રિપોર્ટ@રાજકોટ: જશોદા ડેરીની મીઠાઈમાં જીવતી ઇયળ નીકળી, જાણો વધુ વિગતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટમાં શહેરનાં યુનિવર્સિટી રોડ નજીક પુષ્કર ધામ ચોક પાસે આવેલ જશોદા ડેરીની મીઠાઈમાં ઇયળ નીકળી હોવાનો ગ્રાહક દ્વારા આક્ષેપ કરાયો છે. જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે ત્યારે રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ગ્રાહકે ડેરીમાંથી ખરીદેલી મીઠાઈમાં જીવાત છે. એક ગ્રાહક દુકાનદારને મીઠાઈના ટુકડા તોડીને બતાવે છે, જેમાં જીવાત સ્પષ્ટ દેખાય છે. આ બનાવને પગલે ગ્રાહક તેમજ દુકાનદાર વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થાય છે. ગુસ્સે ભરાયેલા ગ્રાહકે દુકાનદાર પાસે તમામ જીવાતવાળી મીઠાઈનો ઢગલો કરાવીને તેને બહાર ફેંકી દેવાની ફરજ પાડી હતી. ગ્રાહક દ્વારા પોતાની નાની દીકરીએ પણ આ મીઠાઈ ખાધી હોવાનું જણાવીને દુકાનદારની ગંભીર બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે દુકાનદાર પોતે મીઠાઈમાંથી જીવાત નીકળી હોવાનો સ્વીકાર કરી અને ગ્રાહક સામે આજીજી કરે છે.
જશોદા ડેરીના માલિક કલ્પેશ ડોબરિયાએ આ મામલે પોતાનો ખુલાસો રજૂ કરતા જણાવ્યું હતું કે, જે ગ્રાહક મીઠાઈ લઈને આવ્યા તે વસ્તુ તેમની પાસે બે દિવસની હોઈ શકે છે. પરંતુ, મીઠાઈ બનાવવાની પ્રક્રિયામાં તેમાં જીવાત પેદા થઈ શકે નહીં. તેમના કહેવા મુજબ, જ્યારે મીઠાઈ ખરાબ થાય છે ત્યારે સામાન્ય રીતે ફૂગ જોવા મળતી હોય છે. મીઠાઈમાં જે જીવાત માલુમ પડી છે તે વાતાવરણમાં, એટલે કે ઝાડ-પાનમાં થતી જીવાત હતી. ત્યારે આ જીવાત મીઠાઈમાં કેમ આવી તે અમારા માટે પણ મોટો પ્રશ્ન છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, ગ્રાહક ક્યારેય ખોટું કરે નહીં. ત્યારે આ જીવાત મીઠાઈના પેકિંગ વખતે અંદર જતી રહી છે, બોક્સ પેક કર્યા બાદ ગાડીમાં મૂકતી વખતે આવી છે કે, પછી રાત્રિના સમયે ડ્રોઅર ખુલ્લો રહી ગયો હોય તેના કારણે આવી હોય તેવું લાગી રહ્યું છે. જીવતી જીવાત મીઠાઈની અંદર ઉત્પન્ન થતી નથી. તેઓ છેલ્લા 20થી 25 વર્ષથી મીઠાઈના વ્યવસાયમાં છે અને અગાઉ ક્યારેય આવો બનાવ બન્યો નથી. તેઓ એક્સપોર્ટનાં કામ સાથે જોડાયેલા હોવાથી 100% યુએસએના નિયમોનું પાલન કરે છે. જોકે તેમણે આ બેદરકારીનો સ્વીકાર કરતા કહ્યું હતું કે અમે તેમાં ચોક્કસપણે સુધારો કરીશું.
તહેવારોની સીઝન શરૂ થતાં જ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરભરમાં મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.