રિપોર્ટ@જુનાગઢ: પરિવારજનોની ન્યાયની માંગ; 'પાંચેયને ફાંસીની સજા આપો નહીતર અન્નજળનો ત્યાગ કરીશું'

ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે થયેલી તકરારે હત્યાનું સ્વરૂપ ધારણ કર્યું હતું.
 
રિપોર્ટ@જુનાગઢ: પરિવારજનોની ન્યાયની માગ; 'પાંચેયને ફાંસીની સજા આપો નહીતર અન્નજળનો ત્યાગ કરીશું'

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

જૂનાગઢના સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મધુરમ રોડ પર ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે થયેલી તકરારે હત્યાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં 27 વર્ષીય યુવક દિવ્યાંગ ઉર્ફે યશ ચુડાસમા, જે ખાનગી કંપની જિયોમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો, તેની ઘાતકી હુમલામાં હત્યા થઈ હતી. પોલીસે હત્યાની ગંભીરતાને ધ્યાને લઈને ગણતરીની મિનિટોમાં જ કાર્યવાહી કરી, નિવૃત્ત PSIના પુત્ર સહિત એક મહિલા અને એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.

​આજે પોલીસે આ પાંચેય આરોપીઓને લઈ જઈ જે જગ્યા પર હત્યા કરવામાં આવી હતી તે જગ્યાનું રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. રિ-કન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓને જોવા આવેલા મૃતક દિવ્યાંગ ચુડાસમાના પરિવારજનોએ ન્યાયની ઉગ્ર માંગ કરી હતી.

મૃતક દિવ્યાંગ ઉર્ફે યશ ચુડાસમાના માતા પુષ્પાબેન વિનોદભાઈ ચુડાસમાએ રડતા અવાજે કહ્યું હતું કે, "હું પુષ્પાબેન વિનોદભાઈ ચુડાસમા. મારા એકનો એક દીકરાને આ દિવાળીનાં દિવસે સાંજે ઈ ક્યે મમ્મી હું હમણાં આવું છું અને આ ફટાકડા બાબતે મારા છોકરાને પાંચ જણાએ માર મારીને એકનો એક દીકરો લાડકવાયો છીનવી લીધો. હું સરકારને એમ જ કઉ, મારા દીકરાને માર્યો એવો જ મારે ન્યાય જોઈએ. આ લોકોનેય ફાંસીની... પાંચેયને સજા મળે. મારે ન્યાય જોઈએ. મને મારા દીકરાની સામે જીવ સામે જીવ જોઈએ. પાંચેય તૂટી પડ્યા ને મારા દીકરાનો જીવ લઈ લીધો. પાંચેયને ફાંસીની સજા આપો.

​ભાઈબીજના તહેવારે એકના એક ભાઈને ગુમાવનાર મૃતકની બહેન જલ્પાબેન ભુવાએ જણાવ્યું હતું કે, "આજના દિવસનું મને બહુ જ દુઃખ થાય છે કે આજે ભાઈબીજ છે અને મારો ભાઈ અમારી વચ્ચે નથી. મારો ભાઈ અમારા પરિવારનો આધાર સ્તંભ હતો. આજે આ આરોપીઓએ અમારા કુટુંબના સહારાને છીનવી લીધો છે. જેને મારા ભાઈની હત્યા કરી છે તેવા અધર્મની પાપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી સરકાર પાસે માંગ છે. સરકારને વિનંતી કે આ આરોપીઓને ફાંસી આપવામાં આવે. અમારે ન્યાય જોઈએ છીએ. જો અમને ન્યાય નહીં મળે તો અમારું આખું કુટુંબ અન્નજળનો ત્યાગ કરી ધરણા કરીશું." તેમણે એમ પણ ઉમેર્યું કે "તમે ન્યાય ન અપાવી શકો તો અમને સોંપી દો.

​દિવાળીની મોડી રાત્રે મધુરમથી ચોબારી ફાટક તરફ જતા રસ્તામાં અમુલ એપાર્ટમેન્ટ નજીક દિવ્યાંગ ઉર્ફે યશ ચુડાસમા તેના મિત્રો સાથે 'ડીલક્ષ પાન'ની દુકાન નજીક ફટાકડા ફોડતો હતો. તે સમયે અમૂલ એપાર્ટમેન્ટમાં રહેતા અન્ય શખસો પણ ફટાકડા ફોડી રહ્યા હતા. મૃતકની માતાના જણાવ્યા મુજબ, "અમારા દુકાને જે ભાઈ રે' એનાં ચાર વર્ષના છોકરા હાટું ફૂલજરી ને ફટાકડા લઈ આવ્યા'તા. તો ન્યાં ફટાકડો આ લોકોએ નાખ્યો એટલે એને એમ કીધું કે, ભાઈ આ નાનો છોકરો છે અહિયાં રેવા દ્યો. તો કેવલ જોષીએ એની ઉપર હુમલો કર્યો ને ગાળાગાળી કરી. ને પછી એ લો એનો ચેન તોડીને ભાગ્યો. એટલે મારા દીકરાનો ચેન તૂટી ગઈ એટલે મારો દીકરો હામો ગયો કે આ ચેન લઈને ભાગ્યો. ને ઓલા પાંચ જણાએ મારા દીકરા ઉપર હથિયારથી હુમલો કરી નાખ્યો ને બાઈએ પછાડ્યો. અને મારો દીકરો વયો ગયો.