રિપોર્ટ@જૂનાગઢ: પત્નીએ પતિના આપઘાતના 48 કલાકમાં આત્મહત્યા કરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાની ઘટનાઓ સામે આવતી હોય છે. પતિ-પત્ની વચ્ચે ઝઘડો અંતિમ પગલાં સુધી પહોંચી જાય તો સામે છેડે પાત્રને આઘાત જીરવવો મુશ્કેલ બની જાય છે. આવી જ એક ઘટના જૂનાગઢમાંથી સામે આવી છે. ત્રણ દિવસ પહેલા પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડા બાદ પતિએ આત્મહત્યા કરી હતી. ત્યાર બાદ પત્નીએ પતિના આપઘાતના 48 કલાકમાં એટલે કે 25 ડિસેમ્બરે આત્મહત્યા કરી લીધી હતી.
ગીતાબેન પરમારે પતિના વિરહમાં પતિની ઉત્તરક્રિયાના અને એંગેજમેન્ટ એનિવર્સરીના દિવસે જ પત્નીએ પણ ગળાફાંસો ખાઇને જીવન ટુંકાવી લીધું છે. પતિ-પત્નીના અંતિમ પગલાંથી બે બાળકો માવતર વિનાનાં થઇ ગયાં છે.
આ ઘટનાની વિસ્તારથી વાત કરીએ તો જૂનાગઢના શીતલ નગરમાં રહેતા અને પ્રાઇવેટ જોબ કરતા 39 વર્ષીય સતીષ પરમારના લગ્ન 18 વર્ષ પહેલાં ગીતાબેન સાથે થયા હતા. આ દંપતીને એક 11 વર્ષનો દીકરો અને 16 વર્ષની દીકરી હતી. આ પરિવાર સુખ-શાંતિથી જિંદગી જીવતો હતો. દાંપત્ય જીવનમાં પતિ-પત્ની વચ્ચે અવારનવાર નાના-મોટા ઝઘડાઓ થતા હતા. આ દરમિયાન 23 ડિસેમ્બરના રોજ સતીષે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. જેના બે દિવસ બાદ સતીષ પરમારની ઉત્તરક્રિયા રાખવામાં આવી હતી. જે દિવસે જ સવારમાં પતિના વિરહમાં પત્ની ગીતાબેને પણ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
આ અંગે મૃતક મહિલાના ભાઈ જિજ્ઞેશ રાઠોડે જણાવ્યું હતું કે, મારા બનેવીએ ગત 23 ડિસેમ્બરમાં નાની અમથી બાબતમાં ઘરકંકાસમાં ગળાંફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. જેના બે દિવસ પછી મારા બેને પણ મારા બનેવીના વિરહમાં ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. મારા બેન અને બનેવીએ બંનેએ આત્મહત્યા કરી પણ એમણે તેમનાં બે બાળકોનું પણ ના વિચાર્યું.. બંને બાળકોએ પોતાનાં માતા-પિતા ગુમાવ્યાં છે.
આ અંગે મૃતક સતીષના ભાઈ કેતન પરમારે જણાવ્યું હતું કે, મારાં ભાઈ-ભાભીના સગાઈની આજે તારીખ છે, આ બંનેના જીવનની પણ આજે અંતિમ તારીખ હતી. મારાં ભાઈ-ભાભીએ સામાન્ય ઝઘડામાં ગળાંફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. ગત 23 ડિસેમ્બરના મારા ભાઈએ ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. જેના વિરહમાં તેનું દુઃખ સહન ન થતાં મારા ભાભીએ પણ બે દિવસ બાદ ઘરે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે.
કેતન પરમારે અન્ય લોકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, જીવનમાં એક ક્ષણનો ક્રોધ જ્યારે વ્યક્તિના મગજમાં પસાર થાય છે ત્યારે જો વિચાર નબળા આવી જાય તો ન થવાનું થઇ જાય છે. મોટાભાગે દરેક પતિ-પત્ની વચ્ચે નાના-મોટા ઝઘડાઓ થતા હોય છે. પરંતુ આ ઝઘડાઓથી એવા કોઈ નિર્ણય ન લેવા જોઈએ કે એ નિર્ણયથી પછી પરિવારને દુઃખ ભોગવવાનો વારો આવે. લોકોએ ક્ષણના ક્રોધ, કંકાસ કે ઝઘડામાં જીવન ટૂંકાવવું ન જોઈએ. કદાચ મારાં ભાઈ-ભાભીએ આ ઘરકંકાસને થોડીવાર માટે ભૂલી પોતાનાં બાળકો અને પરિવારનું વિચાર્યું હોત તો આજે તેનાં બાળકો માવતર વગરનાં ન થયાં હોત.