રિપોર્ટ@જૂનાગઢ: વિજળીનાં કડાકા- ભડાકા સાથે વરસાદી માહોલ સર્જાયો
શહેરના મધુરમ, કાળવાચોક, ગાંધીચોક સહિતના વિસ્તારના મુખ્ય માર્ગો પર પાણી ફળી વળ્યા હતા.
Oct 14, 2024, 09:33 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
લાંબા સમય વિરામ બાદ રાજ્યમાં ફરી વરસાદી માહોલ જોવા મળ્યો. જૂનાગઢ શહેરમાં રવિવારે સવારથી બપોર સુધીના સમયમાં વાતાવરણમાં બફારો, વાદળછાયુ વાતાવરણ રહેલુ હતુ. એકાએક સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને 7 વાગ્યા બાદ વિજળીયા કડાકા- ભડાકા સાથે વરસાદી માહોલ સર્જાયો હતો.
શહેરના મધુરમ, કાળવાચોક, ગાંધીચોક સહિતના વિસ્તારના મુખ્ય માર્ગો પર પાણી ફળી વળ્યા હતા. શહેર ઉપરાંત ભવનાથ વિસ્તારમાં વરસાદી ઝાંપટા વરસી જતા પાણી વહી ગયા હતા.
વરસાદની સાથે પવનની ઝડપ પણ વધુ રહી હતી. જૂનાગઢ હવામાન વિભાગમાંથી મળતી માહિતી અનુસાર રવિવારે સમી સાંજના સમયે એકા-એક વાતાવરણમાં પલટા આવી વિજળીના ચમકારા સાથે વરસાદ વરસ્યો હતો. આગામી તારીખ 20 સુધી વરસાદી માહોલ રહેશે તેમ હવામાન નિષ્ણાંતે આગાહી કરેલ છે.