રિપોર્ટ@જૂનાગઢ: વરસાદ બાદ ગિરનારે 'લીલી ચાદર' ઓઢી, વાતાવરણ જોઈ પ્રવાસીઓ શું બોલ્યાં ?
વાતાવરણ જોઈ પ્રવાસીઓ બોલી ઊઠ્યા 'આની સામે તો કાશ્મીર પણ ઝાંખું પડે'
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારમાં ચાલુ વર્ષે 60 ઈંચથી વધુ વરસાદ વરસતા ઝરણાઓ ખળખળ વહેતાં થયાં છે અને પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે. ચોમાસા દરમિયાન દાતાર અને ગિરનારનું પ્રાકૃતિક સૌંદર્ય કેરલ અને કાશ્મીર જેવું બની રહે છે, વાદળાઓને ચીરતા પર્વતો પ્રકૃતિ પ્રેમીઓને અહીં સુધી ખેંચી લાવે છે. ગિરનારને તમે રૂબરૂ કે તસવીરમાં તો જોયો છે. પણ આકાશમાંથી ગિરનાર કેવો લાગે છે તેનો આહલાદક નજારો દિવ્ય ભાસ્કર ડિજિટલે ડ્રોન કેમેરામાં કેદ કર્યો છે.
આ વર્ષે જૂનાગઢ જિલ્લામાં મેઘરાજા મહેરબાન રહ્યા છે. જૂનાગઢ શહેરની અને ગિરનારની વાત કરીએ તો, સમગ્ર સિઝન દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો છે. જૂનાગઢ શહેરમાં આજદિન સુધીમાં 60 ઈંચ કરતાં વધુ વરસાદ થયો છે. સામાન્ય રીતે જૂનાગઢ શહેરમાં ચોમાસા દરમિયાન 40 થી 45 ઈંચ વરસાદ વરસતો હોય છે. જૂનાગઢ શહેર અને તાલુકામાં વરસેલા ધોધમાર વરસાદના કરાણે ગિરનાર અને આસપાસની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે.
ગિરનાર પર દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ પ્રકૃતિની મોજ માણવા આવતા હોય છે ત્યારે પ્રકૃતિ અને પરમેશ્વરનો સમન્વય આ ગિરનાર પર્વત છે. વરસાદી વિરામ બાદ ગિરનાર અને દાતારનું પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઊઠે છે. જેને માણવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો ગિરનાર પર્વત તેમજ વિલિંગ્ડન ડેમ ખાતે પહોંચે છે. ત્યારે આ વર્ષે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પ્રકૃતિની મજા માણી રહ્યા છે.
ગિરનાર અને દાતાર પર્વત પર પડેલા વરસાદના કારણે ગિરનારની પહાડીઓ પ્રાકૃતિક સૌંદર્યથી ખીલી ઊઠી છે. જેને લઇને પ્રવાસીઓનો જૂનાગઢમાં જમાવડો જોવા મળી રહ્યો છે. દર વર્ષે ચોમાસા દરમિયાન આ જ પ્રકારનો કુદરતી નજારો વરસાદ દરમિયાન જોવા મળતો હોય છે. ગિરનારને દાતાર પહાડીઓ પરથી આવતું વરસાદી પાણી લોકોને ખૂબ જ આકર્ષિત કરે છે. જેને લઈને પણ લોકો ખૂબ જ ઉત્સાહિત બનીને દાતાર અને ગિરનારની પહાડીઓ તરફ વરસતા વરસાદમાં ઝરણાં રૂપે આવતા વરસાદી પાણીને જોવા માટે પણ ખૂબ જ તલપાપડ હોય છે.
ચોમાસાના ચાર મહિના સુધી ગિરનાર અને દાતારનું કુદરતી સૌંદર્ય કાશ્મીર અને કેરળને પણ ટક્કર મારે તેવું જોવા મળે છે, વરસાદને કારણે પહાડો પરથી સતત વહેતાં ઝરણાં અને જંગલ એકદમ લીલુંછમ્મ બને છે અને જ્યાં નજર કરો ત્યાં એકમાત્ર કુદરતી ખજાનો નજર સમક્ષ જોવા મળતો હોય છે. જેને લઈને પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો કુદરતના નજારાને નજર સમક્ષ નિહાળવા માટે ગિરનાર અને દાતારની પહાડીઓ પર આવતા હોય છે. રજા અને તહેવારોના સમય દરમિયાન ચોમાસાના દિવસોમાં ખૂબ મોટી સંખ્યામાં બહારથી પણ પ્રવાસીઓ કુદરતને નજર સમક્ષ નિહાળવા માટે જૂનાગઢ આવતા હોય છે.
સુરતથી ફરવા આવેલા દિનેશભાઈ શાહ સાથેની વાતચીતમાં જણાવે છે કે, અહીં જે પ્રકૃતિનો આહલાદક આનંદ છે, એ બીજે ક્યાંય નથી. અહીં આજના આ પ્રકૃતિ અને પરમેશ્વરનાં દર્શન કરી હું ધન્યતા અનુભવું છું. રોપ-વે મારફત હું અહીં જૈન દેરાસર આવ્યો હતો. આજની મારી યાત્રા સફળ થઈ છે. મેં આજે નેમીનાથ દાદા અને મા અંબાનાં દર્શન કરી ધન્યતા અનુભવી છે. અહીંનું વાતાવરણ ખૂબ જ સુંદર અને શબ્દોમાં ન વર્ણવી શકાય તેવું છે. એકવાર લોકોએ ગિરનાર અચૂક આવવું જોઈએ.
રાજકોટથી આવેલા પ્રવાસી ચેતનભાઇ કમાણીએ જણાવ્યું હતું કે, અમે અહીં ગિરનાર પર્વત પર રોપ-વેથી આવ્યા છીએ. આ જગ્યાનું શબ્દોમાં વર્ણન ન થઈ શકે. પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે, ઝરણા શરૂ છે, પરિવાર આનંદ સાથે અહીં ફરવા આવ્યો છે. દરેક લોકોએ એક વખત પોતાના પરિવાર સાથે અચૂક ગિરનાર પર્વતની મુલાકાત લેવી જોઈએ.
સુરતથી આવેલા પ્રમેય ગજેરાએ જણાવ્યું હતું કે, પહેલી વખત અમે ગિરનાર પરિવાર સાથે ચડવા આવ્યા છીએ ત્યારે આજનું વાતાવરણ ખૂબ જ રમણીય છે. અહીં ગિરનાર પર્વત પરથી ઝરણાં વહે છે, વાદળો લોકો સાથે વાતો કરે છે અને તંત્ર દ્વારા પણ ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. તેમ જ સગવડ પણ પૂરી આપવામાં આવી રહી છે. હાલમાં વરસાદી વિરામ બાદ ગરમી પડી રહી છે ત્યારે બફારો થાય છે પરંતુ અહીંનો આનંદ એક અનેરો લહાવો છે.