકટ લેવાના પ્રયાસમાં એક યુવાનનું નીચે પટકાતાં મૃત્યુ થયું હોવા છતાં આ યુવાનોએ કૃત્ય કર્યું હતું.
આટલી મોટી સંખ્યામાં યુવાનો પગથિયાં સિવાયના માર્ગે કેવી રીતે પહોંચ્યા, એ અંગે વન વિભાગની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે. વીડિયો વાઇરલ થયા બાદ વન વિભાગના અધિકારી અરવિંદ ભાલિયાએ જણાવ્યું કે યુવાનો નવી સીડી મારફત ચડ્યા હોવાનું પ્રાથમિક રીતે જણાઈ રહ્યું છે અને આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.સોશિયલ મીડિયામાં યુવાનો ગિરનારના ઢોળાવવાળો રસ્તે પર્વત ચઢી રહ્યા હોવાના વીડિયોએ અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે.
ગિરનાર પર્વતની ઊંચાઈ 3,500 ફૂટથી પણ વધુ છે અને ભવનાથ તળેટીથી શરૂ થતી સીડીમાં લગભગ દસ હજાર પગથિયાં છે, જે દત્તાત્રેય શિખર સુધી પહોંચે છે. પગથિયાં સિવાયનો પહાડી માર્ગ અત્યંત ઢોળાવવાળો, લપસણો અને ઝાડ-પાંદડાંથી ભરપૂર હોવાથી અકસ્માતની સંભાવના ઘણી વધારે છે. ત્યારે આ વાઇરલ વીડિયોમાં દેખાતાં આ દૃશ્યો માત્ર સાહસ નથી, પણ જીવનું જોખમ છે. જો આમાં કોઈ આકસ્મિક ઘટના બને તો એની જવાબદારી કોની રહેશે, એ મોટો સવાલ છે.વન વિભાગ જંગલમાં ગેરકાયદે રીતે પ્રવેશ કરનારા લોકો પાસેથી દંડ વસૂલે છે અને જંગલ સંરક્ષણના દાવા કરે છે, ત્યારે આટલી મોટી સંખ્યામાં યુવાનો પર્વત પર શોર્ટકટ રસ્તે કેવી રીતે પહોંચી શક્યા? જો તેઓ કોઈ અન્ય રસ્તે ગયા હોય તો એ સ્પષ્ટપણે વન વિભાગની 'રેઢું રાજ' અને સુરક્ષા વ્યવસ્થામાં રહેલી મોટી બેદરકારી સાબિત કરે છે.
આ સમગ્ર મામલે વન વિભાગના અધિકારી અરવિંદ ભાલિયાએ જણાવ્યું હતું કે આ યુવાનો નવી સીડી મારફત વેલનાથ બાપુની જગ્યા અને ત્યાંથી ગિરનાર પર્વત પર ચડ્યા હોય એવું હાલ પ્રાથમિક જાણવા મળી રહ્યું છે. આ વાઇરલ વીડિયોને લઇ વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઇરલ થયા બાદ વહીવટી અને વન વિભાગના તંત્રમાં દોડધામ મચી ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, વીડિયો અપલોડ થયાના બે દિવસ બાદ મામલો ધ્યાનમાં આવતાં વન વિભાગે આ યુવાનો અંગે તપાસ શરૂ કરી છે. વન વિભાગ હવે એ દિશામાં તપાસ કરી રહ્યું છે કે આ યુવાનો કયા રસ્તેથી પર્વત પર ચડ્યા અને તેઓ જંગલ સંરક્ષણના નિયમોનો ભંગ કરીને જંગલ વિસ્તારમાં પ્રવેશ્યા હતા કે કેમ.

