રિપોર્ટ@વડોદરા: નદીમાં ડૂબી જતાં 2 યુવકના મોત, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

બંને યુવકના મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યા
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં મોતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મોતની ઘટનાઓ સામે આવતી હોય છે.  વડોદરા શહેર નજીક આવેલા કોટના બીચ ખાતે મહીસાગર નદીમાં 2 યુવકો ડૂબી જતાં બંનેના મોત થયા છે. ઘટનાની જાણ થતાં નંદેસરી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ મોકલી આપ્યા હતા.


વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતા 5 મિત્રો કોટના બીચ સ્થિત મહીસાગર નદીમાં નાહવા ગયા હતા. જ્યાં પાંચેય મિત્રો બપોરે નદીમાં નાહવા પડ્યા હતા. જે પૈકી 2 મિત્રો જેનુલ ઇબ્રાહિમ પટેલ (ઉ. 20) અને શોહેબ ઇરફાન પઠાણ (ઉ. 19) મહીસાગર નદીના ઊંડા પાણીમાં અચાનક જ ડૂબવા લાગ્યા હતા. જેથી તેઓએ બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી સ્થાનિક તરવૈયાઓ પહોંચી ગયા હતા અને તેઓને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.


ભારે જહેમત બાદ સ્થાનિક તરવૈયાઓએ બંને યુવકોના મૃતદેહ મહીસાગર નદીમાંથી બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતાં નંદેસરી પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. બંને યુવકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.


બંને મિત્રોના મોત થતાં કોટના બીચ પરથી પોલીસે લોકોને હટાવી દીધા હતા. અને બોટિંગ પણ બંધ કરાવી દીધું હતું. બંને મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવતા તેમના પરિવારજનો પણ પહોંચી ગયા હતા અને સ્થાનિક લોકોના ટોળા પણ એકત્ર થયા હતા.


પરિવારજનોએ માંગણી કરી છે કે, આ સ્થળે રેતી ખનન થાય છે. જેથી ઊંડા ખાડામાં બંને મિત્રો ડૂબી ગયા છે. દર મહિને આ પ્રકારની ઘટનાઓ ત્યાં બનતી જ હોય છે. જેથી કલેક્ટર સાહેબને અમારી વિનંતી છે કે, કોટના બીચ સહિતના નદીઓ પરના સ્થળો પર નાહવા પર પ્રતિબંધ મુકવાની માગ કરી છે. આ જગ્યાને ફેન્સિંગ કરીને સીલ કરી દેવું જોઇએ અને તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવી જોઇએ. જેથી કરીને આ પ્રકારની ઘટનાઓ ન બને. જેનુલ ઇબ્રાહિમ પટેલ એમ.એસ. યુનિવર્સિટીમાં FY B.comમાં અભ્યાસ કરતો હતો અને શોહેબ ઇરફાન પઠાણ આઇટીઆઇમાં અભ્યાસ કરતો હતો.