રિપોર્ટ@જૂનાગઢ: ભજન સંધ્યામાં હોબાળો: નાગા સાધુ શિવગિરી ફરી વળ્યો! લોકોમાં ભાગદોડ

પોલીસે માંડ માંડ કાબૂ મેળવ્યો
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

જૂનાગઢમાં ભજનની સુરાવલી વચ્ચે અચાનક ભયનો માહોલ છવાઈ ગયો. ભજન સંધ્યા ચાલી રહી હતી, લોકો ભક્તિમાં તલ્લીન હતા, ત્યાં જ નાગા સાધુ શિવગિરી હાથમાં ગદા લઈને ધસી આવ્યો.ગદા હવામાં વીંઝતો શિવગિરી ભજન સંધ્યા તરફ ફરી વળ્યો. આ દ્રશ્ય જોતાં જ ત્યાં બેઠેલા શ્રદ્ધાળુઓમાં ગભરાટ ફેલાઈ ગયો. મહિલાઓ અને બાળકોને લઈને લોકો ભાગવા લાગ્યા. થોડી વાર માટે આખા વિસ્તારમાં અફરાતફરી મચી.

શું થયું હતું?

ભજન સંધ્યા શાંતિથી ચાલતી હતી, ત્યારે શિવગિરીએ અચાનક હોબાળો મચાવ્યો. ગદા લઈને આમ-તેમ ફરતા તેણે લોકોને ડરાવ્યા. કેટલાક વડીલો અને આયોજકોએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ તે કોઈનું માન્યો નહીં.

માહિતી મળતા જ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો. પોલીસે ભારે જહેમત બાદ શિવગિરીને કાબૂમાં લીધો અને સ્થળ પરથી ખસેડ્યો. ત્યારબાદ માંડ માંડ ભજન સંધ્યા ફરી શરૂ થઈ.

શિવગિરીનો જૂનો ઇતિહાસ:

આ પહેલી વખત નથી. અગાઉ પણ શિવગિરી સામે અનેક વિવાદો થઈ ચૂક્યા છે. ભવનાથ વિસ્તારમાં દબાણ હટાવતી વખતે તેના આશ્રમમાંથી 50 થી 60 જેટલા ધારદાર હથિયારો મળ્યા હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત 2023માં મહિલા પીઠાધીશ્વર પર હુમલાનો પણ આરોપ લાગ્યો હતો.

સ્થાનિક લોકોનું કહેવું છે કે, સાધુના વેશમાં આવા તત્વોને કારણે સાચા સંતો અને ભવનાથ-ગિરનારની પવિત્રતા બદનામ થાય છે. શ્રદ્ધાળુઓમાં આ ઘટનાને લઈને ભારે રોષ છે.પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.