રિપોર્ટ@ગાંધીનગર: રામકથા મેદાનમાં કેસરિયા ગરબામાં આઠમાં નોરતે 51 હજાર દીવડાની મહાઆરતી કરાઇ

'આદિયોગી'ની અલૌકિક આકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તો સેક્ટર-12ના કલ્ચરલ ફોરમના ગરબામાં હજારો દીવડાથી મહાદુર્ગાની મુખાકૃતિ રચાઈ હતી.
 
રિપોર્ટ@ગાંધીનગર: રામકથા મેદાનમાં કેસરિયા ગરબામાં આઠમના નોરતે 51 દીવડાની મહાઆરતી કરાઇ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં નવરાત્રિનો પવિત્ર તહેવાર ચાલુ છે. ગાંધીનગરના સેક્ટર-11ના રામકથા મેદાનમાં કેસરિયા ગરબામાં આઠમના નોરતે 51 હજાર દીવડાની મહાઆરતી કરાઇ હતી. જેમાં 'આદિયોગી'ની અલૌકિક આકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તો સેક્ટર-12ના કલ્ચરલ ફોરમના ગરબામાં હજારો દીવડાથી મહાદુર્ગાની મુખાકૃતિ રચાઈ હતી. આ અદ્ભુત નજારો સર્જાતા બંને ગરબા ગ્રાઉન્ડમાં ઉપસ્થિત જનમેદનીએ અદભુત અને અલૌકિક ક્ષણને વધાવી હતી.

ગાંધીનગર ઉત્તર વિધાનસભાનાં ધારાસભ્ય રીટાબેન પટેલ પ્રેરિત સહાય ફાઉન્ડેશન આયોજિત કેસરિયા ગરબામાં દર વર્ષની જેમ આઠમા નોરતે 51 હજાર દીવડાની ભવ્યાતિભવ્ય મહાઆરતી યોજાઇ હતી જેમાં હજારો દીવડાઓ થકી 'આદિયોગી'ની અલૌકિક આકૃતિનું નિર્માણ કરાયું હતું. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ માઈભક્તો અપાર શ્રદ્ધા અને ભક્તિના ભાવ સાથે મા અંબાની મહાઆરતીમાં સામેલ થયા હતા.

ગોલ્ડન ચીયર્સ ઓર્કેસ્ટ્રા દ્વારા મંત્રમુગ્ધ કરતી કેસરિયા ગરબાની આરતીની પ્રસ્તુતિ કરાઈ હતી. આ તકે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. 'આદિયોગી'ની દીવડાઓ દ્વારા નિર્મિત પ્રતિકૃતિ સ્ક્રીન ઉપર દર્શાવાતા જ કેસરિયા ગરબા પરિસરમાં ઉપસ્થિત વિશાળ જનસાગરે આ અદભુત અને અલૌકિક ક્ષણને વધાવી હતી. આ તકે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ અને BCCI સેક્રેટરી જય શાહ, રાજ્યસભા સાંસદ મયંક નાયક, મ્યુનિસિપલ કમિશનર જે. એન. વાઘેલા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ તરફ પરંપરાગત અને ભાતીગળ ગરબા માટે ગુજરાતભરમાં જાણીતા સેક્ટર-12ના કલ્ચરલ ફોરમના ગરબામાં હજારો દીવડાથી મહાદુર્ગાની મુખાકૃતિ રચાઈ હતી. વર્ષ 2006થી કલ્ચરલના ગરબામાં આરંભાયેલી આ પરંપરા આજે આખા ગુજરાતમાં વિસ્તરી છે. વર્ષ 2011થી મહાઆરતી દરમિયાન દીવડાઓથી કોઈ આકૃતિ બનાવવાની પરંપરાની શરૂઆત થઈ હતી. આઠમા નોરતે હજારો દીવડાથી મહાદુર્ગાની મુખાકૃતિ રચાતા ભારે ઉત્સુકતા અને ભક્તિનું વાતાવરણ સર્જાયું હતું.

જી તરફ સેક્ટર-6માં થનગનાટ નવરાત્રિ મહોત્સવ ખાતે આઠમા નોરતે 21000 દીવડાઓની મા જગદંબાની મહાઆરતી કરવામાં આવી હતી. જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશન "સ્વચ્છ ભારત" થીમ પર મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.